કચ્છ સહિત રાજ્યના તમામ વાહન ચાલકો માટે ખુશખબર

ટુ-વ્હીલર અને ફોર વ્હીલરમાં પોલીસ દ્વારા માત્ર માસ્કનો જ દંડ વસૂલાશે : આરટીઓનો દંડ વસૂલવા પર સીએમએ ફરમાવી મનાઈ

ભુજ : કચ્છ સહિત રાજ્યના વાહન ચાલકોને ગુજરાત સરકારે રાહત આપી છે. હાલની કોવિડની સ્થિતિમાં પોલીસને માત્ર માસ્કનો જ દંડ લેવા સૂચના અપાઈ છે. અન્ય ટ્રાફિક કે આરટીઓનો દંડ લેવા પર મુખ્યમંત્રીએ હાલ પૂરતી મનાઈ ફરમાવી છે. ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. હાલમાં જ્યારે કોવિડના કેસો વધી રહ્યા છે ત્યારે વાહન ડીટેઈન થાય કે દંડ કરવામાં આવે તો વાહન ચાલકોને આરટીઓમાં દંડ ભરવા માટે લાઈનમાં ઉભવું પડે છે. કોવિડની સ્થિતિમાં દર્દીઓને સારવાર માટે પણ તેઓને ચિંતા હોય છે, જેથી સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વાહન વ્યવહાર મંત્રી અને ગૃહમંત્રીને સૂચના આપી જણાવ્યું છે કે, હાલ પુરતો પોલીસ દ્વારા માત્ર માસ્ક ન પહેરવાનો જ દંડ વસૂલવામાં આવે. માસ્ક સિવાયની અન્ય બાબતોની કલમ હાલ પુરતી લગાવવી નહીં અને દંડ પણ વસૂલવો નહીં. ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો પાસેથી માસ્ક સિવાયનો દંડ ન વસૂલ કરવાનો નિર્ણય આવકારદાયક છે. આ બાબતે સત્તાવાર રીતે પરિપત્ર પણ જારી કરવામાં આવશે.