કચ્છ જિલ્લાની છ વિધાનસભા બેઠકોના મતદારોની વધતી સંખ્યા : રાજકીય પક્ષોમાં હિલચાલ

ર૦૧૭ વિધાનસભામાં ૧૪.ર૮ લાખ મતદારો નોંધાયા હતા જેમાં ચૂંટણી બાદના ત્રણ વર્ષમાં ૮ર હજારનો મતદારોનો થયો વધારો

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી છે, એટલે કે ર૦રરના ચૂંટણી પડઘમ વાગશે. પરંતુ હાલમાં જ ગુજરાતની અંદર રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે પોતાની દરેક બેઠકની કમાન સંભાળી છે અને કેમ વધુ બેઠકો હાંસલ કરાય તે રીતે ચાણકય બુદ્ધીથી અત્યારથી જ લાગી ગયા છે. ભાજપના ચાણકય અમિત શાહના ગુજરાતમાં આંટાફેરાના વધારાથી સંગઠન પણ સક્રિય બની ગયું છે. ગુજરાત કોંગ્રેસ પણ પ્રદેશની કમાન યુવા ટીમને આપવા કમર કસી રહી છે. તો પીઢ નેતાઓ પણ પાછલા દરવાજેથી એન્ટ્રી કરવા માટે થનગની રહ્યા છે. ગુજરાતની અંદર આપની એન્ટ્રીથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. તો ઓવૈસીની ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાજરી અને આવતી વિધાનસભામાં પણ સક્રિય ભૂમિકા ભજવવાની કવાયતથી આવનારી વિધાનસભાની ચૂંટણી અગાઉની ચૂંટણીઓ કરતા કંઈક અલગ હશે. હાલ તો કચ્છની છ વિધાનસભાની વાત કરીએ તો ભાજપ સંગઠન, સામાજીક સંગઠનો, રાજકીય વિવિધ કાર્યક્રમો કરી એકશન મોડમાં આવી ગયા છે. હાલ કોરોનાની બીજી લહેરના કેસો ઘટયા છે. થોડી છુટછાટ મળી છે તેનો રાજકીય પાર્ટીઓ લાભ લઈ રહી છે. કચ્છ – ગુજરાતમાં આગામી ચૂંટણીમાં બે મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત અન્ય પક્ષોએ પણ નજર કેન્દ્રીત કરી છે ત્યારે એક – એક મતની કિંમત વધી જશે. ચૂંટણી આવે તે પહેલા ચૂંટણીપંચ પણ જિલ્લાના નવીન મતદારો સહિતની મતદાર યાદી તૈયાર કરવા માટે આગામી દિવસોમાં તૈયારીઓ આરંભે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોરોનાકાળના કારણે મતદાર યાદીની કામગીરી લાંબા સમયથી ઠેલાતી આવી છે. સાથોસાથ વસ્તી ગણતરીની કામગીરી પણ લાંબા સમયથી ઠેલાઈ રહી છે, તેને પણ હાથ પર લેવાય તેવું દેખાઈ રહ્યું છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા મતક્ષેત્રની સામાન્ય ચૂંટણીઓ આગામી વર્ષે ર૦રરમાં યોજાનાર છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠકો પણ કચ્છ જિલ્લો ધરાવે છે. કચ્છ જિલ્લામાં ર૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં ૧૪,ર૮,૦૦૬ મતદારો હતા, જેમાં ૭,૪૬,૪૦૭ પુરૂષો અને ૬,૮૧,પ૯૯ મહિલાઓ નોંધાયેલી હતી. પાછલા ત્રણ વર્ષમાં ૮ર,૬૧૪ મતદારોનો વધારો નોંધાયો છે. કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણી વર્ષ ર૦રરમાં યોજાય તે અગાઉ ચૂંટણી પંચ તરફથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરી નવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે. કોરોના કાળમાં મૃત્યુઆંક પણ મોટો હતો. મૃત્યુ પામેલાઓને મતદાર યાદીમાંથી કમી કરવા સહિતની કામગીરી આ વખતે તંત્ર ઉપર રહેશે. તો મૃત્યુ પામનાર વ્યક્તિને જીવીત બતાવીને ખોટું મતદાન ન કરી જાય તે માટે પણ તંત્રએ સતર્કતા દાખવવી પડશે. તંત્ર દ્વારા મતદાર યાદીમાંથી મૃત્યુ પામનાર મતદારનું નામ કમી કરવાની ઝુબેશ દરમ્યાન ભાજપ કોંગ્રેસના મતદારોનું તો કોંગ્રેસ ભાજપના મતદારોનું મૃત્યુ પામનારનું નામ કમી કરવા માટે દોડતા દેખાશે.છેલ્લા એકાદ વર્ષથી કોરોના મહામારીના કારણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમો પર રોક લાગી હતી, જેથી આગામી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નવા મતદારોનો નોંધપાત્ર વધારો થાય તેમ છે. તો વર્ષ ર૦રર માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં મતદારો જ નિર્ણાયક હોવાથી રાજકીય પક્ષો અત્યારથી ચૂંટણી મેદાનમાં આવી ગયા છે.કચ્છ જિલ્લામાં આગામી વર્ષ ર૦રરમાં છ બેઠકો માટે યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં મતદારો સામાજિક, રાજકીય ઉપરાંત કોરોના મહામારી તેમજ મોંઘવારીની નોંધ લઈ મતાધિકારનો નિર્ણય કરશે તેવા સંકેતો અત્યારથી જોવા મળી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી ૧૦ વર્ષે થતી હોય છે. ર૦૧૧ માં વસ્તી ગણતરી થઈ હતી, તે પહેલા ર૦૦૧ અને ૧૯૯૧માં સરકારી તંત્ર દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવી હતી.સરકારી આંકડા મુજબ જાણવા મળતી વિગતો મુજબ દર વર્ષે અઢી ટકા વસ્તીનો વધારો થતો હોય છે. દર વર્ષે અઢી ટકાના વસ્તી વધારા બાદ ૧૮ વર્ષે મતદાન કરી શકે છે.