કચ્છ માટે સરકારે ૮૦ વેન્ટીલેટરની કરેલી જાહેરાત મુજબ કેટલોક જથ્થો ફાળવાયો

જી.કે. જનરલ હોસ્પિટલને પ વેન્ટીલેટર મળતા હવે કુલ્લ ૩૮ વેન્ટીલેટર પર સારવાર : મસ્કા કોવિડ કેર સેન્ટરને પણ પાંચ વેન્ટીલેટર મળ્યા : અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ લોકોને સારવાર મળી રહે તે માટે કેટલાક વેન્ટીલેટરો ફાળવાયા

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છમાં કોરોના મહામારીએ મોઢું ફાળ્યું છે. છેલ્લા બે દિવસથી ર૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. સ્થિતિ કપરી બનતી જાય છે, તેની વચ્ચે સરકાર અને તંત્ર દ્વારા બનતા પ્રયાસો હાથ ધરાયા છે. સરકારે અગાઉ કરેલી ૮૦ વેન્ટીલેટરની જાહેરાત મુજબ કેટલાક વેન્ટીલેટરની સરકાર દ્વારા ફાળવણી કરાઈ છે. તો કચ્છ યુનિવર્સિટીમાં સમરસ હોસ્ટેલમાં શરૂ કરાયેલી કોવિડની સેવાઓનો પ્રારંભ કરાયો છે અને જી.કે.માંથી ર૦ થી રપ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં રીફર કરાયા છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં કોરોનાના એક્ટિવ કેસો ૧ર૦૦ થી ઉપર થઈ ગયા છે. દરરોજ નવા પોઝિટીવ કેસોનો જેટ ગતિએ ઉમેરો થઈ રહ્યો છે, તેની વચ્ચે સારવારની કટોકટી ન સર્જાય તે માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા બનતા તમામ પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લામાં કોવિડના ક્રિટીકલ કેસોમાં વેન્ટીલેટરની અછત ન સર્જાય તે માટે સરકાર દ્વારા કચ્છમાં ૮૦ વેન્ટીલેટર આપવાની જાહેરાત કરાઈ હતી, જે મુજબ સરકારમાંથી વેન્ટીલેટરોની ફાળવણી કરી જુદી જુદી સરકારી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટર ઉપરાંત ખાનગી હોસ્પિટલોને પણ વેન્ટીલેટરો ફાળવાયા છે, જેથી સત્વરે કચ્છના જરૂરત મંદ દર્દીઓને યોગ્ય રીતે સારવાર મળી શકે.આ અંગે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જી.કે. જનરલ હોસ્પિટલને પાંચ નવા વેન્ટીલેટરની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ અમારી પાસે ૩૩ વેન્ટીલેટર કોવિડની સારવાર માટે ઉપલબ્ધ હતા. જયારે નવા પાંચ વેન્ટીલેટર ફાળવાતા હવે કુલ્લ ૩૮ મશીનો પર દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત મસ્કા ખાતે કોવિડ કેર સેન્ટરને પણ પાંચ વેન્ટીલેટર ફાળવાયા હોવાનું જીગરભાઈ છેડાએ ઉમેર્યું હતું. મસ્કા ખાતે પણ દર્દીઓની સંવેદનાત્મક રીતે અને માનવતાની દ્રષ્ટિએ સારવાર કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા અહીં પાંચ વેન્ટીલેટરની ફાળવણી કરવામાં આવતા હવે ક્રિટીકલ દર્દીઓની પણ સારવાર શકય બનશે. આ ઉપરાંત અન્ય સરકારી હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટર ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટીલેટરની ફાળવણી કરવામાં આવી છે. જેથી કપરા સમયમાં જરૂરત મંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે. જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓનો ભરાવો વધ્યો છે. જેની સામે કચ્છ યુનિવર્સિટી ખાતે સમરસ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ છે, જેમાં ઓક્સિજનની આનુસંગિક સુવિધાઓ સાથેના પ૦ બેડ પ્રારંભ થઈ ગયા છે. વધુ ૧૦૦ બેડ આગામી એક – બે દિવસમાં કાર્યાન્વિત થઈ જશે, ત્યારે જી.કે. જનરલ હોસ્પિટલમાંથી રપ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં ઉભી કરાયેલી હોસ્પિટલમાં રીફર કરાયા હતા, જેથી જી.કે. જનરલ હોસ્પિટલમાં નવા દાખલ થતા દર્દીઓને સમાવી શકાય.