કચ્છ યુનિ.માં ૧ર(બી)ની મંજુરી માટે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

ભુજ : કેએસકેવી. કચ્છ યુનિવર્સિટીને દાયકાથી પણ વધારે સમય થયો છે ત્યારે યુનિવર્સિટીના પ્રારંભ પહેલાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત રાજ્યમાં શાસન કરી રહી છે. આ સમયગાળા દરમ્યાન કચ્છના સાંસદ સભ્યો ભાજપના જ રહ્યા છે તથા ગુજરાત સરકારમાં બે ધારાસભ્યો મંત્રી તરીકે રહ્યા છે અને વાઈસ કુલપતિઓ પણ ભાજપની વિચારધારા વાળા રહ્યા છે. હાલના સમયમાં યુનિવર્સિટીના સેનેટ પદે પણ સાંસદ સભ્ય ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપના હોવા છતા યુનિવર્સિટીમાં અનેક સમસ્યાઓ રહેલી છે. ત્યારે પદવીદાન સમારોહ પૂર્વે સમસ્યાઓનું નિરાકરણ નહી કરાય તો યુનિ.ને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. યુનિ. સેનેટ સભ્ય દિપક ડાંગરે મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવેલ કે કચ્છ એક સરહદી વિસ્તારનો જિલ્લો છે. ત્યારે સરહદ વિસ્તારનો લાભ યુનિવર્સિટીને મળવો જાઈએ, એ તો મળતો જ નથી. યુનિવર્સિટીને ૧ર(બી)ની મંજુરી ગુજરાત તથા કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતા આજ દિવસ સુધી મળી શકી નથી. એકબાજુ ભાજપ સરકાર કચ્છને ઘણું આપવાનો પોકળ દાવો કરતી રહી છે ત્યારે કચ્છનું ભવિષ્ય કહી શકાય તેવા યુવાનોને પદ્ધતિસરનું શિક્ષણ મળે તે માટે કયારેય યોગ્ય પગલા લીધા નથી. ૧ર(બી)ની મંજુરી ન હોવાને લીધે અનેક સમસ્યાઓ ઉભી થતી હોઈ જેનો સમયસર નિરાકરણ ન થતા જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડે છે. જેની કચ્છ વિસ્તારને મોટી ખોટ સાલતી રહી છે. આગામી ૪ ઓકટોબરના રોજ કચ્છ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ઉજવવાનો છે ત્યારે ત્યાં સુધીમાં સરકાર દ્વારા ૧ર(બી) મુદ્દે કોઈ હકારાત્મક પ્રતિક્રિયા આપવામાં નહી આવે તો યુવા કોંગ્રેસ તથા એનએસયુઆઈ દ્વારા પદવીદાન સમારોહના આગલા દિવસે તા.૩ ઓકટોમબરના રોજ યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.