કચ્છીઓને ઠંડા ગણાવીને કચ્છના ખમીરની કરી ઉપેક્ષા

ભુજના પાટીદારોને જ કાળા વાવટા દેખાડીને હાર્દિકનો કર્યો વિરોધ ભુજના પાટીદારોએ જ હાર્દિકને ગણાવ્યો કોંગ્રેસનો એજન્ટ

 

ભુજ : હાર્દિક પટેલની કચ્છ મુલાકાતમાં કેટલાક પાટીદાર વર્ગના આગેવાનો અને યુવાનોએ જ હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. હાર્દિકના કાફલાને કાળા વાવટા દેખાડીને વિરોધ પ્રદર્શન કરી અને કોંગ્રેસનો એજન્ટ ગણાવાયો હતો. ભુજના સ્વામિનારાયણ મંદિરથી દર્શન કરીને પરત ફરતા હાર્દિક પટેલનો ટાઉન હોલ પાસે વિરોધ નોંધાવાયો હતો. પાટીદાર યુવાનો અને અગ્રણીઓએ હાર્દિકની કારના કાફલા સામે કાળા વાવટા દર્શાવ્યા હતા. અને હાર્દિક સંદર્ભે પ્રતિક્રિયા આપતા પાટીદાર યુવાનોએ કહ્યું હતુ કે, હાર્દિક પાટીદાર સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. સમાજને ઉપયોગમાં લઈને રાજકારણ રમી રહ્યો છે. તેણે લેવા અને કડવા પટેલમાં એકતા અને સંગઠન લાવવાની વાતો કરી હતી, પરંતુ એવું કશું થયું જ નથી. સાથે જ હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવાયો હતો. હાર્દિકની આ કચ્છ મુલાકાતમાં આ રીતે કેટલાક હકારાત્મક અને નકારાત્મક  પાસાઓ પણ ઉભરીને સામે આવ્યા હતા.

 

ભુજ : હાર્દિક પટેલ જે રીતે આગળ વધી રહ્યો છે. તેમાં અનેક લોકોમાં નારાજગી છે તો હાર્દિકની ભાષા પણ કેટલાકની લાગણી દુભાવી દેતી હોય તેવું જણાઈ આવે છે. માંડવીના ભેરૈયા ખાતેની સભામાં પણ કાંઈક આવું જ બન્યું હતું. ભેરૈયાની સભા સંબોધતા હાર્દિકે કચ્છીઓને ઠંડા ગણાવીને કચ્છના ખમીરની ઉપેક્ષા કરી હોવાનો ગણગણાટ પણ વહેતો થયો છે.
માંડવીના ભેરૈયા ખાતે હાર્દિક પટેલે સભા સંબોધિત કરીને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના પાટીદાર ધારાસભ્યોને પણ છોડ્યા ન હતા. હાર્દિકે બસ ભાજપને સત્તા પરથી ઉતારી ફેંકવાની જીદ્દ સાથે સભા સંબોધી હોય તેવું લોકોએ જણાવ્યું હતું. સાથે હાર્દિકે કચ્છના લોકોને ઠંડા ગણાવીને તેમની ઉપેક્ષા કરતાં સભામાં ઉપસ્થિતોની અંદર જ નારાજગી જાવા મળી હતી. અનામત આંદોલનમાં આખા ગુજરાતમાં આક્રોસ હતો કચ્છમાં કેમ ન દેખાયો તેવું હાર્દિકે જણાવીને કચ્છીઓની ઉપેક્ષા કરીને કેટલાક પાટીદાર વર્ગની લાગણી દુભાવી હોય તેવું જાવા મળ્યું હતું. હાર્દિકે કરેલી કેટલીક વાતો લોકોની સમજમાં હતી તો કેટલી વાતો લોકોના ગળે ઉતરે તેવી ન હોવાનું કેટલાક પાટીદાર આગેવાનોએ જ કહ્યું હતું.
ભેરૈયામાં સભા પુર્વે હાર્દિક જિલ્લા મથક ભુજમાં સ્વામિનારાયણના મંદિરે આવ્યો હતો. મંદિરના દર્શન કર્યા બાદ તે કાર્યાલય કક્ષમાં આવ્યો હતો, પરંતુ અહીં તેને કોઈ પણ સ્વામી કે, ટ્રસ્ટીઓ દ્વારા આવકાર  અપાયો ન હતો. મહદઅંશે કોઈ પણ રાજકીય નેતાઓ કે, અન્ય મહાનુભાવો આવે છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરના સંતો, મહંતો તેમને આવકાર આપતા જ હોય છે, પરંતુ હાર્દિકના કિસ્સામાં આ જાવા મળ્યું ન હતું.