કચ્છ પોલીસના રજા વળતર-ટીએ બીલો મંજૂર ન થતા પોલીસકર્મીઓ પરેશાન

પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસના છેલ્લા પાંચ માસથી રજા વળતર બીલો તથા ટીએ બીલના નાણા ન મળતા આર્થિક નાણાભીડનો કર્મચારીઓ કરી રહ્યા છે સામનો

 

ભુજ : કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના છેલ્લા પાંચેક માસથી રજા વળતર તથા ટીએ બીલ મંજૂર નહીં થતા અને આગામી અંબાજી મેળા બંદોબસ્ત માથે છે ત્યારે કર્મચારીઓ આર્થિક નાણાભીડથી પરેશાન થઈ ચુકયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાદરવી પુનમ નિમિત્તે અંબાજી ખાતે પૂર્વ અને પશ્ચિમ કચ્છના ૩૦૦થી વધુ પોલીસકર્મીઓ દર વર્ષે મેળા બંદોબસ્તમાં જતા હોય છે. આ વર્ષે મેળા બંદોબસ્તને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના પાંચ માસથી જાહેર રજા વળતર બીલ તથા ટીએ બીલ મંજૂર થયેલ નથી તો પૂર્વ કચ્છના અમુક કર્મચારીઓના પગાર પણ જમા થયેલ ન હોવાથી કર્મચારી તથા પરિવારજનો નાણાભીડનો સામનો કરી રહ્યા છે ત્યારે અંબાજી મેળા બંદોબસ્તમાં કર્મચારીઓ જાય તેના પહેલા જિલ્લાના પોલીસવડાઓ રજા વળતર તથા ટીએ બીલના નાણા ચૂકવી આપવા કર્મચારીઓમાં માંગ ઉઠવા પામી છે.