કચ્છીઓનો પ્રેમ-સન્માન જીવનપર્યંત યાદ રહેશે : મનીષ ગુરવાની

ભુજને અલવિદા કરી આઈએએસ અધિકારી થયા ભાવુક

આસીસ્ટન્ટ કલેકટર અને ભુજ પ્રાંત અધિકારીની વલસાડના ડીડીઓ તરીકે બઢતી સાથે બદલી થતા મામલતદાર કચેરીએ યોજાયો વિદાય સમારોહ : ટુંકા સમયગાળામાં લોકચાહના મેળવી લોક હૃદયમાં સ્થાન મેળવનારા કર્મઠ-સનિષ્ઠ-બાહોશ યુવા અધિકારીને સ્ટાફગણ દ્વારા પુષ્પવર્ષા કરી અપાઈ વિદાય

ભુજ : રાજ્ય સરકાર દ્વારા કચ્છ સહિત રાજ્યમાં ૭૭ આઈએએસ અધિકારીની બદલી – બઢતી કરવામાં આવી છે, જેમાં કચ્છ કલેકટર અને આસીસ્ટન્ટ કલેકટરની બદલી પણ કરવામાં આવી છે. જો કે ભુજ પ્રાંત અને આસીસ્ટન્ટ કલેકટર મનીષ ગુરવાનીની બઢતી સાથેની બદલી ઘણી ચર્ચામાં રહી છે. કારણ કે, ર૦૧૭ની બેંચના આઈએએસ અધિકારી મનીષ ગુરવાનીએ જામનગરમાં પ્રથમ પ્રોબેશન પીરીયડ પૂર્ણ કર્યા બાદ સ્વતંત્ર કાર્યભાર તરીકે ઓકટોબર ર૦૧૯માં ભુજ પ્રાંત અને આસીસ્ટન્ટ કલેકટર કચ્છનો હવાલો સંભાળ્યો હતો. તેમની ફરજના પોણા બે વર્ષના સમયગાળામાં તેમણે કરેલી કામગીરીની નોંધ લેવાઈ છે. જ્યારે તેમની વલસાડ ડીડીઓ તરીકે બદલી થઈ છે ત્યારે ભુજને અલવિદા કરતી વેળાએ આઈએએસ અધિકારી તેમજ મહેસુલી સ્ટાફના અધિકારી – કર્મચારીઓ ભાવુક થયા હતા, તો મનીષ ગુરવાનીએ કચ્છના લોકોનો આભાર માનતા કહ્યું હતું કે, કચ્છીઓનો પ્રેમ – સન્માન જીવનપર્યંત યાદ રહેશે.આ અંગેની વિગતો મુજબ વિસ્તારની દ્રષ્ટિએ રાજયના સૌથી મોટા જિલ્લા કચ્છના મુખ્યમથક અને સૌથી મોટા તાલુકા ભુજના પ્રાંત અધિકારી તરીકે જવાબદારી લેતી વખતે ઘણા પડકારો હતા. કારણ કે, શહેરી વિસ્તાર સાથે બોર્ડર એરીયા તેમજ બન્ની અને ખાવડાનો વિશાળ સીમાડો આ તમામ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની અમલવારી કરાવી અરજદારોના પ્રશ્નોને વાચા આપવી તેમજ કોવિડની લહેરમાંથી લોકોને બચાવવા આ તમામ કામગીરીમાં ટુંકા સમયગાળામાં લોકચાહના મેળવી લોક હૃદયમાં સ્થાન મેળવનારા કર્મઠ – સનિષ્ઠ – બાહોશ યુવા અધિકારી મનીષ ગુરવાનીની કામગીરીને કોઈ ભૂલી શકે તેમ નથી. શરૂઆતના તબક્કામાં તેઓએ ભુજ શહેરમાં દબાણોનો સર્વે કરાવ્યો અને શહેર તેમજ માધાપર, મીરજાપર, ખાવડા, બન્ની સહિતના વિસ્તારોમાં કુલ્લ પ૦ હજાર ચો.મી. જમીન ખાલી કરાવી ૩૦ કરોડનું દબાણ દૂર કર્યું હતું. તો ભુજને સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને પરીક્ષાની તૈયારી માટે લાયબ્રેરીની ભેટ આપી ગયા છે. ભાડાના કાર્યભાર દરમ્યાન ભાડાની કચેરીનો પણ શીલાન્યાસ કર્યો હતો. કોવિડની લહેરમાં દર્દીઓ સાથે રૂબરૂ વાતચીત કરી તેઓની સારવારની સ્થિતિ જાણતા, લોકડાઉનમાં સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરત મંદ પરિવારોને કીટ પહોંચાડાઈ જેના કારણે પ્રજા સાથે કનેકટ થઈ જતા શહેર – તાલુકાના દરેક માનવી મનીષ ગુરવાનીની કામગીરીથી વાકેફ થઈ ગયા હતા. જિલ્લામાં અત્યાર સુધી ઘણા અધિકારી આવ્યા અને ચાલ્યા ગયા પરંતુ પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીની કામગીરી લોકોના હૃદયમાં છાપ છોડી ગઈ છે. કલેકટર કચેરીમાં વિદાયમાનનો કાર્યક્રમ યોજાયા બાદ ગતરોજ ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફેરવેલ ફંકશન રાખવામાં આવ્યો હતો. જેમાં મનીષ ગુરવાનીએ પોતાના સંસ્મરણો વાગોળતા જુની યાદો તાજી કરી, તેમજ આઈએએસ કેવી રીતે બનાય તેની માહિતી આપી હતી. વિદાયમાનમાં તેઓએ કહ્યું હતું કે, આઈએએસની તાલીમમાં શીખવવામાં આવે છે કે, તમે લોકો તરફ એક કદમ આગળ વધો છો ત્યારે લોકો તમારી સામે બે કદમ આગળ વધે છે. કચ્છમાં કામગીરી કરી તેનો અનુભવ કર્યો છે. કોવિડના સમયગાળાને યાદ કરી આ કામગીરી મહેસુલી વિભાગની ઉપરવટ હોવા છતાં સંકલન સાધી લોકોને સારવાર તેમજ રસીની જાગૃતિ માટે ઘણા પ્રયાસો કર્યા જેને સફળતા મળી છે. મામલતદાર કચેરીમાં યોજાયેલા વિદાયમાન સમારંભમાં ભુજ ગ્રામ્ય મામલતદાર વીવેક બારહટ, શહેર મામલતદાર સી. આર. પ્રજાપતિ, પ્રાંત શીરસ્તેદાર પીરદાન સોઢા, તેમજ નાયબ મામલતદારો વગેરેએ ઉદ્‌બોધન દરમ્યાન વિદાય લઈ રહેલા પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીની કામગીરીના વખાણ કરી તેમની સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું તેને જીવનની અમુલ્ય તક ગણાવી હતી. કોવિડના સમયગાળામાં દર્દીઓને પડખે રહેનાર અધિકારીને ભગવાનનું બીજું રૂપ પણ લેખાવાયા હતા. સ્ટાફને કામગીરી સોંપવાને બદલે તેઓ ખુદ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરતા હોવાથી સ્ટાફમાં પણ વધુ કામ કરવાનો જુસ્સો હતો. સૌ કોઈએ મનીષ ગુરવાની પર પુષ્પવર્ષા કરી વિદાયમાન આપ્યો હતો. વિદાય સમારોહમાં લોકોની લાગણી જોઈ આઈએએસ અધિકારી ખુદ ભાવુક થઈ પડયા હતા, તેમજ અધિકારી – કર્મચારીઓ પણ લાગણીસભર બની ગયા હતા.નોંધનીય છે કે, તેઓ ટ્‌વીટર પર ઘણા એક્ટિવ હતા. ટ્‌વીટર પર થતી ફરિયાદોનો ત્વરીત ઉકેલ લાવી તેનો જવાબ પણ આપતા હતા. ઘણી સંસ્થાઓ અને યુવાઓ દ્વારા તેમની બદલી થતા સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ પાઠવાઈ હતી. જેમાં મોટા ભાગના લોકોએ સહર્ષ ટ્‌વીટ કરી કહ્યું હતું કે, મનીષ ગુરવાનીને અમે કલેકટર કચ્છ તરીકે જોવા માંગીએ છીએ. દરમ્યાન ગઈકાલે ચાર્જ છોડતી વખતે પ્રાંતે ટ્‌વીટ કર્યું હતું, જેમાં લોકોનો આભાર માની અલવિદા કચ્છ કહી ફીર મીલેંગે કહ્યું હતું.