કચ્છી હસ્તકળા ઉદ્યોગ પર ચીની મશીનોનું આક્રમણ

મશીન દ્વારા બનાવાયેલ વસ્તુઓને હાથ વણાટમાં ખપાવી કરાતી છેતરપીંડી : અમદાવાદ, સુરત, મુંબઈમાં આચરાતું કારસ્તાન : પરંપરાગત કારીગરોના હક પર મરાતો તરાપ : આવનારા વર્ષોમાં કચ્છી હસ્તકળા મૃતઃપ્રાય બને તો નવાઈ નહી

 

ગાંધીધામ : સરહદી કચ્છ જિલ્લો આગવી ભોગોલિકતા, સંસ્કૃતિ તેમજ હસ્તકળાના લીધે દાયકાઓથી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પરંતુ હવે કચ્છી હસ્તકળા ઉદ્યોગમાં પણ ચીની મશીનોએ પ્રવેશ કરી લીધો હોઈ કચ્છી હસ્તકળાના નામે બનાવટી વસ્તુઓનું હાલે ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે કચ્છી હસ્તકળા ઉદ્યોગ પર ચીની મશીનોનું આક્રમણ આવનારા વર્ષોમાં કચ્છી હસ્તકળાને મૃતઃપ્રાય બનાવે તો નવાઈ નહી.
ર૦૦૧ જાન્યુઆરીમાં કચ્છ જિલ્લામાં આવેલ વિનાશકારી ભૂકંપમાં સર્જાયેલ તબાહી બાદ આ સરહદી વિસ્તારને ફરી ધબકતો કરવા સરકાર દ્વારા અપનાવાયેલ ઉદાર નીતિના પગલે વર્તમાને સર્વત્ર વિકાસના ફળ જોવા મળી રહ્યા છે. તો વૈશ્વિક નકશે પણ આ જિલ્લો ઔદ્યોગિક-પર્યટન ક્ષેત્રના હબ તરીકે ઉપસી આવ્યો છે. જિલ્લામાં વધી રહેલા પ્રવાસીઓના આવા-જવનના લીધે કચ્છી હસ્તકળાની વસ્તુઓની માંગમાં પણ ભારે વધારો થયો છે. તો બીજી તરફ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધવાની સાથે રોજગારીના નવા વિકલ્પો પણ ખુલતા હસ્તકળાના કારીગરોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. જેના લીધે હવે ચીની મશીનોની મદદથી ચીજવસ્તુઓ બનાવાઈ રહી છે. જેને હસ્તકળાનું નામ આપી અમદાવાદ, સુરત, મુંબઈની બજારોમાં મોટાપાયે વેચવામાં આવી રહી છે. મશીનો દ્વારા તૈયાર થયેલ વસ્તુઓને હસ્તકળામાં ખપાવી દઈ છેતરપીંડી પણ આચરવામાં આવી રહી છે. ડ્રેસ, સારી, કુરતી, જાકીટ, ચંપલ, પાકીટ જેવી વસ્તુઓ મશીનોથી બનાવી હસ્તકળાના નામે ખપાવાઈ રહી છે. તો જે કારીગરોએ હજુ પણ પરંપરા જાળવી રાખી છે તેઓની આવક પર પણ આવા લોકો તરાપ મારી રહ્યા છે.