કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો. દ્વારા કચ્છના ટોલ પ્લાઝાના પ્રશ્નો અંગે રજુઆત

ભુજ : કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા ટોલ પ્લાઝાના વિવિધ પ્રશ્નો જેમ કે પ્લાઝા હસ્તકના રસ્તાઓ તેની આજુબાજુની બાવળની ઝાડીઓ, કર્મચારીઓ દ્વારા કનસ્વી રીતે થતી દાદાગીરી વગેરે બાબતોએ કલેક્ટર, સાંસદ, રાજયમંત્રી, પૂર્વ કચ્છ એસપી વગેરેને પત્ર પાઠવી રજુઆત કરી છે.
એસો.ના પ્રમુખ ડો. નવઘણભાઈ આહિરે રજુઆત કરતા જણાવ્યું કે, કચ્છમાં વિવિધ જગ્યાઓએ ટોલ પ્લાઝાને લગતા વારંવાર પ્રશ્નો ઉભા થતાં રહે છે જેમાં સામખિયાળી-સુરજબારી- મોખા ચોકડી, સામત્રા, અંગીયા, પધ્ધર ટોલ પ્લાજાનો સમાવેશ થાય છે. આ ઉપરોક્ત ટોલ પ્લાઝા હસ્તકના રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે અને ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. તેમજ રસ્તાની આસપાસ બાવળની ઝાડીઓ ઉગી નિકળી છે.ખાસ કરીને સામખિયાળી, સુરજબારી ટોલ નાકા પર રોજ ટ્રાફિકજામ અને બિસ્માર રસ્તાઓને લઈને વાહનોનું બ્રેકડાઉનનું પ્રમાણ વધતું ગયું છે. ટોલ પ્લાઝાની ધીમી કામગીરીને લીધે વાહન ચાલકો વારંવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા મનસ્વી રીતે થતી દાદાગીરી પૂર્વકની કામગીરીને કારણે રોજ વાહન ચાલકો સાથે નાની-નાની વાતોને લઈને ઝઘડા અને માથાકુટના બનાવો રોજીંદા બની ગયા છે.આવા કર્મચારીઓની નિમણુંક વખતે કોન્ટ્રાકટર તેમની પોલીસ તપાસ કે રીપોર્ટ લેવામાં આાવતો નથી તેથી આ બાબતે પણ તપાસ થવી જરૂરી છે. ટોલ પ્લાઝા હસ્તકના બિસ્માર રસ્તાઓનું સમારકામ સમયે-સમયે થવું જાેઈએ પરંતુ આ બાબતે ટોલ પ્લાઝા સંચાલકો આંખ આડા કાન કરી રહ્યા છે. ટોલ પ્લાઝાને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે અને વાહન ચાલકોને કચ્છ સ્થિત ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા નીતિ-નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવે તેમજ રસ્તાઓનું સમારકામ અને ઉગી નિકળેલી બાવળની ઝાડીઓ દુર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જાે આ બાબતે કાર્યવાહી નહી કરાય તો એસોસીએશન દ્વારા ટોલ પ્લાઝાને લગતી કાયદાકીય ૩૦૪(એ) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ છે.