કચ્છમાં ૭ વર્ષમાં ૧.૧૩ લાખ શૌચાલય બન્યા છતાં ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો નહીં

assettype.com

શૌચાલય બન્યા બાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂા. ૧ર હજારની ચુકવાય છે સહાય : પરંતુ સાચા લાભાર્થીઓ કેટલા ?વર્તમાન વર્ષમાં ૬૦૯ શૌચાલય બનાવવાનો ટાર્ગેટ : સૌથી વધુ રાપર તાલુકામાં તો સૌથી ઓછા ગાંધીધામમાં બન્યા ટોયલેટ

અમુક ગામોમાં દર વર્ષે સેંકડો શૌચાલય મંજૂર થાય છે તો અનેક ગામોમાં એક પણ લાભાર્થી નહીં.. આવું કેમ..? તપાસનો વિષય : શૌચાલય પાસ કરાવવા ‘કટકી’ પણ આપવી પડતી હોવાની ચર્ચા

(બ્યુરો દ્વારા)ભુજ : થોડા વર્ષો પૂર્વે ભારત એવો દેશ હતો કે, જયાં લોકો સવારના સમયે કુદરતી હાજતે જવા લોટો લઈને જતા હતા. ભારતમાં આવતા વિદેશીઓ આવા દ્રશ્યો જોઈ દેશની કદર કરતા હતા. જે બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કમાન સંભાળી ત્યારે તેઓએ ભારતને ખુલ્લામાં શૌચમુકત દેશ બનાવવા માટે તમામ રાજ્યો અને જિલ્લાઓમાં સ્વચ્છ ભારત મિશન અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે ન જાય એ માટે તેઓને શૌચાલય બનાવવા માટે સરકાર સહાય કરે છે. શરૂઆતમાં તો લોકોએ આનાકાની કરી પરંતુ ઘરમાં મહિલાઓની સુરક્ષા માટે લોકો આગળ આવતા ગયા અને કેમ્પેઈનનો પણ સફળ ફાળો રહ્યો. આ સરહદી જિલ્લામાં પણ અત્યાર સુધી ૧,૧૩,૩૧૯ શૌચાલય બનાવવામાં આવ્યા હોવાનું સરકારી આંકડા પરથી જાણવા મળ્યું છે. અલબત હજુ પણ કચ્છ જિલ્લો ખુલ્લામાં શૌચમુકત જિલ્લો નથી.કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાની યોજનાની વાત કરીએ તો બીપીએલ કેટેગરીમાં ૦ થી ૧૬ નંબર ધરાવતા અને એપીએલ કેેટેગરીમાં એસસી, એસટી, જમીન વિહોણા, કુટુંબના વિકલાંગ હોય કે વિધવા હોય તેવા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા ગ્રામ પંચાયતમાં અરજી કરવાની હોય છે. ગ્રામ પંચાયત આધારકાર્ડની નકલ સાથેની અરજી મેળવી તાલુકા પંચાયતમાં જમા કરાવે છે. તાલુકા પંચાયત તેની ચકાસણી કરે છે, જે બાદ લાભાર્થીને શૌચાલય બનાવવા જણાવવામંં આવે છે. જેમાં પાંચ બાય પાંચ ફુટના બે ખાડા કરી તેમાં બેસીન તેમજ છત પર પાણીની ટાંકી, દરવાજા સાથેનું શૌચાલય નિર્માણ કરવાનું હોય છે. શૌચાલય બન્યા બાદ તાલુકા પંચાયતમાંથી કર્મચારીઓ આવે છે અને શૌચાલય સાથે લાભાર્થીનો ફોટો પાડે છે. જે બાદ લાભાર્થીના બેંક ખાતામાં સહાયની રૂા. ૧ર હજારની રકમ જમા થાય છે. આ રકમ સીધી બેંકમાં જમા થતી હોવાથી ભ્રષ્ટાચાર ન થતો હોવાનો દાવો કરાય છે. બીજી તરફ ગ્રામિણ વિસ્તારમાં લોકો એવું કહી રહ્યા છે કે, પોતાના ઘરે શૌચાલય મંજૂર કરાવવું હોય તો રૂપિયા દેવા પડે છે. શૌચાલય ફાળવણીમાં પણ લાગવગ અને વ્હાલા-દવાલાના નીતિ પણ જોવા મળે છે. અમુક ગામોમાં ઘરો-ઘર શૌચાલય બને છે. જ્યારે અમુક ગામો પણ આજે પણ શૌચાલય વિહોણા છે.