કચ્છ એસટીના ૬૭ કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત ૩ મોતને ભેટ્યા

  • વાહ રે… સરકાર, એસટીના કર્મચારીઓ સાથે આવો વ્યવહાર
    મહામારી વચ્ચે પણ સેવા બજાવતા એસટીના કર્મચારીઓને કોરોના વોરિયર્સનો દરજ્જો નહીં : રસીકરણ માટે પણ અગ્રતા અપાતી નથી

ભુજ : સલામત સવારી, એસટી અમારી… પણ એસટીના કર્મવીરો સલામત છે ખરા… કોરોનાના કહેરમાં લોકોની ભીડ વચ્ચે ફરજ બજાવતા એસ.ટી.ના કર્મચારીઓને કોરોના વોરિયર્સનો દરજજો પણ અપાયો નથી. કોરોનાને કારણે અત્યાર સુધી એસટીના ૬૭ કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે અને કોરોના ૩ કર્મીઓને ભરખી ગયો છે.
આ અંગેની વિગતો મુજબ એસટી વિભાગના લેબર ઓફિસર દીપકભાઈએ આપેલી માહિતી મુજબ જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે, ત્યારથી લઈને અત્યાર સુધી ૬૭ કર્મચારીઓ સંક્રમિત બન્યા છે. જેમાં એસટીના ડ્રાઈવર કંડક્ટર ઉપરાંત ડેપોના ઓફિસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે.કોરોનાને કારણે એસટીના ૩ કર્મચારીઓનું મોત નીપજ્યું છે તેવું તેમણે ઉમેર્યું હતું. કોરોના કાળ વચ્ચે પ્રથમ જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે જ ડેપો બંધ રહ્યા બાદ શરૂ થયેલી એસટીની સેવા અવિરત છે અને એસટીના કર્મચારીઓ મહામારીના જોમખ વચ્ચે સેવા બજાવી રહ્યા છે. એસટીના ડ્રાવર કંડક્ટરોને કોરોના સામે સંરક્ષક સાધનો પણ પૂરા પાડવામાં આવતા નથી. એસટી કર્મીઓને કોરોના વોરિયરનો દરજ્જો પણ અપાયો નથી. રસીકરણમાં પણ તેઓને અગ્રતા આપવામાં આવી નથી ત્યારે એસટી તંત્ર અને સરકારની નીતિ સામે કર્મચારીઓ સવાલ કરી રહ્યા છે. એસટી કર્મીઓને કોરોના વોરિયર તરીકેનો દરજ્જો મળે તે માટે અનેક રજૂઆતો પણ કરાઈ છે. જોકે સરકાર હજુ એકની બે થઈ નથી.