કચ્છમાં સરકાર દ્વારા નિમણૂક કરાયેલ શિક્ષકો પાસેથી શાળા-ટ્રસ્ટો દ્વારા મંગાતો ‘વહેવાર’

મેરિટના આધારે સરકાર દ્વારા સીધી ભરતીના નિમણૂક પત્રો અપાયા હોવા છતાં હાજર થવા સમયે લેતી-દેતીની રાખવામાં આવે છે આગ્રહ : સરકારે સમગ્ર પ્રક્રિયા પોતા હસ્તક લઈ લીધી હોવા છતાં ભ્રષ્ટાચાર નથી થયો દૂર

ભુજ : રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓની સાથો સાથ કચ્છ જિલ્લામાં પણ મેરિટના આધારે શિક્ષકોની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી કરીને નિમણૂક પત્રો અપાયા હતા. જોકે, નિમણૂક પત્રો લઈને શાળાઓમાં હાજર થવા જઈ રહેલા શિક્ષકો પાસેથી કેટલીક શાળા-ટ્રસ્ટો દ્વારા પાંચ આંકડાની રકમમાં વહેવારની માંગણી કરવામાં આવી રહી હોવાનો ગણગણાટ વહેતો થયો છે.આ અંગેની વિગતો મુજબ અગાઉ ખાનગી ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડતી જગ્યાઓ માટે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શાળા-સંસ્થાના સંચાલકો જ સંભાળતા હતા. ઈન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં અરજદારોને બોલાવ્યા બાદ મોટા આર્થિક વ્યવહાર કરનારને જ શિક્ષક તરીકે નોકરી અપાતા હોવાના કિસ્સાઓ રાજ્યભરમાં બની ચૂક્યા છે. કચ્છમાં પણ કેટલીક શાળાઓ સામે અગાઉ આંગળીઓ પણ ઉઠી ચૂકી છે. નાણા કમાવાની કેટલીક શાળા સંચાલકોની મેલીમુરાદના કારણે પ્રતિભાશાળી ઉમેદવારો નોકરીથી વંચિત રહી જતા હતા. રાજ્યભરમાં આ અંગે વધેલી ફરિયાદો બાદ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતીની કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓની ખાલી પડેલ જગ્યા માટે સરકાર દ્વારા જાહેરાત આપવામાં આવે છે. તાજેતરમાં પણ રાજ્ય સરકાર દ્વારા ખાનગી ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ખાલી પડેલા શિક્ષકોની જગ્યા ભરવા માટે મેરિટના આધારે ભરતી કરવામાં આવી હતી.કચ્છ જિલ્લામાં પણ ભરતી કરાયેલ શિક્ષકોને હાલમાં જ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં નિમણૂક કરાયેલ શિક્ષકો જુદી-જુદી શાળાઓમાં ભરતી કરાઈ છે ત્યારે કેટલીક શાળા ટ્રસ્ટો દ્વારા નિમણૂક પત્રો લઈ હાજર થનાર શિક્ષકો પાસેથી પાંચ આંકડાની રકમમાં વહેવારની માંગણી કરવામાં આવી રહી હોવાનું વાતો વહેતી થઈ છે. અગાઉ જ્યારે ભરતીની સત્તા શાળા-સંસ્થાના સંચાલકો પાસે હતી ત્યારે પણ ખુબ જ મોટા આર્થિક વહેવારો કરી નિમણૂક અપાતી હતી, પરંતુ હવે સરકારે સમગ્ર પ્રક્રિયા પોતાના હસ્તક લઈ લીધી છે ત્યારે પણ શાળા-સંસ્થાના સંચાલકોની મનમાની યથાવત રહેતા સીધી ભરતીથી નિમણૂક કરાયેલ શિક્ષકોને દિવસે તારા જોવાનો વારો આવી રહ્યો છે. આ મુદ્દે માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી ભગવાનદાસ પ્રજાપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં આવા કોઈ વ્યવહારો થયા નથી, કોઈ ફરિયાદ પણ અમને મરી નથી. જિલ્લામાં પ૯ શિક્ષકોને નિમણુંક પત્રકો અપાયા હતા, અને ગત ૮ જુનના તમામ શિક્ષકો જે – તે સંસ્થાઓમાં હાજર થઈ ગયા છે. વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છમાં શિક્ષકોની ઘટ હોવાના કારણે સંસ્થાઓ દ્વારા તત્વરીત નિમણુંક આપી દેવાઈ છે. આપણા જિલ્લામાં નવા ભરતી થયેલા શિક્ષકો પાસેથી કોઈ પણ પ્રકારની લેવડ – દેવડ કરાઈ નથી તેવું તેમણે જણાવ્યું હતું.