કચ્છ નર્મદા શાખા નહેરની બાકી રહેલ કામગીરી બાબતે જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

કચ્છ નર્મદા શાખા નહેરની બાકી રહેલ કામગીરી તથા વિલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે તા.૦૨/૦૭/૨૦૨૧ના રોજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવેલ હતી.

આ બેઠકમાં કચ્છ શાખા નહેરની કામગીરીના વિલંબિત પ્રશ્નોની ચર્ચા થયેલ હતી. જેમાં કચ્છ શાખા નહેર બાબતે  મુન્દ્રા અને માંડવી તાલુકાના પ્રભાવિત ખેડુતોના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરી તેનું સમાધાન કરવામાં આવ્યું હતું. જે અંગે રજુઆત માટે મામલતદાર ઓફિસ માંડવી અને મુન્દ્રા ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત પ્રશ્નોના તાત્કાલિક નિવારણ અર્થે લેવાના થતા જરૂરી પગલાંની પણ ચર્ચા થઈ હતી. કચ્છ શાખા નહેરના પ્રશ્નોનું હકારાત્મક રીતે ઝડપી નિરાકારણ આવે તેની કવાયત પણ કરવામાં આવી. તેમજ વહેલી તકે નર્મદાના નીર મોડકુબા સુધી પહોચાડી શકાય તે માટે હકારાત્મક પગલાં લેવાની ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, મુંદ્રા-માંડવી ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, અધિક કલેકટરશ્રી કુલદિપસિંહ ઝાલા, માંડવી-મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણ જૈતાવત, કાર્યપાલક ઈજનેરશ્રી વ્રજ પંડ્યા, ગાંધીધામ ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી વી. પ્રજાપતિ, અંજાર નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, વિલંબિત પ્રશ્નોને લગતા ખાતેદારશ્રીઓ તેમજ આગેવાનો, માંડવી-મુન્દ્રા મામલતદાર વિક્રમ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહયા હતા.