કચ્છ પર સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશનઃ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

૧રમી સુધી રહેશે વાદળછાયું વાતાવરણ

ભુજ : લાંબા સમયથી કચ્છના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે, પણ મેઘરાજા જાણે કે, અમુક વિસ્તારોને બાદ કરતા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હાથતાળી આપીને જતા રહેતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી બાદ શરૂ થયેલ વરસાદી માહોલને પગલે એવું ચિત્ર ઉપસ્યું હતું કે, હવે જિલ્લામાં મેઘરાજા ભયોભયો કરાવશે પરંતુ ફરી વરૂણદેવે પોતાનું રડાર ફેરવી દેતા ઉકળાટ અને બફારાનું પ્રમાણ પુનઃ વધ્યું છે. જિલ્લા પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું હોઈ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ભુજ હવામાન વિભાગના ડાયરેકટર રાકેશકુમારે જણાવ્યું કે, કચ્છ પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જિલ્લામાં ૧રમી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. છુટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્ર પર સર્જાયેલું સાયકલોનિક સર્ક્યુલેશન કચ્છ પર આવ્યું છે, પરંતુ તે નબળું પડી ગયું હોઈ ભારે વરસાદના બદલે હળવોથી મધ્યમ વરસાદ જ વરસી શકે તેમ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ અને ઓગસ્ટ માસમાં વરસાદની મોટી ઘટ્ટ જોવા મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદથી ઘટમાં ઘટાડો થયો છે પરંતુ હજુય જિલ્લામાં ૪૦ ટકા જેટલી વરસાદની ઘટ છે. ભૂતકાળની જેમ આ વર્ષે પણ પાછોતરો વરસાદ વરસાદ વરસે તેવી શક્યતાઓ હોઈ વરસાદની ઘટ નીચે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.