કચ્છ કલેક્ટર પદે ફરી પ્રવીણા ડી.કે. રિટર્ન, સુજલકુમાર મ્યાત્રા પંચમહાલ જશે

  • સાંચ કો કભી આંચ નહીં આતી

પાંચ દિવસ સુધી જિલ્લા સમાહર્તાનો ચાર્જ સંભાળનારા નવનિયુક્ત યુવા કલેક્ટરને પંચમહાલ-ગોધરાના કલેક્ટર તરીકે અપાઈ નિયુક્તિ : ગોધરાથી કલેક્ટર પ્રવીણા ડી.કે.ને ફરી કચ્છમાં મુકાયા : ચાર્જ સંભાળ્યા બાદ ગણતરીના દિવસોમાં આઈએએસ અધિકારીઓની બદલી થઈ હોવાનો જિલ્લાનો સંભવતઃ પ્રથમ કિસ્સો

ભુજ : તાજેતરમાં રાજ્યમાં ૭૭ આઈએએસ અધિકારીઓની બદલી થઈ હતી. એ બદલીની જેટલી ચર્ચાઓ નથી થઈ તેનાથી વધુ ચર્ચા આજે થયેલી બદલીની છે. કારણ કે, કચ્છથી બદલી પામીને પંચમહાલ-ગોધરા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળનારા આઈએએસ અધિકારી પ્રવીણા ડી.કે.ને ફરી કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. બદલીના ૧૦ દિવસમાં તેઓ ફરી કચ્છમાં રિટર્ન થયા છે. જ્યારે રાજ્યના સૌથી મોટા જિલ્લાના કલેક્ટર તરીકે પદભાર સંભાળનારા ગુજરાતના જ આએએસ અધિકારી એવા સુજલકુમાર મ્યાત્રાને પંચમહાલ-ગોધરા મુકવામાં આવ્યા છે. આઈએએસ અધિકારીઓની સપ્તાહમાં થયેલી આ અરસપરસ બદલીએ સૌને ગહન ચિંતન કરવા મજબૂર કરી દીધા છે.
આ અંગેની વિગતો મુજબ ૧૦ દિવસ પૂર્વે રાજ્યના આઈએએસ બેડામાં ધરખમ ફેરફારો થયા હતા. જેમાં ૭૭ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ને ગોધરા-પંચમહાલના કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા હતા. તેમની સાથે યુવા આઈએએસ અધિકારી અને ટુંકા ગાળામાં લોકચાહના મેળવનારા મનીષ ગુરવાણીની પણ વલસાડ ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી હતી. પ્રવીણા ડી.કે.ના સ્થાને છોટા ઉદેપુરથી સુજલકુમાર મ્યાત્રાને ભુજમાં કલેક્ટર બનાવાયા હતા. ગત ર૪ તારીખે સુજલકુમાર મ્યાત્રાએ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળી લીધો હતો. તેઓએ રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં કામ કરવાનો અનુભવ મળવાની વાતને ગૌરવ લેખાવી જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ સહિત સર્વાંગી વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી. તો કચ્છથી બદલાવાયેલા કલેક્ટર પ્રવીણા ડી.કે. ર૪ તારીખે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ તરીકે પદભાર સંભાળી લીધો હતો. જોકે,ચાર્જ સંભાળ્યાના માત્ર પાંચ દિવસોમાં બન્ને આઈએએસ અધિકારીની અરસ-પરસ બદલી કરવામાં આવી છે. જેનાથી તર્કવિતર્કો તેજ બન્યા છે.રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અમરેન્દ્રકુમાર રાકેશે પરિપત્ર ઈસ્યૂ કર્યો હતો. જેમાં ર૦૦૯ની બેન્ચના આઈએએસ પ્રવીણા ડી.કે.ને પંચમહાલથી કચ્છ કલેક્ટર તરીકે પુનઃ નિયુક્તિ અપાઈ છે. જ્યારે કચ્છ કલેક્ટર તરીકે ર૦૧૧ની બેન્ચના આઈએએસ અધિકારી સુજલકુમાર જયંતીભાઈ મ્યાત્રાને પંચમહાલ કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. ૧૦ દિવસમાં પ્રવીણા ડી.કે. પુનઃ કચ્છ જિલ્લામાં આવતા આઈએએસ લોબી, વહીવટી તંત્ર અને સામાન્ય જનતામાં અટકળો તેજ બની છે. અગાઉ ર૦૧૯મા જિલ્લા કલેક્ટર તરીકે મુકાયેલા એમ.નાગરાજનની ત્રણ માસના ટુંકા ગાળામાં બદલી થઈ હતી. જે બાદ કલેક્ટર તરીકે પ્રવીણા ડી.કે.ને મુકાયા હતા. તેઓએ જિલ્લામાં દોઢથી બે વર્ષ કામ કર્યા બાદ તાજેતરમાં સુજલકુમાર મ્યાત્રાને પોસ્ટિંગ અપાયો હતો, પરંતુ પોસ્ટિંગના પાંચ દિવસોમાં ફરી કલેક્ટરની બદલી થઈ ગઈ છે.પ્રવીણા ડી.કે.ને ફરી કચ્છમાં પરત કેમ મુકવામાં આવ્યા તેના કારણો અકબંધ રહેવા પામ્યા છે, પરંતુ એક વાત મહત્ત્વની છે કે, જિલ્લામાં ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં અધિકારીની બદલી થઈ હોય તેઓ આ સંભવતઃ કચ્છમાં આ પ્રથમ કિસ્સો છે.

  • શાબાશ છે..સરકારની દીર્ઘદ્રષ્ટીને..!

ભ્રષ્ટાચારી-જુઠ્ઠાઓનું મો થયુ કાળુ :પ્રમાણિક અધિકારીને મળ્યો ન્યાય

ગાંધીધામઃ કચ્છમાં જે રીતે બદલી થઈ છે તેમાં પ્રમાણિક અને ફરજનિષ્ઠ અધિકારીની સેવાની નોધ લેવાઈ છે અને ભ્રષ્ટાચારીઓ જે પોતાના મનગમતાઓને ગોઠવવા માંગતા હતા તેઓને ફટકો પડવા પામી ગયો હોવાની ચર્ચાઓ પણ તેજ થવા પામી છે. આ અધિકારીની બદલી થવી અને તેઓને પરત કચ્છમાં લઈ આવવાનો ઘટનાક્રમ કહે છે કે જેનુ કેાઈ નથી તેમનો ભગવાન છે. ભ્રષ્ટાચારીઓને લપકાક જ પડવા પામી ગઈ છે.જાણકારો કહે છે કે, હવે ભ્રષ્ટાચારીઓ ખમ્મા કરે, ભેગુ એટલુ જ કરો કે જે ખાઈ શકાય અને પ્રજા બધુ જુએ છે. પછી એવુ ન બને કે, એઠું ભોજન મળે. કચ્છમાં જે અધિકારીએ સારામાં સારી કાગમીરી કરી, કોઈ પણ પ્રત્યે સાડાબારી ન રાખી તેમના પર જુઠા આક્ષેપો કરવાના કારણે બદલી થયગેલ પણ સરકારને સત્ય જાણ થતા તુરંત જ સરકારે પોતાની ભુલ સુધારીને પ્રવીણા ડી.કે.ને બદલીના સ્થળે હાજર થઈ ગયેલ હોવા છતા તેની બદલી રદ કરીને તેમને ન્યાય અપાવ્યો અને જુઠાણાઓના મો કાળા થયા. ખરેખર સરકારન શાબાશી આપવી જોઈએ કે કોઈ અધિકારીને બદલીમા અન્યા થયો તેની સત્ય માહીતી મળવાથી તુરંત જ ભુલ સુધારીને અને અધિકારીનુ મનોબળ વધુ મજબુત થાય તેવી રીતે ન્યાય અપાવી દીધો છે.

  • કલેકટરની અચાનક બદલીમાં શું રંધાયું ?
    ભાજપરાજમાં અધિકારીઓના ભાંગતા મનોબળ : જિતેન્દ્ર ઠકકર (પૂર્વ કચ્છ આમઆદમી પાર્ટી)

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ રાજયના ૭૭ જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામા આવી હતી. જેમા કચ્છમાં પણ ફેરફાર થયા હતા. છોટાઉદેપુરથી અહી સુજલ મ્યાત્રાને મુકાયા હતા જયારે કચ્છના કલેકટરને પણ બદલાયા હતા. પરંતુ આજરોજ આ બદલીના ઓર્ડર રોકી દેવાયા અને કચ્છના પ્રવીણા ડી.કે.ને ફરીથી અહી જ મુકવામા આવ્યા છે. આ નીર્ણયને પૂર્વ કચ્છ આમઆદમી પાર્ટીના જિતેન્દ્રભાઈ ઠકકર દ્વારા વખોડવામા આવ્યો છે. પ્રવીણા ડી.કે. દ્વારા કચ્છમાં સારામાં સારી કામગીરી કરવામા આવી હતી, કોરોના કાળમાં તેઓ ખુદ સંક્રમિત થયા છતા કચ્છને બચાવવા રાત-દીવસ મહેનત કરી હતી, પરંતુ ભાજપના આળતીયા-મળતીયાઓ દ્વારા તેઓના સાચા-ખોટા કામો થતા ન હેાવાથી પ્રમાણિક કલેકટરની ખોટી રજુઆતો કરીને બદલી કરાવી દીધી હતી. આ તો ભલુ થજો સરકારનુ કે સદ્દબુદ્વી કયાંકથી આવી અને તરત જ આ નીર્ણય સ્થગિત કરી દીધો છે. પરંતુ જે રીતે અધિકારીઓની રાતોરાત બદલી ભાજપના રાજમાં કરાઈ છે તેને જોતા અધિકારીગણનુ મનોબળ માંગનારી હરકત જ હોવાનુ શ્રી ઠકકરે જણાવ્યુ હતુ. અને પ્રવીણા ડી.કે.ને પુનઃ કચ્છ ફરજના નિર્ણયને તેઓએ આવકાર્યો હતો.