કચ્છ એસટીને જન્માષ્ટમી પર્વ ફળ્યું : તગડી આવકથી તિજોરી છલકાઈ

સાતમ – આઠમ નિમિત્તે ધાર્મિક અને પર્યટન સ્થળોએ વધારાની બસો દોડાવાતા દૈનિક આવકમાં આવ્યો ઉછાળો

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની પક્કડ ઢીલી પડતા સરકારી નિયંત્રણોમાં પણ હળવાશ આવી છે. કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જનજીવન થાળે પડયું હોઈ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મીની વેકેશનની મોજ માણવા કચ્છ જિલ્લામાં પર્યટકોના ઘોડાપુર ઉમટી આવ્યા હતા. પર્યટન તેમજ ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ખાનગી વાહનોની સાથોસાથ એસટી બસોમાં પણ હાઉસફુલ સમાન સ્થિતિ જોવા મળી હતી. પ્રવાસીઓના ભારે ધસારાના પગલે કચ્છ એસટીને જન્માષ્ટમી પર્વ ફળતા તગડી આવકથી તિજોરી છલકાઈ ગઈ છે.
આ અંગેની વિગતો મુજબ કોરોનાના કારણે છેલ્લા પોણા બે વર્ષથી મોટા ભાગના લોકો ઘરોની બહાર નિકળ્યા ન હતા. આ વર્ષે કોરોનાના કેસો હળવા થવાની સાથોસાથ જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન જાહેર રજાઓની ગોઠવણ થઈ જતા બહાર ગામ રહેતા નોકરીયાતો, ધંધાર્થીઓ પોત પોતાના વતન આવી પહોંચ્યા હતા. તો કચ્છ જિલ્લામાં પ્રવાસનની મોસમ પણ લાંબા સમય બાદ ખીલી ઉઠી હતી. પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ કચ્છ એસટી તંત્ર દ્વારા વધારાના શીડયુઅલો પણ ગોઠવવામાં આવ્યા હતા. એકસપ્રેસ તેમજ લોકલ રૂટોમાં કરાયેલ વધારાને પગલે એસટી તંત્રની આવકમાં પણ ઉછાળો આવ્યો હતો.કચ્છ એસટીના વિભાગીય નિયામક શ્રી પટેલે વિગતો આપતા જણાવ્યું કે, જન્માષ્ટમી પર્વ દરમ્યાન એસટીની આવકમાં વધારો થયો છે. સામાન્ય રીતે કચ્છ એસટીને દૈનિક ર૬ લાખ જેટલી આવક થતી હોય છે પરંતુ જન્માષ્ટમી પર્વ દરમ્યાન દૈનિક ૩પ લાખ જેટલી આવક થઈ હતી. રજા દરમ્યાન એસટીમાં મુસાફરોના ધસારાને લીધે ૭૦ લાખથી વધુની થઈ હતી.