કચ્છીજનોની દયનિય સ્થિતિથી ભલભલાનાં હૃદય લાગ્યા કંપવા

  • હોસ્પિટલ, મેડીકલ, લેબોરેટરી અને સ્મશાનોમાં ભીડના દ્રશ્યો

પરિસ્થિતિ કાંઇક જુદો જ મોડ લઇ રહી છેઃ પોઝિટીવ કેસોની સંખ્યા વધવા સાથે મૃત્યુઆંકમાં આવી રહેલો ઉછાળો

(બ્યુરો દ્વારા)ભુજ : સમગ્ર રાજ્યની સાથોસાથ હવે કોરોના મહામારી કચ્છમાં પણ બેકાબુ બની રહી છે. સંક્રમણનું પ્રમાણ જિલ્લાભરમાં પ્રસરી ચુકયું હોઈ દરરોજ નોંધાતા પોઝિટીવ કેસનો આંકતો નીત નવા વિક્રમો સર્જી જ રહ્યો છે તેની સાથોસાથ આ મહા ભયાનક વાયરસના કારણે અનેક લોકો મોતના મુખમાં પણ ધકેલાઈ રહ્યા છે. જિલ્લામાં વર્તમાને કોરોનાની આભ ફાટવા સમાન સ્થિતિ હોવા છતાં તંત્રના ચોપડે હજુ પણ સાચા આંકડાઓ દેખાડવામાં કયાંકને કયાંક પાછીપાની કરાઈ રહી છે. પરંતુ હોસ્પિટલ, મેડીકલ, લેબોરેટરી અને સ્મશાનોમાં ભીડના દ્રશ્યોથી ભલભલાનાં કચ્છીજનોના હદય કાંપવા લાગ્યા છે.આ અંગેની વિગતે વાત કરીએ તો કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેર વધુ ઘાતક નિવડતા દેશના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ હાહાકારની સ્થિતિ સર્જાઈ છે. અગાઉની તુલનાએ આ બીજી લહેરમાં લોકો ઝડપથી સંક્રમીત બની રહ્યા હોવા ઉપરાંત તેઓના શરીરમાં આ વાયરસ ઘાતક અસરો પણ પહોંચાડી રહ્યો હોઈ જો કોઈ વ્યક્તિની તબિયત જરા પણ લથડે તો કોરોના તો નહીં હોય ને? તેના પરિક્ષણ માટે સરકારી ટેસ્ટીંગ કેન્દ્રો અને લેબોરેટરી ભણી દોટ લગાવી રહ્યા છે. જિલ્લામાં દરરોજ હજારો લોકો કોરોનાનો રીપોર્ટ કરાવવા જતા હોઈ ભારે લોડના કારણે ખાનગી લેબોરેટરીમાં રીપોર્ટ આવવામાં ર૪ કલાક જેટલો સમય નિકળી જાય છે. જ્યારે સરકાર દ્વારા માંડ બે થી ત્રણ દિવસે રીપોર્ટ અપાતો હોઈ જયાં સુધી રીપોર્ટ ન આવે ત્યાં સુધી જે તે દર્દી તેમજ તેમના પરિવારજનોના જીવ તાળવે ચોટેલા હોય છે. રીપોર્ટ આવ્યા બાદ જો નેગેટીવ આવે તો ભગવાનનો આભાર પરંતુ જો પોઝિટીવ આવ્યો તો પરિવારના અન્ય સદસ્યોને પણ સંક્રમણનો ભય ઘેરી વળે છે. ઘરે જ સારવાર લઈ શકાય તેવું હોય તો સારૂં પરંતુ દર્દીની સ્થિતિ થોડી ક્રિટીકલ જણાય તો હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ એકથી બીજી હોસ્પિટલ વચ્ચે ચક્કર લગાવવા પડી રહ્યા છે. દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાના પગલે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં નો બેડ સમાન સ્થિતિ હોઈ દાખલ થવા માટે પણ દર્દીઓના પરિવારજનો તેમજ સંબંધીઓને લોઢા ચાવવા સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં એડમીડ થયા પછી પણ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ ન લઈ રહી હોય તેમ અમુક કિસ્સામાં હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટીલેટરની અછતના કારણે દર્દીને ના છૂટકે અન્ય હોસ્પિટલમાં રીફર કરવાની ફરજો પડી રહી છે. અમુક કિસ્સામાં સમયસર સારવાર ન મળવાના કારણે દર્દીને જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા ઉપરાંત ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાની સારવાર કરવાની મંજુરી આપી દિધી છે. ઓક્સિજન અને ઇંન્જેક્શનની પણ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ કચ્છ સહિત રાજ્યભરમાં પરિસ્થિતિ કાંઇક જુદો જ મોડ લઇ રહી છે. હાલમાં સરકારી હોય કે ખાનગી હોસ્પિટલો કે જેમાં દર્દીઓ અને તેનાં સગા પરિવારજનોની ભીડ થઇ રહી છે. આ ઉપરકાંત સરકારી કે ખાનગી લેબરોટરીમાં ટેસટીંગ કરવાવા અને રીપોર્ટ લેવા લાઇનો લાગી રહી છે. અને દવા લેવા માટે મેડીકલ સ્ટોર ઉપર ભીડ થઇ રહી છે અને છેલ્લે દર્દી સાજો ન થાય અને મૃત્યુ પામે તો મૃતદેહ લેવા લાઇનો લાગી પછી સ્મશાનોમાં અગ્નિદાહ આપવા માટે પણ લાઇનો લાગી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિ નિહાળી ભલભલાનાં હદય કંપી રહ્યા છે. સરકારી ચોપડે ભલે દરરોજના બે – ચાર મૃત્યુ બતાવાતા હોય પરંતુ જેણે પોતાના સ્વજનો કોરોનામાં ગુમાવ્યા છે તેવા પરિવારજનોના કલ્પાંત કંઈ ઔર જ કઈ રહ્યો છે