કચ્છમાં ૫ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

જિલ્લામાં ડેમો – તળાવો હજુય ખાલીખમ હોઈ ભાદરવામાં ભયોભયો થવાની આશ

(બ્યુરો દ્વારા)ભુજ : ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં ચોમાસાના મુખ્યમાસ એવા જુન, જુલાઈ, ઓગસ્ટ દરમ્યાન વરસાદની ભારે ઘટ જોવા મળી છે. જો કે જન્માષ્ટમી બાદથી જિલ્લામાં મેઘરાજા પોતાની હાજરી પુરાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઉપર હવાનું હળવું દબાણ સર્જાયું હોઈ કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર ઉપર હવાનું હળવું દબાણ સર્જાયું છે. બીજીતરફ ઓરિસ્સા ઉપર ડીપ્રેશન બન્યું છે જે મધ્ય ભારત ઉપર આવશે ત્યારે હવાનું હળવું દબાણ બની જશે. આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર આવશે ત્યારે હાલની સીસ્ટમ સાથે ભળવાથી સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના અન્ય જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે તેવી આગાહી બાદ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજથી મેઘરાજાએ દે ધનાધન બેટીંગ કરતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સીસ્ટમ આગળ વધી કચ્છ તરફ આવશે અને ત્યાંથી કરાચી તરફ ફંટાશે. હાલે સીસ્ટમ સૌરાષ્ટ્ર સ્થિર થઈ છે અને રાજકોટ, જામનગર સહિતના વિસ્તારમાં તો ગત રાત્રીથી જ મેઘરાજા મન મુકીને મહેરબાન થયા હોઈ અનેક વિસ્તારોમાં બેટમાં ફેરવાઈ ગયા છે. કચ્છની વાત કરીએ તો જિલ્લામાં છુટી છવાઈ મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ હજેુય સચરાચર વરસાદની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર પર સર્જાયેલી સીસ્ટમ કચ્છ તરફ આગળ વધવાની હોઈ આગામી પાંચ દિવસ સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. જિલ્લાના ડેમો – તળાવો હજુય ખાલી ખમ છે ત્યારે ભાદરવામાં મેઘરાજા મહેરબાન થાય તો ભયોભયો થવાની આશ લોકો સેવી રહ્યા છે.આ બાબતે ભુજ હવામાન વિભાગના ડાયરેકટર રાકેશકુમારે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ એટલે કે, ૧૮ મી સુધી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. એકલ દોકલ સ્થળોએ ભારે વરસાદ પણ વરસી શકે છે. જિલ્લામાં વાદળછાયો માહોલ જળવાયેલો રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.