કચ્છમાં ૪પ૦૦થી વધુ ટ્રેકટરો ભંગાર બની જશે : ખેડૂતોમાં ભારે દેકારો

  • જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી અમલી બનાવાતા

કચ્છમાં એગ્રીકલ્ચરના ૪૪૧૮, કોમર્શિયલના ૮૩ અને કોમર્શિયલ ટ્રેક્ટર ટોલી ૧૧૯ મળી કુલ્લ ૪૬ર૦ વાહનોનો લેવાશે ભોગ

દેવાના બોજા તળે દબાયેલા ખેડૂતોની મુશ્કેલીમાં થશે વધારો

અન્ય કોમર્શીયલ વાહનોની સરખામણીએ ટ્રેકટરનો ઉપયોગ ૧પ વર્ષના સમયગાળામાં કિલોમીટર અને કલાકની દ્રષ્ટિએ ઘણો જ ઓછો થતો હોવાથી ટ્રેકટરની સમયમર્યાદામાં છૂટછાટ અને અલગ માપદંડો ઘડવાનો જગતના તાતનો રોષપૂર્વકનો મત

પ્રવર્તમાન સમયે મોટાભાગના ખેડૂતો પાસે નવા કરતા જૂના ટ્રેકટરો વધુ છે, જો આવા ટ્રેકટરો ભંગાર બની જાય તો ખેડૂતોએ નાછુટકે લોન, દેવા લઈને નવા ટ્રેકટરો ખરીદવાનો આવશે વારો

(બ્યુરો દ્વારા)ભુજ : ચાલુ સાલે અત્યાર સુધી કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું નબળું રહેવા સાથે વરસાદની મોટી ખાધ જોવા મળી રહી છે. જગતનો તાત ઓછા વરસાદથી ચિંતિત છે. ખેતીના ખર્ચા વધી જતા પહેલેથી જ ઘરના બે છેડા ભેગા કરવા ધરતીપુત્રોને આકાશ – પાતાળ એક કરવા પડે છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી અમલી બનાવાતા ૧પ વર્ષ જૂના વાહનોને ભંગારના વાડે મુકવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કચ્છની જો વાત કરીએ તો ખેતી માટે મુખ્ય સાધન એવા ટ્રેકટરો પૈકી ૪પ૦૦થી વધુ ટ્રેકટરો ૧પ વર્ષની આયુ વટાવી ચુકયા હોવાથી સ્ક્રેપ પોલિસી અંતર્ગત હવે આવા ટ્રેકટરો ભંગાર બની જશે તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ભારે દેકારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી અમલી બનાવવામાં આવી રહી છે ત્યારે માત્ર ગુજરાતમાંથી જ એક અંદાજ મુજબ આશરે ૪૦ ટકા ટ્રેકટરો ભંગાર બની જશે, તેવી દહેશત વચ્ચે ખેડૂતોમાં સરકારની આ પ્રકારની જાહેરાત સામે વ્યાપક રોષની લાગણી પ્રવર્તી રહી છે. ખેડૂતોની સ્થિતિની વાત કરીએ તો પહેલેથી જ દેવામાં છે. સરકાર દ્વારા યોગ્ય સહાયમાં અન્યાય, પાકવીમા સહિતના મુદ્દે અન્યાય, ખેત જણસોના પોષણક્ષમ ભાવ આપવામાં લાલિયાવાડી, ત્રણ કૃષિ કાયદા રદ્‌ કરવામાં આંખ આડા કાન, એમએસપી કાયદો લાગુ કરવામાં તાગડધીના સહિતની ઉઠતી ફરિયાદો વચ્ચે હવે સ્ક્રેપ પોલિસી હેઠળ ખેડૂતોના જૂના ટ્રેકટરો ભંગાર બની જાય તેવી દહેશત સર્જાતા ખેડૂત આલમમાં રીતસર દેકારો મચી જવા પામ્યો છે.ખેડૂતોના જૂના ટ્રેકટરો ભંગાર બનશે તો ધરતીપુત્રોએ ફરી નવા ટ્રેકટર ખરીદવા માટે લોન દેવા કરવા પડશે. અગાઉના દેવા બાબતે પણ જગતાત પહેલેથી મુશ્કેલીમાં છે. તો આવનારી પરિસ્થિતિમાં વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાશે તેવી દહેશત અગ્રણી ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.કચ્છ જિલ્લાની વાત કરીએ તો હાલમાં આરટીઓમાં નોંધાયેલા ટ્રેકટરો પૈકી ૧પ વર્ષ જૂના વાહનોમાં ૪૬ર૦ ટ્રેકટરોનો સમાવેશ થાય છે. જેમાં એગ્રીકલ્ચરના ૪૪૧૮, કોમર્શિયલના ૮૩ અને કોમર્શિયલ ટ્રેક્ટર ટોલી ૧૧૯ છે. જો કે ધરતીપુત્રોના મતે અન્ય કોમર્શીયલ વાહનોની સરખામણીએ ટ્રેકટરનો ઉપયોગ ૧પ વર્ષના સમયગાળામાં કિલોમીટર અને કલાકની દ્રષ્ટિએ ઘણો જ ઓછો થતો હોવાથી ટ્રેકટરની સમયમર્યાદામાં છૂટછાટ અને અલગ માપદંડો ઘડવા જોઈએ રોષપૂર્વકનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
ટ્રેકટર જેવા અગત્યના સાધનને અમુક વર્ષે સ્ક્રેપમાં નાખી દેવાનું ફરમાન કેન્દ્ર સરકારે કર્યું છે, એની કડક અમલવારી સરકાર કરાશે તો ફરી ખેડૂતોએ બળદની ખેતી તરફ વળવું પડે તો જરાય નવાઈ પામવા જેવું નહીં હોય.

ર૦ વર્ષ જૂના નેતાઓને કબાડીમાં કેમ નથી મોકલતા ?

સ્ક્રેપ પોલિસીના નવા ગતકડાથી રોષે ભરાયેલા ધરતીપુત્રની રૂંવાટા ખડા કરી દેતી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ

ભુજ : કેન્દ્ર સરકારે જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે. જે અંતર્ગત ૧પ વર્ષ જૂના તમામ વાહનોને ભંગારના વાડે મોકલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અન્ય વાહનોની સાથોસાથ ખેતી માટે અગત્યના સાધન એવા ટ્રેકટરનું પણ સ્ક્રેપ પોલિસીમાં સમાવેશ કરાતા ભારે દેકારો મચી ગયો છે. એક ખેડૂત પુત્રની સોશિયલ મીડિયા પર વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં ટ્રેકટર વસાવનાર ખેડૂત આ પોલિસી બાબતે કેન્દ્ર સરકારને બરાબરની આડે હાથ લીધી છે અને રોષ પૂર્વક જણાવી રહ્યા છે કે, ૧પ – ર૦ વર્ષે જો ટ્રેકટરને ભંગારના વાડે મોકલવામાં આવે એના કરતા ર૦ વર્ષ જૂના નેતાઓને સતામાંથી હટાવી કબાડીમાં કેમ ન મોકલવામાં આવે ? તેવા વેધક સવાલો કરી રહ્યા છે.ખેતી માટે અગત્યના સાધન એવા ટ્રેકટરની જો વાત કરીએ તો હાલના સમયમાં મધ્યમ ખેડૂત પાસે પણ પોતાનું ટ્રેકટર હોય છે અને અન્ય વાહનોની સરખામણીએ ટ્રેકટરનો ઉપયોગ ઓછું થતું હોય છે. એક વર્ષ દરમ્યાન માંડ ત્રણ થી ચાર મહિના જેટલો ટ્રેકટરનો વપરાશ થાય છે. કિલોમીટર અને કલાકની સરખામણીએ જો ર૪ કલાક દોડતા મોટા વાહનો ૧પ વર્ષે ભંગાર થઈ જતા હોય તો ટ્રેકટરની આયુ મર્યાદા તેની સરખામણીએ પ૦ વર્ષ આંકી શકાય. એક તરફ ખેડૂત માંડ માંડ હપ્તા ભરી ટ્રેકટરની લોન ભરપાઈ કરે ત્યાં સુધી ૧પ વર્ષનો સમય નિકળી જાય તો ફરી પાછો એજ ચક્કર ધરતીપુત્ર માટે ઉભો થતો હોય છે. સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતા ખેડૂતે જણાવ્યું કે, કંપનીઓને ફાયદો કરાવવા માટે આ પોલિસી અમલી બનાવાઈ છે. સરકારે મોટા ભાગના ક્ષેત્રોમાં ખાનગીકરણ કરી નાખ્યું છે અને હવે ખેડૂતને વેચવા બેઠી છે. ખરેખર જો ૧પ વર્ષની પોલિસી અમલી બનાવવી હોય તો રાજકારણમાં અમલી બનાવો વર્ષો સુધી શાસન ભોગવતા નેતાઓને ૧પ કે ર૦ વર્ષે રાજકારણમાં કાઢી કબાડીમાં મોકલાવા જોઈએ તેવો રોષ પૂર્વક વીડિયો ક્લિપમાં જણાવાઈ રહ્યું છે.