કચ્છ એસટીમાં અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાવવાની તૈયારી

ટૂંક સમયમાં ઓર્ડરો થવાની શક્યતા : મોટા ભાગના જવાબદારો એક જ સ્થળે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી હોઈ મોટાપાયે થશે ફેરબદલી

ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ સંસ્થાઓમાં પદાધિકારીઓની વરણીઓ પણ આટોપી લેવાઈ હોઈ સરકાર હવે એક્શન મોડમાં આવતા વિવિધ વિભાગોમાં મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપવામાં આવશે. આઈએએસ, આઈપીએસ અધિકારીઓથી લઈ રેવન્યુ સહિતના વિભાગોમાં મોટા પાયે ફેરબદલીઓ થવાની છે ત્યારે કચ્છ એસટી વિભાગમાં પણ અનેક જૂના જોગીઓના સ્થાને નવા અધિકારીઓને મૂકવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ એસટીના વિભાગીય નિયામકની પોસ્ટ લાંબા સમયથી ઈન્ચાર્જના હવાલે નભી રહી છે, તો અન્ય કેટલીક મહત્ત્વની પોસ્ટો પર પણ ઈન્ચાર્જ છે. બીજી તરફ એક જ સ્થળ પર ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી પણ કેટલાક અધિકારીઓ ફરજ બજાવી રહ્યા હોઈ બદલીઓના ઓર્ડર બહાર પાડવાની તૈયારીઓ હાથ ધરાયાનું જાણવા મળી રહ્યું છે.એસટી વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કચ્છ એસટીના વિભાગીય નિયામક તરીકે રેગ્યુલર અધિકારીને મૂકવાની સાથો સાથ અન્ય મહત્ત્વના પદો પર પણ ઈન્ચાર્જના સ્થાને કાયમી જવાબદારોને નિમવામાં આવી શકે છે. ડેપો મેનેજરની પણ બદલી થાય તેમ છે. આગામી દસેક દિવસમાં બદલીના ઓર્ડરો વછૂૂટે તેવી પૂરેપૂરી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.