કચ્છી યુવાનના આપઘાત  કેસમાં પત્નિની ધરપકડ

સુસાઈડ નોટમાં લખ્યું કે વાઈફના ત્રાસથી કંટાળ્યો છું

મુંબઈ : ચોથી સપ્ટેમ્બરે સાંજે નવી મુંબઈના વાશીમાં ગ્રીન પાર્કમાં રહેતા ર૬ વર્ષીય કમલેશ વસંત ભાનુશાલીએ તેના જ ફલેટના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કરતા પહેલા કમલેશ ભાનુશાલીએ લખેલ સુસાઈડ નોટમાં તેની આત્મહત્યા માટે તેની પત્નિ ક્રિષ્નાના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. કમલેશના મૃત્યુ બદલ ક્રિષ્નાની એપીએમસી માર્કેટ પોલીસે ધરપકડ કરી હતી.
બનાવની માહિતી આપતા કમલેશ ભાનુશાલીના મોટા ભાઈ અશ્વીન ભાનુશાલીએ કહ્યું હતું કે, કમલેશના લગ્ન ૩૦ જૂને ગોરેગાવ ઈસ્ટમાં રહેતી ક્રિષ્ના દિનેશ ભાનુશાલી સાથે થયા હતા. આ દંપત્તિ હનીમુન પર જઈને પાછું આવ્યું ત્યારથી ક્રિષ્ના પતિ કમલેશ, સસરા વસંતભાઈ અને સાસુ હરબાઈ સાથે ગેરવર્તાવ કરતી હતી. કોઈ પણ કારણસર કમલેશ સાથે ઝઘડા કરીને કમલેશને માનસિક ત્રાસ આપતી હતી. આત્મહત્યાના બે દિવસ પહેલા એટલે કે, પહેલી સપ્ટેમ્બરે ક્રિષ્નાની બહેન કમલેશના ઘરે એક દિવસ માટે રોકાવા આવી હતી. અને બીજા દિવસે જ ક્રિષ્ના અને કમલેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્રિષ્નાએ કમલેશને કહ્યું હતું કે, બે લાખ રૂપિયા ભરીને આપણું બેન્કમાં એકાઉન્ટ ખોલાવીશ નહીં ત્યાં સુધી તારા અને મારા વચ્ચે કોઈ જ સંબંધ નહીં રહે. હું તારી સામે ખોટી ફરિયાદ કરીને તને ફસાવી દઈશ ત્યાર બાદ ક્રિષ્ના પિયર જતા પહેલા કમલેશને ધમકી આપી ગઈ હતી કે હું તમને બધાને ફીટ કરાવી દઈશ.
પોલીસે આ બાબતમાં તપાસ કરીને ર૧ સપ્ટેમ્બરે કમલેશની આત્મહત્યા બદલ ક્રિષ્ના સામે ફરિયાદ નોંધી હતી. ક્રિષ્નાની ધરપકડ બાબતે એપીએમસી માર્કેટ પોલીસે કહ્યું હતું કે, અમે કમલેશને માનસિક ત્રાસ આપીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરી હતી.