કચ્છમાં RTPCR માટે નહીં જોવી પડે રાહ : વધુ ૨ મશીન પહોંચ્યા

  • હાશ…! હવે આવશે ઝડપી કોરોના રિપોર્ટ

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તંત્ર દ્વારા પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ટેસ્ટીંગ લેબ કાર્યરત કરવા રજૂઆતો થઈ હતી. સરકારે પણ આ દિશામાં ત્વરીત પગલાં ભરતા કચ્છમાં હવે આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે ત્રણ લેબ કાર્યરત થઈ જશે, જેથી ઝડપથી રીપોર્ટ મળતા દર્દીઓને સારવાર પણ વેળાસર મળી શકશે.આ અંગેની વિગતો મુજબ હાલમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે એક લેબ કાર્યરત છે. સમગ્ર જિલ્લામાંથી કોવિડ પોઝિટીવ દર્દી તેમજ અન્ય શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ આ લેબમાં આવતા હોવાથી ધસારો રહે છે. જેના કારણે ર૪ કલાક આ મશીન કાર્યરત રહેતું હોવા છતા સમયસર રીપોર્ટ મળતા ન હતા. વિશાળ જિલ્લામાં એક જ લેબ હોવાથી લોકોને ચારથી પાંચ દિવસે કોરોના ટેસ્ટના પરિણામ મળતા હતા. પરિણામે દર્દીઓની સારવારમાં વિલંબ સર્જાતો હતો. આ અંગે નેતાઓ તેમજ લોકો દ્વારા અવાજ ઉઠાવાયો હતો. મુખ્યમંત્રીએ પણ મશીન ફાળવણીની જાહેરાત કરી હતી. જેથી હવે પૂર્વ અને પશ્ચિમ એમ બે જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટીંગ માટેની લેબ કાર્યરત થવા જઈ રહી છે.આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે જણાવ્યું કે, હાલમાં જી.કે. જનરલ ખાતે આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે એક મશીન કાર્યરત છે. વધુ બે મશીન જિલ્લામાં આવી પહોંચ્યા છે. જેમાં એક મશીન જી.કે. ખાતે તેમજ બીજું મશીન ગાંધીધામ રામબાગમાં મોકલવામાં આવ્યું છે. નવા મશીનની ઈન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે, એકાદ દિવસમાં પૂર્ણ થઈ જશે, જેથી ભુજમાં હવે બે અને ગાંધીધામમાં એક મળી કુલ્લ ત્રણ આરટીપીસીઆર ટેસ્ટીંગ લેબ શરૂ થઈ છે. જેના કારણે હવે દર્દીઓને આરટીપીસીઆર રીપોર્ટ મેળવવા માટે વિલંબ થશે નહીં. હવે જિલ્લામાં દરરોજ જેટલા સેમ્પલ લેવામાં આવશે તેના રીપોર્ટ એ જ દિવસે મળી જશે. જેના કારણે દર્દીઓની સારવારમાં ઝડપ આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જી.કે.માં એક જ લેબ કાર્યરત હોવાથી ઘણા સેમ્પલ પેન્ડીંગ પડયા છે. ત્રણ મશીનનો ઉપયોગ થશે તો ઝડપથી રીપોર્ટ આવવા લાગશે. પરિણામે થોડા દિવસો સુધી કેસોનું પ્રમાણ વધે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. ગાંધીધામના રામબાગ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટીંગ મશીનના લેબ ટેકનીકલની કર્મીઓની કમી ન થાય તે તરફ તંત્ર પ્રયાસ હાથ ધરે તે પણ જરૂરી છે.

ર૪ કલાકમાં એક મશીનની છ હજાર રીપોર્ટની કેપેસિટી

ભુજ : આરટીપીસીઆર લેબ ટેસ્ટીંગના એક મશીનમાં દરરોજ છ હજાર સેમ્પલના રીપોર્ટ પરિક્ષણ કરવાની ક્ષમતા હોય છે. કચ્છમાં હવે ત્રણ મશીન આવી જતા દરરોજ ૧૮ હજાર જેટલા સેમ્પલના પરિક્ષણ થવાની ક્ષમતા છે ત્યારે આ સાધનોનો મહત્તમ ઉપયોગ થવાથી લોકોને ઝડપી રીપોર્ટ મળશે અને નિદાન થશે.

જી.કે.માં અનુભવી ૧૪ લેબ ટેકનીશીયન કરી રહ્યા છે કામગીરી

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડની સારવાર સાથે ટેસ્ટીંગ પણ કરવામાં આવે છે. જુદા – જુદા તાલુકામાંથી કલેકટ કરાતા સેમ્પલનું અહીંની આરટીપીસીઆર લેબમાં પરિક્ષણ કરાવાય છે. પરિક્ષણ માટે અનુભવી સ્ટાફ હોવો ખુબ જ જરૂરી છે. જેથી જી.કે.માં લેબ ટેસ્ટીંગ માટે જિલ્લા તંત્ર તરફથી લેબ ટેકનીશીયન ફાળવવામાં આવ્યા છે. હાલમાં આ લેબોરેટરીમાં ૧૪ લેબ ટેકનીશીયન દિવસ રાત કામગીરી કરે છે.

ગાંધીધામમાં લેબના સંચાલન માટે સ્ટાફની શોધખોળ આરંભાઈ

ભુજ : આરટીપીસીઆર લેબ ટેસ્ટીંગ માટે અનુભવી સ્ટાફ હોવો ખુબ જ જરૂરી છે. સરકાર અને તંત્ર દ્વારા લેબ ટેકનીશીયન માટે જાહેરાતો કરાઈ છે, પરંતુ લાયકાત ધરાવતા યુવાનો આગળ આવતા નથી. પરિણામે ગાંધીધામની લેબ ચલાવવા માટે હાલમાં મેનપાવરની અછત વર્તાતા સ્ટાફની ભરતી કરવા શોધખોળ શરૂ કરાઈ છે. જો ભરતી પ્રક્રિયામાં લેબ ટેકનીશીયન નહીં મળે તો પીએચસીમાંથી સ્ટાફની ભરતી કરાશે.