કચ્છ જિલ્લા પંચાયતની કાર્યવાહી કાયદાની જોગવાઈ અનુસાર કરો : વી.કે.હુંબલ

માત્ર સમિતિઓની રચના કરવા માટે ખાસ સામાન્ય સભા બોલાવી નાણા અને સમયનો વ્યય કર્યો

કચ્છ જિલ્લા પંચાયત દ્વારા સામાન્ય સભા ૪ માસથી મળેલ નથી જે કાયદાનું ઉલ્લંઘન છે

 

અંજારઃ કચ્છ જીલ્લા પંચાયત દ્વારા તા.૧૬-૦૭-૧૮ના રોખ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલ છે. જેમાં એજન્ડામાં માત્ર સમિતિઓની રચના કરવા માટેના મુદા છે જે માટે તા.૦પ-૦૭-૧૮ના એજન્ડા બહાર પાડેલ છે. અને તા.૧૬-૦૭-૧૮ના મીટીંગ રાખેલ છે જેનો સમયગાળો ૧૧ દિવસનો છે. ત્યારે વિપક્ષ નેતા વી.કે.હુંબલ દ્વારા સવાલ કરવામાં આવે છે કે પંચાયતના કાયદાની કલમ ૧૪૪ મુજબ જીલ્લા પંચાયત દ્વારા દર ૩ માસે સામાન્ય સભા ભરવી ફરજીયાત છે તેવી જોગવાઈ હોવા છતા કચ્છ જીલ્લા પંચાયત દ્વારા છેલ્લા ૪ માસથી સામાન્ય સભા કેમ બોલાવવામાં આવેલ નથી જેના કારણે જીલ્લાભરના પ્રશ્નો હોય, સમસ્યાઓ હોય જેની ચર્ચા સામાન્ય સભામાં કરવામાં આવતી હોય છે અને દરેક મુદાવાઈઝ જે-તે શાખાઓના અધિકારીઓને પણ સંપુર્ણ માહિતી સાથે જવાબ આપવા પડતા હોય છે અને આ જવાબો મિનીટ બુકમાં નોંધ થતા હોય છે. ત્યારે જીલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમની જવાબદારી છટકવા માટે ઈરાદાપુર્વક કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન કરી કચ્છ જીલ્લા પંચાયતની સામાન્ય સભા તા.૦૮-૦૩-૧૮ના મળેલ હતી જેને ૪ માસથી વધુનો સમયગાળો થયી ગયેલ છે તેમ છતાં સામાન્ય સભા બોલાવવાના બદલે ખાસ સામાન્ય સભા બોલાવવાની કયાં જરૂરત હતી.
કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નવા ચુંટાયેલા લક્ષ્મણસિંહ સોઢા જયારે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે એમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે જીલ્લાભરના કોઈ પ્રશ્નો હોય, કોઈ સમસ્યાઓ હોય તેમજ જીલ્લા પંચાયતના સભ્યો પોતાના મત વિસ્તારના ઘણા બધા વિકાસના કામો તેમજ પ્રશ્નો બાબતે સામાન્ય સભામાં મુકી તેનું નિરાકરણ લાવી શકાય એટલા માટે સામાન્ય સભા નિયમિત મળવી ખુબજ જરૂરી છે.કચ્છ જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાના એજન્ડા તા.૦પ-૦૭-૧૮ના બહાર પાડેલ છે અને તા.૧૬-૦૭-૧૮ના મીટીંગ રાખવામાં આવેલ છે જે વચ્ચેની ગાળો ૧૧ દિવસનો થાય છે અને એના બદલે સામાન્ય સભામાં એજન્ડામાં ૧૪ દિવસનો સમયગાળો રાખવો પડે છે. ત્યારે માત્ર ૩ દિવસ માટે થયી અને સામાન્ય સભાના બદલે ખાસ સભા શા માટે બોલાવવામાં આવેલ છે. ખાસ સામાન્ય સભામાં પણ સભ્યોને એના ભથ્થા ચુકવવા પડતા હોય છે તેમજ જીલ્લા પંચાયતને અન્ય ખર્ચ પણ કરવું પડતું હોય છે. ત્યારે ખાસ સામાન્ય સભા બોલાવવાની જરૂરીયાતતો માત્ર આકસ્મિક સંજોગોમાં કોઈ કામગીરી કરવી હોય તોજ પડતી હોય છે પરંતુ માત્ર સમિતિઓની રચના કરવા માટેજ ખાસ સામાન્ય સભા બોલાવી અને નાણા તેમજ સમયનો દુર ઉપયોગ કચ્છ જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ છે જેથી નવ નિર્વાચિત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાને અમો વિનંતી કરીએ છીએ કે તાત્કાલીક સામાન્ય સભાના એજન્ડા બહાર પાડવામાં આવે.દર ૩ માસે સામાન્ય સભા બોલાવવાની છે જેની અમલવારી કરવામાં આવે સામાન્ય સભામાં દરેક સભ્યોને બોલાવવાના પુરતા અધિકારો આપવામાં આવે. દરેક ઠરાવો ઉપર ચર્ચા કરવામાં આવે અને અધિકારીઓ પણ દરેક પ્રશ્નો બાબતે પુરતી માહિતી લઈને સભામાં આવે અને સભ્યોને દરેક મુદાવાઈઝ માહિતી પુરી પાડે તેવી માંગણી છે.
ખાસ સામાન્ય સભા બોલાવવાનો હેતુ માત્ર એવો લાગે છે કે વિરોધપક્ષના સભ્યો સરકારની તેમજ જીલ્લા પંચાયતની નિષ્ફળતાઓ ઉજાગર ના કરી શકે તેમજ અધિકારીઓ તેમની જવાબદારીમાંથી છટકવા માટે હોય તેવું જણાય છે. નહિંતર ખાસ સામાન્ય સભાના એજન્ડામાં ૧૧ દિવસનો સમય રાખવામાં આવેલ છે એના બદલે ૧૪ દિવસનો સમયગાળામાં તો સામાન્ય સભા બોલાવી શકાતી નથી તેવો પ્રશ્ન વિપક્ષી નેતાએ ઉઠાવ્યો છે.
જીલ્લા વિકાસ અધિકારી જીલ્લા પંચાયતમાં સચિવ તરીકેની કામગીરી કરવાની હોય છે જેમને કાયદાની જોગવાઈ મુજબ પ્રમુખનું ધ્યાન દોરી કાર્યવાહી કરવાની હોય છે ત્યારે દરેક સામાન્ય સભા કાયદાની જોગવાઈ મુજબ સમય મર્યાદામાં થાય તેમજ કાયદાની વિરૂદ્ધનું કોઈપણ કામ હોય તેમાં સહમત ન થાય અને પ્રમુખને પણ કાયદા મુજબ જોગવાઈઓનું ધ્યાન દોરવામાં આવે આ બાબતે અમો એટલુંજ કહેવા માંગીએ છીએ કે માત્ર સમિતિઓની રચના માટેજ ખાસ સામાન્ય સભા કેમ બોલાવવી પડી, તેમજ ખાસ સામાન્ય સભાના એજન્ડામાં ૧૧ દિવસ જેટલો સમયગાળો શા માટે રાખવામાં આવ્યો. આ બાબતે ભવિષ્યમાં તકેદારી રાખી અને લોકશાહીને અનુરુપ યોગ્ય કાર્યવાહી થતી રહે તેવી માંગણી વિપક્ષ નેતા વી.કે.હુંબલ દ્વારા કરવામાં આવી છે.