કચ્છી સુકો મેવો ખારેકનું ૧.૬૦ લાખ મેટ્રીક ટન ઉત્પાદન

khabarchhe.com

બાગાયતી પાક એવા ખારેકના ઉત્પાદનમાં ગત વર્ષ કરતા પ થી ૬ હજાર મેટ્રીક ટન વધારો નોંધાયો : દુબઈ, આફ્રિકા, યુકે, રશિયામાં કચ્છની ખારેકની બોલબાલા : હાલમાં દેશી ખારેક બજારમાં આવી, બરઈ ખારેક ચાર – પાંચ દિવસમાં દેખાવા લાગશે : કચ્છમાં પડેલા વરસાદના કારણે ખારેકને નુકશાન ન થાય તે માટે ખેડુતોએ રાખી અગમચેતી

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છની ખારેક જગ વિખ્યાત છે અને દેશ – વિદેશમાં કચ્છની ખારેક પ્રખ્યાત છે. જિલ્લામાં દેશી અને બરઈ ખારેકનું ખેડૂતો ઉત્પાદન કરે છે, ત્યારે આ વર્ષે ૧.૬૦ લાખ મેટ્રીક ટન જેટલો સુકો મેવો કચ્છમાં ઉત્પાદિત થયો છે. ગત વર્ષ કરતા ઉત્પાદનમાં પ થી ૬ હજાર મેટ્રીક ટન જેટલો વધારો નોંધાયો છે. કચ્છની ખારેકની ભારત દેશ સહિત વિશ્વમાં સારી એવી માંગ છે. કચ્છની ખારેકને કચ્છી સુકો મેવોના પણ દરજ્જો અપાયો છે.આ અંગેની વિગતો મુજબ ખેતી અને બાગાયતી પાકના વિકાસ ક્ષેત્રે કચ્છ જિલ્લો હરણફાળ ભરી રહ્યો છે. ઈઝરાયેલ સહિતના વિકસીત દેશોની ટેકનોલોજી અપનાવી કચ્છમાં ખારેકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરિણામે જિલ્લામાં ખારેકના ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. કચ્છના કિસાનો માટે ખારેકનું ઉત્પાદન એક વિશાળ ઉદ્યોગ બની ગયો છે. કારણ કે, દર વર્ષે ખારેકનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે તેમજ મોટા ભાગની વિદેશમાં નિકાસ પણ કરવામાં આવશે. જેથી ભાવ સારા ઉપજતા હોઈ ખેડૂતોને ફાયદો પહોંચ્યો છે. અમુક ખેડૂતો ડાયરેકટ વિદેશમાં ખારેક મોકલાવે છે જયારે અમુક ખેડૂતો પાસેથી એકસપોર્ટરો ખારેક ખરીદી વિદેશમાં મોકલતા હોય છે. આ બાબતે બાગાયત નિયામક કે. પી. સોજીત્રાએ જણાવ્યું કે, જિલ્લામાં ખારેકનો કુલ્લ વાવેતર વિસ્તાર ૧૮ હજાર હેકટર છે. જેમાં આ વર્ષે ૧.૬૦ લાખ મેટ્રીક ટન ખારેકનો ઉત્પાદન થયું છે. ગત વર્ષ કરતા આ વખતે પ થી ૬ હજાર મેટ્રીક ટન ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં ખાસ તો મુન્દ્રામાં ખારેકનું પોકેટ છે. જે બાદ ભુજ, અંજાર અને માંડવીમાં સર્વાધિક ઉત્પાદન થાય છે. હાલમાં દેશી ખારેક બજારમાં આવી છે, જયારે બરઈ ખારેકની માર્કેટમાં આવતા ચાર – પાંચ દિવસ વીતી જશે. ખાસ તો કચ્છની ખારેક મુખ્યત્વે દુબઈ, આફ્રિકા, યુકે, રશિયા સહિતના દેશોમાં એકસપોર્ટ થતી હોવાનું પણ જણાવ્યું હતું.

વરસાદના આગમનથી ખારેકના ભાવ ઘટયા : હરેશ ચંદે
ભુજ : કચ્છની કેસર કેરી અને સુકા મેવા તરીકે ખ્યાતી મેળવનાર ખારેકની ભારત સહિત વિશ્વની બજારમાં માંગ છે. તાજેતરમાં તાઉતે વાવાઝોડાના કારણે ગીર – સોમનાથ અને તલાલાની કેરીને નુકશાન થતા કચ્છની કેસર કેરીની માંગ વધુ જોવા મળી હતી. સામાન્ય રીતે કેસર કેરી બજારમાં વિદાય લે ત્યારે ખારેકનુ બજારમાં આગમન થતું હોય છે. હવામાન વિભાગની આગાહી પુર્વે જિલ્લામાં સાર્વત્રીક વરસાદ થતા જિલ્લામાં મેઘાની પધરામણી થઈ છે. રાજ્યમાં સચરાચાર મેઘવર્ષા બાદ આ સરહદી જિલ્લામાં વરસાદ પડતો હોય છે. આ વખતે રાજ્યની સાથે – સાથ કચ્છમાં વરસાદની હેલી આવી જતા ખારેકના પાકની સ્થિતિ કેવી છે તે જાણવા બાગાયતી પાક સાથે વર્ષોથી સંકળાયેલા ભુજના પ્રગતિશીલ ખેડુત હરેશ ચંદેને પુછતા તેમણે જણાવ્યું હતું કે, વરસાદ પુર્વે ખારેકના યોગ્ય ભાવ મળતા હતા જો કે, વરસાદ આવી જતા ખારેકના ભાવ ઘટી જશે. હજુ તો બરઈ ખારેકનો આગમન પણ બાકી છે તેવામાં વરસાદ આવી જતા ભાવ ઘટવાની ભિતી દેખાઈ રહી છે. બીજી તરફ વરસાદ ખારેકના પાક ઉપર પડવાથી ખારેક ગળી જતી હોય છે. જો કે તેમાં રહેલી મીઠાશમાં કોઈ ફેરફાર થતો નથી.