કચ્છી પ્રવાસીઓની લડત લાવી રંગ પાસ હોલ્ડરો સામે રેલવેની લાલઆંખઃ સ્લીપર કોચમાં ચડવાની ‘ના’

ગત ર એપ્રિલે વલસાડ નજીક પ્રવાસીઓએ કચ્છ એક્સપ્રેસ રોકી પાસ હોલ્ડરોની દાદાગીરી સામે કર્યો હતો હલ્લાબોલ : પ્રવાસીઓની સતત જાગૃતતા તેમજ ધારદાર રજૂઆતના પગલે રેલવે તંત્ર અંતે આવ્યું હરકતમાં

પાસ પર બ્લુ રંગનો સ્ટેમ્પ મારી અપાઈ સ્પષ્ટ સૂચના : રેલવે નિયમાવલિના ૧ર૧મા નિયમ અનુસાર અપાયા આદેશ

ભુજ : કચ્છ – મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં પાસ હોલ્ડરોની દાદાગીરી વર્તમાને પરાકાષ્ટાએ પહોંચી ગઈ હોઈ તેનો અંત લાવવા માટે પ્રવાસીઓએ સખત લડત ચલાવી છે. રિઝર્વેશન કોચમાં ચડવાની સખ્ત મનાઈ હોવા છતાં અપડાઉનીયાઓ તેમાં ચડી પ્રવાસીઓ સાથે ગેરવર્તણૂંકો કરવાની સાથોસાથ હાથાપાઈ પણ કરતા ન અચકાતા હોઈ આ સમસ્યાનો અંત આણવા રેલવે તંત્ર પર રીતસરનું ચોતરફી દબાણ લવાયું હતું. કચ્છી પ્રવાસીઓની લડત રંગ લાવતા અંતે પાસ હોલ્ડરો સામે રેલવે તંત્રએ લાલઆંખ કરી છે તેમજ સ્લીપર કોચમાં ચડવાની ‘ના’ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ એકસપ્રેસ તેમજ સયાજીનગરી (ભુજ-દાદર એક્સપ્રેસ)માં રીઝર્વેશન કોચમાં સુરતથી દહાણુ સુધી પાસ હોલ્ડરો રીઝર્વેશન કોચમાં ચડી જઈ પ્રવાસીઓને પરેશાની કરતા હોવા ઉપરાંત તેઓ સાથે હાથાપાઈ પણ કરતા હોય છે. હાલમાં જ ગત ર એપ્રિલે સુરત સહિતના સ્ટેશનોથી ૪૦૦થી વધુ પાસ હોલ્ડરો રીઝર્વેશન સ્લીપર કોચમાં ચડી પ્રવાસીઓને રીતસરના બાનમાં લીધા હતા. તો મહિલાઓ સાથે પણ અશોભનીય વર્તન કર્યું હતું. પાસ હોલ્ડરોની દાદાગીરીના પગલે વલસાડથી ર કિ.મી. આગળ ચેઈન પુલીંગ કરી રેલ રોકો આંદોલન કરાયું હતું. તો કચ્છ પ્રવાસી સંઘ દ્વારા પણ ચર્ચગેટ સ્થિત રેલવેના ઉચ્ચ અધિકારીઓને ધારદાર રજૂઆત કરી પાસ હોલ્ડરો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી ત્યારે પ્રવાસીઓની લડત રંગ લાવી હોય તેમ સ્લીપર કોચમાં રિઝર્વડ ટિકિટના પ્રવાસીઓ અને પાસ હોલ્ડરોના ઝઘડાનો અંત લાવવા તેમજ પાસ હોલ્ડરોની મનમાની રોકવા માટે રેલવેએ જુના નિયમને ફરી એક વખત પ્રવાસીઓને યાદ કરાવ્યો છે. તેમજ પાસ પર એક બ્લ્યુ રંગનો સ્ટેમ્પ મારી રિઝર્વડ ડબ્બામાં મુસાફરી નહીં કરી શકાય તેવી સુચના આપી દીધી છે. રેલવેની નિયમાવલિના ૧ર૧મા નિયમ અનુસાર પાસધારકો સ્લીપર કલાસમાં મુસાફરી ન કરી શકે તેમજ ફર્સ્ટ કલાસમાં પણ તેમના પ્રવેશ પર પ્રતિબંધ છે.
કચ્છ પ્રવાસી સંઘના કન્વીનર નીલેશ શાહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પાસ હોલ્ડરોનો ત્રાસ વર્તમાને ખુબ જ વધી ગયો છે ત્યારે પાસ પર બ્લ્યુ સ્ટેમ્પ મારવાથી ફરક પડશે. ઉપરાંત વાપી, વલસાડ, દહાણુ જેવા સ્ટેશન પર જાહેરાત (એનાઉન્સમેન્ટ) કરીને પાસ હોલ્ડરોને રિઝર્વડ પ્રવાસીઓના સ્લીપર કોચના બદલે જનરલ કોચમાં પ્રવાસ કરવાની સુચના આપવી જોઈએ તેવું પણ તેમણે ઉમેર્યું હતું.