કચ્છ સહિત રાજ્યની ૪૫૦ સ્કૂલની વિગતોના આધારે પ્રોવિઝનલ ફી નક્કી થશે

ભુજ : ફી નિયમન ધારાની અમલવારી અંગે કચ્છ સહિત રાજ્યભરમાં હાલે વિવાદ ચાલી રહ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતના આદેશો બાદ રાજ્યની ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરવા માટે કમિટી દ્વારા કવાયત શરૂ કરાઈ છે. જેમાં હવે રાજ્યની ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ અને ઈન્ટરનેશનલ બોર્ડની ૪૫૦ જેટલી સ્કૂલોની વિગતોના આધારે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવનાર હોઈ કમિટી દ્વારા અન્ય જિલ્લાઓની સાથો સાથ કચ્છ જિલ્લાની પણ ૧પ સ્કૂલોની ફી તથા ખર્ચ અંગેની વિગતો મંગાવવામાં આવી છે.
આ અંગેની વિગતો મુજબ હાલમાં કમિટીએ તમામ ડીઈઓ પાસે તેમની જિલ્લાની ૧૫ સ્કૂલોની વિગતો મંગાવી છે. જેમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા, ફીની વિગત તથા ખર્ચની વિગતો મંગાવી છે. જેથી તમામ ડીઈઓ કચેરી દ્વારા આ વિગતો મોકલી દેવાયા બાદ કમિટી તેનો અભ્યાસ કરી તેના આધારે સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરશે ત્યારે કચ્છ જિલ્લામાં પણ આ અંગેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જો કે આ બાબતે જિલ્લામાં હજુ સત્તાવાર આદેશો આવ્યા ન હોઈ આદેશોની રાહ જોવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા બોર્ડના ચેરમેનના અધ્યક્ષ સ્થાને ફી ફિક્સેશન કમિટીની રચના કરી છે. આ કમિટી દ્વારા રાજ્યની સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવશે. હાલમાં કમિટી દ્વારા વાલીઓ અને સંચાલકોને સાંભળવાની કામગીરી ચાલી રહી છે અને વાલીઓ અને સંચાલકો ૧૫ ફેબ્રુઆરી સુધી કમિટી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે. ત્યાર બાદ કમિટી રજૂઆતોના આધારે પ્રોવિઝનલ ફી નક્કી કરશે. જોકે, આ દરમિયાન કમિટી દ્વારા કચ્છ સહિત રાજ્યની ૪૫૦ જેટલી સ્કૂલોની વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.
આ અંગે જે તે જિલ્લાના ડીઈઓને સ્કૂલોની વિગતો મોકલવા સુચના આપી દીધી હોવાનું જાણવા મળે છે. ફી કમિટીએ દરેક જિલ્લામાંથી ૧૫ સ્કૂલોની વિગતો મંગાવી છે. જેમાં પાંચ સ્કૂલો ગુજરાત બોર્ડની, પાંચ સ્કૂલો સેન્ટ્રલ બોર્ડની અને પાંચ સ્કૂલો ઈન્ટરનેશનલ બોર્ડની રહેશે. આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા, સ્કૂલ દ્વારા લેવામાં આવતી ફી, સ્કૂલનો ખર્ચ તથા સુવિધાઓની વિગતો મંગાવી છે. જેથી આ તમામ સ્કૂલોની વિગતો આવ્યા બાદ કમિટીને પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં સરળતા રહેશે અને તેના આધારે કમિટી પ્રોવિઝનલ ફી નક્કી કરી શકશે. જેથી ડીઈઓ દ્વારા હાલમાં
પોતાના જિલ્લાની ૧૫ સ્કૂલોની વિગતો મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જોકે, આ કઈ સ્કૂલો હશે તેની વિગતો ગુપ્ત રાખવાનું નક્કી કરાયું છે. કમિટી દ્વારા ૨૮ ફેબ્રુઆરી પહેલા રાજ્યની સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરી તે અંગેની વિગતો શિક્ષણમંત્રીને સુપરત કરશે. જોકે, વાલીઓ હાલમાં સરકારે જે સ્લેબ નક્કી કર્યો છે તે પ્રમાણે જ રૂ. ૧૫ હજાર, રૂ. ૨૫ હજાર અને રૂ. ૨૭ હજારની ફી નક્કી કરવા માટે રજૂઆત કરી છે. જો પ્રોવિઝનલ ફી આ માળખા કરતા વધુ નક્કી થશે તો વાલીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, કમિટી દ્વારા હજુ સુધી કચ્છ જિલ્લા આ અંગેના આદેશો કરાયા નથી જેથી આદેશો મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.