કચ્છમાં ૧૬મી જૂલાઇથી ઓરી-રૂબેલા રસીકરણ ઝુંબેશ : ૬.૧૬ લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક

આ રસી વિરૂધ્ધના સોશ્યલ મીડિયાના દુષ્પ્રચારથી ગેરમાર્ગે ન દોરાવા જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અપીલ : રસીકરણના વધુ આંકડા દેખાડવાના પ્રયાસ સામે કર્મચારીઓને ચેતવતા ડીડીઓ પ્રભવ જોષી

ભુજ : સમગ્ર રાજયમાં ત્રણ ફેઝમાં પાંચ અઠવાડિયા સુધી ચાલનારી ઓરી અને રૂબેલા રોગ સામેની ઝુંબેશનો કચ્છમાં પણ ૧૬મી જૂલાઇથી પ્રારંભ થવા જઇ રહ્યો છે, જેમાં કચ્છમાં ૯ મહિનાથી ૧૫ વર્ષના ૬.૧૬ લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં રેમ્યા મોહનના અધ્યક્ષપદે યોજાયેલી ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ઇમ્યુનાઇઝેશન કમિટિની બેઠકને સંબોધતાં ઓરી-રૂબેલા રસીકરણ કાર્યક્રમ વિરૂધ્ધના કેટલાક સોશ્યલ મિડીયામાં થઇ રહેલા દુષ્પ્રચારથી ગેરમાર્ગે ન દોરાવા કલેક્ટરે ખાસ અપીલ કરવા સાથે દુષ્પ્રચારનો સામનો કરવા અધિકારીઓને તાકીદ કરી તંત્રને સાબદા રહેવા જણાવ્યું હતું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે માટે લોકોમાં જાગૃતિ વધારવા સાથે જિલ્લા અને તાલુકા સહિત ગ્રામ્યકક્ષાએ પણ બેઠકો કરવા અને પ્રાંત અધિકારી, મામલતદાર કક્ષાએ તેમજ ઔદ્યોગિક વસાહતો, બીએસએફ, આર્મી, એરફોર્સ, કોસ્ટગાર્ડ જખૌ તેમજ માઇનીંગ એરિયાને રસીકરણથી સાંકળી લેવા સૂચના આપી હતી.
શિક્ષકો અને વાલીઓ સાથેની શાળાકક્ષાએ બેઠકો કરવા, ધાર્મિક આગેવાનોને સાંકળી લઇ લોક જાગૃતિ કાર્યક્રમો યોજવા, શહેરી કક્ષાએ નગરપાલિકાના સ્થાનિક
પદાધિકારીઓ અને ગ્રામ્ય કક્ષાએ પંચાયતના માધ્યમથી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસો આદરવા પર તેમણે ભાર મૂકયો હતો. જિલ્લા વિકાસ અધિકારી સહ સમિતિના ઉપાધ્યક્ષ પ્રભવ જોષીએ ખોટી રીતે રસીકરણના આંકડાઓ વધારે દેખાડવાના પ્રયાસો કરવા સામે કર્મચારીઓને ચેતવ્યા હતા અને રસીના જથ્થાની ખરાઇ અને આંકડા ચેક કરવા સહિતની બાબતે સૂચના આપી હતી.
તેમણે દરેક શાળામાં ઓરી-રૂબેલા રસીકરણ કાર્યક્રમના દિવસે ત્રણ રૂમની વ્યવસ્થા રાખવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી હતી. બેઠકના પ્રારંભે સીડીએચઓ ડો. પંકજકુમાર પાંડેએ સમગ્ર કાર્યક્રમની માઇક્રો પ્લાનિંગની સમીક્ષા દરમિયાન કામગીરીના સંકલન, સહયોગી સંસ્થાઓની ભાગીદારીનું મહત્વ સમજાવી સમગ્ર ઝુંબેશની ૧૦૦ ટકા કામગીરી પાર પાડવામાં કોઇ ઢીલ કે કચાશ ચલાવી નહીં લેવા જણાવ્યું હતું. ઓરી-રૂબેલા ઝુંબેશના નેશનલ મોનીટર ડો. અજય પવારે ડિસ્ટ્રીકટ કંટ્રોલરૂમ સ્થાપિત કરાવા સાથે જિલ્લાના માઇક્રો પ્લાનની સમીક્ષા કરી ઝુંબેશ માટે જિલ્લાની તૈયારીનો જાયજો લીધો હતો. તેમણે ધાર્મિક વડાઓ સાથે બેઠક, વન ટુ વન બેઠક, મીડિયા બ્રિફીંગ કરવા સહિતના પાસાઓની છણાવટ કરી હતી. શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંવાદ, નેગેટીવ સોશ્યલ મિડીયા મેસેજની અસર સંબંધે પણ વિગતે છણાવટ કરી હતી. એસએમઓ ડો. રાહુલ કામ્બલેએ પ્રેઝન્ટેશના માધ્યમથી સમગ્ર જિલ્લાની તૈયારીનું ચિત્ર પ્રસ્તુત કર્યું હતું અને કામગીરીમાં જણાતી કચાશ તરફ કમિટિનું ધ્યાન દોર્યું હતું. આ બેઠકમાં ડો.પી.એન.કન્નર, ડો. આર.કે. ભાર્ગવ, ડબલ્યુએચઓના તેજસ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, નગરપાલિકાના ચીફ ઓફિસરો, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ, આર્મી, બીએસએફના પ્રતિનિધિ, તાલુકા હેલ્થ ઓફિસરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.