કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી તરીકે પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલની વરણી

કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાને ચાર શહેરના પ્રભારી તરીકે સોંપાઈ જવાબદારી : પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા તમામ જિલ્લા અને શહેરોના પ્રભારીઓની કરાઈ વરણી

ભુજ : ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જિલ્લા અને શહેરોના પ્રભારીની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા તમામ જિલ્લા અને શહેરોના પ્રભારીઓની યાદી જાહેર કરાઈ છે. જેમાં કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે કચ્છમાં જ અગાઉ કલેક્ટર રહી ચૂકેલા પૂર્વ આઈએએસ અધિકારી અને નિવૃતિ બાદ ભાજપમાં જોડાયેલા મહેન્દ્રભાઈ પટેલની વરણી કરાઈ છે. તો કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાને ચાર શહેરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ ભાજપ દ્વારા પ્રભારીઓની કરાયેલી વરણીમાં પૂર્વ આઈએએસ અધિકારી અને કચ્છમાં જ કલેક્ટર રહી ચૂકેલા મહેન્દ્રભાઈ પટેલને કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી તરીકે નિમણૂંક અપાઈ છે. મહેન્દ્ર પટેલની કચ્છના પ્રભારી તરીકે નિમણૂંક થતા તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ સાંપડી રહી છે. તો જિલ્લા ભાજપના સંગઠનમાં પણ તેમની વરણીને લઈને અનેરો ઉત્સાહ છે. કેમ કે, તેઓ કચ્છમાં જ કલેક્ટર તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂક્યા છે. અને કચ્છની ભૌગોલિકતા તેમજ સમસ્યાઓથી તેઓ સુપેરે પરિચિત છે. તેથી દરેક મોરચે તેમનું માર્ગદર્શન કચ્છ માટે મહત્વનું બની રહેશે. વધુમાં હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે તેમની કોઠા સુઝભરી કામગીરી પણ કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે મહત્વની ભૂમિકા અદા કરી શકે તેમ છે. કેમ કે, કચ્છમાં એક સમયે વકરેલા સ્વાઈન ફ્લુમાં મહેન્દ્ર પટેલે કલેક્ટર તરીકે સરાહનિય કામગીરી કરી હતી. સ્વાઈન ફ્લુને અટકાવવા માટે કચ્છમાં ડોર ટૂ ડોર સર્વે કરાવ્યો હતો. સ્વાઈનનો એક-એક કેસ શોધીને અસરગ્રસ્તોની સારવાર કરાવી હતી. અને જે તે વખતે બીમારીનો ચેપ વધુ ન ફોલાય તે માટેની તેમની પ્રસંશનીય કામગીરી રહી હતી. જે કચ્છીઓ આજે પણ અચૂક યાદ કરી રહ્યા છે. ત્યારે હાલ વકરેલી કોરોના મહામારીમાં તેમની કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી તરીકેની નિમણૂંકથી તેમની કોઠાસુઝ અને કાર્ય રીતિની ધગશનો લાભ છેવાડાના કચ્છ જિલ્લાને અવશ્ય મળશે.  તો બીજી તરફ કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાને ચાર શહેરના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. અગાઉ પણ વિનોદ ચાવડા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી હતા જ. ત્યારે આજે પ્રદેશ કક્ષાએથી જારી કરાયેલી યાદીમાં જામનગર શહેર, રાજકોટ શહેર, જૂનાગઢ શહેર અને ભાવનગર શહેરના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.