કચ્છ-ગોવામાંથી લકઝરીય ગાડીઓની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ : રાજસ્થાની શખ્સ દબોચાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચીલોડા સર્કલ પાસેથી રૂપારામ બિશ્નોઈની કરી ધરપકડ : આ શખ્સ સામે ગાંધીધામમાં કાર ચોરીના ત્રણ ગુનાઓ દર્જ છે : આ ગેંગના સભ્યો રાજસ્થાનથી બસમાં ગાંધીધામ, અંજારની સોસાયટીઓમાં પાર્ક થયેલી કારોને રાત્રીના સમયે નિશાન બનાવી થતા હતા રફુચક્કરઃ ગોવામાં પણ ફરવા માટે ગાડીઓ ભાડે લઈ તેનું રાજસ્થાનમાં વેંચાણ કરતા હોવાનો ખુલાસો

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ સહિતના અન્ય વિસ્તારોમાં લાંબા સમયથી મોંઘીદાટ ગાડીઓની ચોરીની પ્રવૃતિ વધી કાયદાના રક્ષકોમાં દોડધામ જોવા મળી રહી છે. આ ચોરીની ગાડીઓને અન્ય વિસ્તારોમાં વેચવાની સાથોસાથ કેટલીક વખત ગુનાહિત પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થતો હોઈ કાર ચોરી ગેંગને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે કચ્છ સહિતના વિસ્તારોમાં કાર ચોરી કરી રાજસ્થાનમાં વેચનાર ગેંગના શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હોઈ અનેક ગુનાઓના ભેદ ઉકેલાવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.આ અંગેની વિગતો મુજબ ન માત્ર ભારતીય પરંતુ વિદેશી પ્રવાસીઓ માટે પણ ગોવા એ એક હરવા – ફરવાનું ઉત્તમ નજરાણું હોઈ દર વર્ષે લાખો પ્રવાસીઓ ગોવાની મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ વધુ આકર્ષાય અને પોતાની મન મરજી મુજબ હરી ફરી શકે તે માટે ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર ભાડે આપવાનું ચલણ ખુબ જ પ્રચલીત છે ત્યારે આ તકનો ગેરલાભ ઉપાડી આ ચોરાઉ ગેંગના સભ્યો ગોવા જઈ ત્યાં ફરવાના બહાને બનાવટી દસ્તાવેજોના આધારે ગાડી ભાડે લઈ રાજસ્થાનમાં ગાડી વેચી નાખનાર ગેંગનો પર્દાફાશ થયો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચીલોડા સર્કલ પાસેથી રૂપારામ બિશ્નોઈ (ઉ.વ.ર૪) નામના શખ્સને ૧પ લાખની કિંમતની કાર સાથે ઝડપી પડાયો હતો. આ શખ્સ રાજસ્થાનના બારમેડ જિલ્લાના ભવાનીપુરા ગામનો રહેવાસી છે. આરોપીએ પોલીસ સમક્ષ એવી કબુલાત કરી છે કે, આ ગાડીને તેણે ગોવાથી પોતાના અન્ય સાથીઓ સાથે ફરવાના બહાને માર્ચ ર૦ર૧ના બીઠા અઠવાડિયામાં ભાડે લીધી હતી. પરંતુ તેને પરત ન કરી અહીં લઈ આવ્યા હતા. આ બાબતે નોર્થ ગોવાના પોવોરીન પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરાઈ હતી. આરોપીએ પુછપરછમાં એવી કબુલાત આપી કે, તેની ગેંગના અન્ય સદસ્યો પણ ગોવા જઈ ત્યાં ફરવાના બહાને મોંઘી ગાડીઓ ભાડે લેતા હતા. પકડાઈ ન જાય તે માટે બોગસ આધારકાર્ડ સહિતના દસ્તાવેજો આપી ગાડીને રાજસ્થાનમાં વેચી દેતા હતા. આ ગેંગના શખ્સો વિરૂદ્ધ ગાંધીધામમાં પણ કાર ચોરીના ત્રણ કેસો નોંધાયેલા છે. આ ગેંગના સભ્યો રાજસ્થાનથી બસમાં આવી ગાંધીધામ, અંજારની સોસાયટીઓમાં રાત્રીના સમય પાર્ક થયેલી ગાડીઓને ચોરી રફુચક્કર થઈ જતા હોવાનો પણ ખુલાસો થયો છે.