કચ્છમાં ૧ર કલાકમાં ભૂકંપના ૬ કંપનો અનુભવાયા

રિક્ટર સ્કેલ પર ર.૧થી ૩.પ સુધીના આંચકા નોંધાયા : ભાઉ, દુધઈ અને કંડલા કેન્દ્રબિંદુ

ભુજ : કચ્છ જિલ્લામાં હળવા કંપનોનો દોર યથાવત રહ્યો છે તેવામાં ગઈકાલ રાતથી આજે સવાર સુધીના ૧ર કલાકના સમયગાળામાં જિલ્લામાં ભૂકંપના નાના-મોટા ૬ જેટલા કંપનો અનુભવાયા હોવાનું ગાંધીનગર સિસ્મોલોજી કચેરીથી જાણવા મળ્યું છે.આ અંગેની વિગતો મુજબ ગઈકાલે રાત્રે ૮ઃ૩૦ કલાકે રિક્ટર સ્કેલ પર દુધઈ નજીક ર.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ર૧ કિ.મી. દૂર નોંધાયું હતું. જે બાદ કંપનોનો દોર યથાવત રહ્યો હતો. જેમાં રાત્રે ૧૧ઃ૦૭ કલાકે દુધઈથી ર૩ કિ.મી. દૂર ૩.પનો, રાત્રે ૧ઃ૪૧ કલાકે દુધઈથી ર૩ કિ.મી. દૂર જમીનમાં ૧રઃ૦૮ની ઉંડાઈએ ર.૪ પછી ભચાઉથી ૧ર કિ.મી. દૂર સવારે ૧ઃપ૭ કલાકે ર.૪ની તીવ્રતા ધરાવતો આંચકો નોંધાયો હતો. જે બાદ પરોઢીયે ૭ઃ૦૪ કલાકે દુધઈથી ર૩ કિ.મી. દૂર જમીનમાં ૬ કિ.મી.ની ઉંડાઈએ ર.૧નો જ્યારે કંડલાથી ર કિ.મી. દૂર જમીનમાં રર.૬ કિ.મી.ની ઉંડાઈએ ર.૪ મેગ્નીટ્યૂર્ડનો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીએથી આ વિગતો મળવા પામી છે. કચ્છમાં ભૂકંપ બાદ વાગડ ફોલ્ટલાઈનમાં ભૂકંપના આંચકાનો દોર રોજિંદો બની ગયો છે. દરરોજ વાગડ વિસ્તારમાં હળવી તીવ્રતાના આંચકા નોંધાતા હોય છે તેવામાં એકી સાથે ૧ર કલાકના ટુંકા ગાળામાં ૬ જેટલા ભૂકંપના આંચકા આવતા અહીંના રહીશોએ પણ તેની અનુભૂતિ કરી હતી.