કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે પમ્પો શરૂ કરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે

ગાંધીનગરઃ કચ્છ જીલ્લામાં વરસાદ ઓછો થતાં ખેડુતોના પાકને બચાવવા સિંચાઈ માટે કચ્છ કેનાલમાં બે પમ્પો શરૂ કરીને પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો પુરો પાડવામાં આવશે. જયારે પીવા માટે ટપ્પર ડેમમાં જરૂરીયાત મુજબ પાણી ફાળવી ભરવામાં આવશે એમ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું.
રાજયમાં કેટલાક જીલ્લાઓમાં ઓછો વરસાદ થતાં ખેડુતોના પાકને બચાવવા રાજય સરકારે નર્મદામાંથી સિંચાઈ પાણી આપવાનો નિર્ણય કર્યો હોવાની વિગતો આપતા રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સુજ્જલામ સુફલામ પાઈપલાઈન યોજના અને કેનાલમાં નર્મદાના પાણી છોડવામાં આવશે. અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર, પાટણ, જીલ્લામાં સુજ્જલામ સુફલામ યોજના અંતર્ગત ૮૦૦ કયુસેક નર્મદાના પાણી સિંચાઈ માટે આપી ૪૦૦ તળાવો ભરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ માટે નર્મદામાંથી ૯૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવતું હતું તેમાં વધારો કરીને ૧ર૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવશે અને ખેડુતોના પાકને બચાવવા સિંચાઈ માટે આ પાણી અપાશે. તેમણે જણાવ્યું હતું કે નર્મદામાંથી ૧ર૦૦ કયુસેક પાણી છોડવામાં આવશે અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત આજી-૧, મચ્છુ-ર ડેમ સહીતના કેટલાક ડેમો ભરાવામાં આવશે અને જરૂરીયાત વાળા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતને મળવાપાત્ર પાણીમાંથી આખા વર્ષ માટે પીવાનાપાણીનો જથ્થો અનામત રાખીને વધારાના પાણી સિંચાઈ માટે આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ખેડુતોના પાકને બચાવવા માટે નર્મદામાંથી ર૦ હજાર કયુસેક પાણી સતત ર૦ દિવસ સુધી છોડવામાં આવશે. ૧પમીથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ખેડુતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે તે માટે સિંચાઈ માટે ર૦ કલાક વીજળી આપવામાં આવી રહી છે તે ચાલુ રાખવામાં આવશે.