કચ્છમાં હજુ એક સપ્તાહ સુધી મેઘો જોવડાવશે રાહ

એક- બે સ્થળોએ ઝરમરિયા વરસવાની સંભાવનાઓ : વરસાદી સિસ્ટમ સર્જાઈ ન રહી હોઈ વાદળો જોઈને મેળવવો પડશે સંતોષ : તાપમાન પારો ર૭થી ૩૦ ડિગ્રી વચ્ચે બનશે સ્થિર

 

ભુજ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી સર્વત્ર પાણી – પાણી કરી દીધા છે. જ્યારે અન્યત્ર હજુ હળવા વરસાદ રૂપે હાજરી પૂરાઈ રહી છે કચ્છ જિલ્લામાં એકલ- દોકલ સ્થળને બાદ કરતા ક્યાંય ઝરમરીયા પણ હજુ સુધી વરસ્યા ન હોઈ લોકોની નજર આકાશ તરફ મંડરાઈ છે. હવામાન વિભાગનું માનીએતો હજુ એક સપ્તાહ વરસાદની સંભાવના ન હોઈ કચ્છી લોકોને માટે થોભો ને રાહ જુવોની સ્થિતિ બની રહેશે. આ અંગેની વિગતો મુજબ મુંબઈની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટા ભાગના વિસ્તારમાં જળબંબા કાળની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે સરહદી કચ્છ જિલ્લમાં ગત વર્ષે પડેલ અપૂરતા વરસાદ બાદ ચાલુ વર્ષે પણ હજુ સુધી મેઘરાજાએ આગમન કર્યું નથી. તળાવો તો અગાઉથી જ તળીયા ઝાટક થઈ ગયા છે જ્યારે ડેમામાં પણ હવે ઓછુ પાણી બચ્યુ છે. જુલાઈ માસનું એક સપ્તાહથી વધુ સમય નિકળી ગયો હોવા છતા જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી. હળવા વાદળોની વચ્ચે ઉકળાટમાં પણ વધારો થવા પામ્યો છે. ત્યારે હજુ એક સપ્તાહ વરસાદની સંભાવના નહિવત હોવાનું જાણવા મળી રહ્યું છે. હવામાન વિભાગના સુત્રોનું માનીએતો હજુ એક સપ્તાહ સુધી જિલ્લામાં વરસાદની શક્યતા નથી. એકાદ- બે સ્થળોએ ઝરમરીયા વરસવાની સંભાવના છે. વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી ન હોઈ તાપમાનનો પારો ર૭થી ૩૦ ડિગ્રી વચ્ચે બન્યો રહેશે તેવું જણાવાયું છે.