કચ્છ પર મહેૂલીયો મહેરબાન : અંજાર-ગાંધીધામ-મુન્દ્રા પાણી પાણી

નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રિમોન્સુનની કામગીરીની ખુલી પોલ : વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી : નખત્રાણા, ભચાઉ, ભુજ, રાપર સહિતના વિસ્તારોમાં પણ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ : લખપતમાં પણ મેઘરાજાએ પુરાવી હાજરીઃ નખત્રાણામાં રાત્રે ર ઈંચ વરસાદ ખાબક્યો

ભુજ : પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર પૂર્વ બંગાડની ખાડીમાં ટ્રો સર્જાવાની સાથે દક્ષિણ પાકિસ્તાનની આસપાસ અપરએર સર્ક્યુલેશન સર્જાતા રાજ્યના અન્ય વિસ્તારોની સાથ સાથ કચ્છમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. પાછલા ત્રણ દિવસથી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરૂણ દેવ હાજરી પુરાવી રહ્યા છે. ગઈકાલે મેઘરાજાએ અંજાર, ગાંધીધામ, મુન્દ્રામાં મનમુકીને હેત વરસાવતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જિલ્લાના દશેય તાલુકામાં વરસાદની હાજરી નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં પાછલા થોડા દિવસોથી ઉકળાટના વધેલા પ્રમાણને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કચ્છ જિલ્લામાં મેઘરાજાએ વહેલુ આગમ કરવાની સાથો સાથ ધમાકેદાર એન્ટ્રી કરતા સર્વત્ર ખૂશીની લાગણી ફેલાઈ છે. ઐતિહાસિક શહેર અંજાર પર ગઈકાલે મેઘરાજાએ પોતાનું રડાર કેન્દ્રીત કર્યું હતું. જેના લીધે ૧૩૬ એમએમ પાણી વરસી જતા શહેરના માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા હતા. અંજાર શહેર ઉપરાંત તાલુકામાં પણ મેઘરાજાએ મનમુકીને હેત વરસાવ્યું હતું. શહેરની બજારો તેમજ કેટલાક રહેણાક વિસ્તારોમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. સવાસર તળાવ, સિદ્ધેશ્વર તેમજ ખડીયા તળાવમાં પાણીની આવ ચાલુ થઈ હતી. નયા અંજાર એસટી બસ સ્ટેશન વિસ્તારના રોડ પર પણ પાણી ભરાયા હતા. કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં ૮૬ એમએમ એટલે કે ત્રણ ઈંચ કરતા વધુ વરસા વરસ્યો હતો. પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. પાલિકા દ્વારા અત્યાર સુધી કરાયેલ પ્રિ-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ હતી. પાલિકા દ્વારા લાઈનો નાખવા માટે ઠેર-ઠેર ખોદાયેલા ખાડાઓ વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે માથાના દુઃખાવા સમાન બન્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ડુલ થયો હતો. પ્રથમ વરસાદમાં જ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જો આગામી સમયમાં પાણી નિકાલ માટેની વ્યવસ્થા સુદૃઢ બનાવાશે નહીં તો ચોમાસા દરમિયાન મહા મુસીબત સર્જાઈ શકે તેમ છે. ગઈકાલે વરસેલા ત્રણ ઈંચ કરતા વધુ વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો પર પણ નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. નબળી પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.કચ્છના પેરીસ એવા મુન્દ્રા શહેર તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારો પર મેઘરાજાએ ગઈકાલે મનમુકીને હેત વરસાવ્યું હતું. ગત સવારથી જ વાદળછાંયું વાતાવરણ રહ્યા બાદ બપોરે મેઘરાજાનું આગમન થયું હતું. ગત બપોરથી રાત્રિ સુધીમાં પ૭ એમએમ અને મોડી રાત્રિના વધુ ૩૦ એમએમ પાણી વરસતા કુલ ૮૭ એમએમ પાણી પડી ગયું હતું. મુન્દ્રાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા રહેવાસીઓ પરેશાન બન્યા હતા. ઝવાહર ચોક સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા વેપારીઓ તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પીજીવીસીએલના લટકતા વાયરો તેમજ ખુલી ડીપી વરસાદ સમયે મોટું જોખમ સર્જી શકે તેમ હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. બોરાણાના ખેડૂત શિવરાજ ગઢવીએ જણાવ્યું કે, વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખારેકના પાકને પણ નુકશાની થવાની ભીતિ છે. મુન્દ્રા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરૂણદેવે મનમુકીને હેત વરસાવ્યું હતું.વાગડના રાપર શહેર તેમજ તાલુકામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સરકારી આંકડા મુજબ રાપરમાં ૧૮ એમએમ પાણી વરસ્યું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મેઘરાજાના આગમનના પગલે ખેડૂત વર્ગમાં પણ ખુશી જોવા મળી હતી. ભચાઉમાં સરકારી રેકર્ડ મુજબ ર૩ એમએમ પાણી વરસ્યું હતું. ભચાઉ શહેર ઉપરાંત કંથકોટ, સામખિયાળી, લાકડીયા, શિકરા, ગુણાતીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકાદ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. દુધઈ ઉપરાંત ધમડકા બુઢારમોરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદથી ઠેર ઠેર પાણી વહી નિકળ્યા હતા.
જિલ્લા મથક ભુજમાં ગત બપોર બાદ હળવા ઝાપટાંરૂપે મેઘરાજાએ આગમન કર્યું હતું. રાત્રી સુધી હળવા ઝાપટાં રૂપે મેઘસવારી જારી રહેતા ૧પ એમએમ પાણી વરસ્યું હતું. પોણા ઈંચ જેટલા વરસાદમાં પણ કેટલાક માર્ગો પર પાણી ભરાયા હતા. તાલુકાના કેરા, બળદીયા, નારણપર, મેઘપર, દહીંસરા, ટપ્પર, વડઝર, બરાયા, સામત્રા, ગોડપર સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તાલુકાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો ગઈકાલના બપોર પછીના વરસાદી માહોલમાં લોરિયા, ઝુરા, સુમરાસર (શેખ), ઢોરી, ડુંગરિયા, કોટાય, ધ્રંગ, લોડાઈ, ખેંગારપર, ધરમપર, ઉમેદપર તથા ઉગમણી બન્નીના ગામોમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડવાથી આ સમગ્ર વિસ્તારમાં માલધારીઓ તથા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે ગઈકાલે બપોરના રઃ૩૦ વાગ્યાના સુમારે આ સમગ્ર પંથકના ગામડાઓમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. અગાઉના વરસાદથી મોટા ભાગના ગામોના સ્થાનિક તળાવોમાં નવા નીરનું આગમન થયું છે તો ગઈકાલે વધુ એકાદ ઈંચ જેટલા વરસાદથી ગામોની શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. જેઠ માસમાં વહેલાસર વરસાદથી ૧૦૦ ટકા વાવણી લાયક વરસાદ છે, પરંતુ વાવણી કરવી કે નહીં તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. વરસાદથી ઢોરીના ઉણસપીર તળાવ, ધ્રંગ ગામનો તળાવ, લોડાઈ-ખેંગારપર ગામોના તળાવોમાં વધારાનું જળસંગ્રહ થયો હતો તેવું સ્થાનિકથી જાણવા મળ્યું હતું. રૂદ્રમાતા ડેમમાં પણ નવા નીરના પધરામણા થવાથી ઢોર-ઢાંખર માટે પાણીની સમસ્યા હલ થઈ છે તેવું માલધારી વર્ગમાંથી સૂર વ્યક્ત થયું હતું. આમ હાલે જેઠમાસમાં અઢીથી ત્રણ ઈંચ જેટલો વરસાદ થવાથી ખેડૂત વર્ગ, માલધારી વર્ગ તથા જળસંકટથી પીડાતા આ વિસ્તારના ઘણા ગામડાઓની પાણી સમસ્યા હાલ પૂરતી હલ થઈ છે તેવું ઢોરીથી એડવોકેટ ધનજી આર. મેરીયાએ જણાવ્યું છે. નખત્રાણા તાલુકામાં બે દિવસમાં ૩ ઈંચ વરસાદ કંટ્રોલ રૂમ ખાતે નોંધાયો છે. શનિવારે બપોરે વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ-બફારા વચ્ચે રાત્રે ૧૦ વાગ્યે ર ઈંચ વરસાદ પડતા બસ સ્ટેશનના બન્ને છેલ્લા જોશભેર વહી નીકળ્યા હતા. વથાણ ચોક, બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા હતા. તળાવ, ડેમ, ચેકડેમમાં નવા નીર આવ્યા હતા. રાબેતા મુજબ લાઈટની અવર-જવર ચાલુ રહી હતી. વરસાદથી ખેડૂત-માલધારી વર્ગમાં ખૂશી વ્યાપી છે. બાગાયતી પાકોને વધુ નુકશાન પડ્યું છે. ઉપરાંત મગફળી, બાજરો, તલ જેવા પાક ખેતરોમાં પડ્યા હોવાથી ખેડૂતોની નુશાનની દહેશત છે તો સૂકો ચારો બચાવવા ખેડૂતો રાત્રે પણ વાડી-ખેતર તરફ દોઢ મુકી હતી. તાલુકાના તમામ ગામોમાં ધીમી-ધારે તો ક્યાંય ધોધમાર વરસાદ પડ્યો છે. તાલુકામાં હજુ સુધી કોઈ તળાવ ઓગની ગયાના અહેવાલ નથી. શહેરમાં ખાડા-ખાબોચિયામાં પાણી ભરાતા હતા તો તળાવોમાં સારૂ એવું પાણી ભરાતા ઢોર-ઢાંખર માટે પાણીની સમસ્યા હલ થઈ છે. આ લખાય છે ત્યારે ઉઘાડ અને વરાય નીકળી છે. વાતાવરણમાં વાદળછાયું છે. બપોરે કે સાંજે મેઘરાજા વધુ એક લટાર મારે તેવું ભાસી રહ્યું છે. રવિવાર હોવાથી બજારો બંધ છે જ્યારે પ્રવાસીઓ માટે પણ ઘરે જ બેસી રહેવાનું મુનાસીબત માન્યું છે. માંડવી તેમજ લખપત અને અબડાસામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવતા વાતાવરણ ખુશ્નુમા બન્યું હતું.

વરસાદ પડતા જ અબડાસા, કોઠારા, રાપરમાં વીજળી ગુલ

ભુજ : કચ્છમાં વરસાદના પગલે વીજળી ગુલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં અબડાસા, કોઠાર, રાપરમાં ધીમે ધારે વરસાદમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા હતા. વીજ વિક્ષેપની સમસ્યા હવે તો રોજીંદી બની ગઈ છે. વરસાદ પડતા જ વીજળી ગુલ થતા ગરમીમાં શહેરીજનો અકળાયા હતા. પીજીવીસીએલ દ્વારા કરાયેલી પ્રિ-મોન્સુનની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. શહેર તો ઠીક ગામડાઓમાં પણ વીજ વિક્ષેપની ઘણી ફરિયાદો રહેતી હોય છે. ઘણી વાર એક-બે દિવસ બાદ વીઠ પુરવઠો ચાલુ કરવામાં આવે છે. અવાર-નવાર આ સમસ્યા માથાનો દુઃખાવો સમાન બની ગઈ છે.