કચ્છ યુનિવર્સિટીમાં ઓનલાઈન એપ્લીકેશનમાં ૩૦ ટકા વધુ એડમીશન

૧૧૧૪૧ વિદ્યાર્થીઓએ વિવિધ કોર્ષમાં કરાવ્યું નામાંકન : બીએ અને બીકોમમાં દર વર્ષની જેમ વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો

 

ભુજ : કચ્છ યુનિવર્સિટીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે ત્યારે યુનિવર્સિટીમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ કુલ્લ ૧૧૧૪૧ છાત્રોએ વિવિધ કોર્ષીસ માટે ઓનલાઈન ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જેની ટુંક સમયમાં એડમીશન પ્રક્રિયા સંપન્ન થશે.
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. બી. જાડેજાના જણાવ્યાનુસાર આ વર્ષે કચ્છ યુનિવર્સિટીમાં એડમીશન મેળવવા માટે ૧૧૧૪૧ છાત્રોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે. દર વર્ષની તુલનાએ આ વખતે ઉચ્ચ શિક્ષણમાં ફોર્મ ભરનાર છાત્રોમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. જુદા જુદા કોર્ષમાં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની એડમીશન પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક મહત્વના કોર્ષમાં મેરીટ બહાર પાડીને બેઠક વાઈઝ એડમીશન આપવાનું પણ શરૂ કરાયું છે. આ વર્ષે બી.કોમ. રેગ્યુલરમાં ૪૪૩ર છાત્રોએ સૌથી વધુ ફોર્મ ભર્યા છે, જ્યારે બી.એ.માં ૩ર૦૭ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષ માટે પોતાનું નામાંકન કરાવ્યું છે. કચ્છ યુનિવર્સિટીમાં પણ વિવિધ પ્રકારના કોર્ષ શરૂ થયા છે ત્યારે તેમાં પણ છાત્રોએ રસ દાખવ્યો છે. બી. એ. – બી.કોમ. બાદ માસ્ટર ડિગ્રી સહિત અન્ય કોર્ષમાં પણ છાત્રોએ એડમીશન માટે ઓનલાઈન પ્રક્રિયા કરી છે. તો બી.એડ. અને એમ.એડ.માં પણ એડમીશન થયું છે. ત્યારે આગામી દિવસોમાં કચ્છ જિલ્લાનું ઉચ્ચ શિક્ષણ વધુ ઉજળું બનશે તેવો આશાવાદ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. બી. જાડેજાએ વ્યક્ત કર્યો હતો.