કચ્છમાં ૧૩૬૪ કામો પૈકી ૮૪૧ કામો દ્વારા ૬૧.૬૫ ટકા કામગીરી થઇ

મનરેગા હેઠળ રૂ.૪૦૬.૫૯ લાખની ૧૬૨૧૮૬ માનવદિન રોજગારી અપાઇ

ચોમાસા પહેલાં રાજયમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે માટે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, તળાવોના પાળા, વેસ્ટવિયરનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફસફાઇ મરામત જાળવણી, નદી, વોકળા, કાંસ, ગટરની સાફસફાઇ અને નદી પુનઃજીવીત કરવી વગેરે કામો લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાયેલ.

કચ્છ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ એપ્રિલ-મે માસ દરમ્યાન સુજલામ સુફલામ જળ અભિયાનના કચ્છના લાયઝન અધિકારી જળસંપતિ સંશોધન વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરશ્રી પી.પી.વાળાના જણાવ્યા પ્રમાણે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ૬૧.૬૫ ટકા કામગીરી થઇ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ૨૪૨ કામો પૈકી ૧૬૫ કામો પૂર્ણ કરેલ છે જેમાં મનરેગા હેઠળ રોજગારી અપાઇ છે. જયારે બાકીના કામ પ્રગતિમાં છે, એમ નિયામકશ્રી મેહુલભાઇ જોશીએ જણાવ્યું હતું.

જયારે નાયબ વન સંરક્ષકની કચેરી મદદનીશ વન સંરક્ષકશ્રી એચ.જે.ઠકકરના માર્ગદર્શનમાં ૧૯ કામોનો લક્ષ્યાંક પૂર્ણ કરેલ છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ૩૮ કામો પૈકી ૨૯ કામો થયેલા છે, એમ ભુજ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી મનોજભાઇ સોલંકીએ જણાવ્યું છે.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભુજ દ્વારા ૪૨ કામો સામે ૬ કામ પૂર્ણ થયેલાં છે એમ અધિકારીશ્રી તિવારી દ્વારા જણાવેલ છે. જળસંપિત વિભાગ દ્વારા ૯૫૧ કામો પૈકી ૫૮૨ કામો પ્રગતિ હેઠળ છે એમ ઈજનેરશ્રી ભાર્ગવભાઇ મોતા દ્વારા જણાવાયું છે. જયારે જળસ્ત્રાવ નિગમ દ્વારા લક્ષ્યાંકના ૩૯ કામો પરિપૂર્ણ કરેલ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સુજલામ સુફલામ અભિયાન-૨૦૨૦ હેઠળ ૫૩ ટકા કામગીરી થઇ છે.

જયારે આ અભિયાનમાં મનરેગા હેઠળ ૧૬૨૧૮૬ માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવી છે જે હેઠળ અંદાજે રૂ.૪૦૬.૫૯ લાખનો ખર્ચ કરાયો છે એમ મનરેગા અધિકારીશ્રી ઈન્દ્રજીતભાઇ ગોસ્વામી દ્વારા જણાવાયું છે.