કચ્છમાં સરકારી શાળાના વધેલા ‘દબદબા’થી ખાનગી સ્કૂલોનું ‘પડીકું’ વળી ગયું

જિલ્લામાં ગામે ગામ થયેલા સર્વેમાં ર૪ હજાર બાળકો ધો. ૧માં પ્રવેશની ધરાવતા હતા લાયકાત : ધો. ૧માં ૧૯ હજાર બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવી ઓનલાઈન અભ્યાસનો કર્યો આરંભ : હજુ પણ જુલાઈ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવાથી સરકારી શાળામાં પ્રવેશનો આંક વધવાની શક્યતા : પ્રાઈવેટ શાળા દ્વારા વસુલાતી બેફામ ફી સામે સરકારી શાળામાં વધેલા શિક્ષણના સ્તર અને ગુણવત્તાથી વાલીઓનો જોક વધ્યો

(બ્યુરો દ્વારા)ભુજ : સામાન્ય રીતે આજના મોર્ડન યુગના વાલીઓ પોતાના બાળકને સારૂં શિક્ષણ મળે એ માટે સરકારી શાળાના બદલે પ્રાઈવેટ શાળામાં એડમીશન કરાવતા હોય છે, દેખાદેખી અને પોતાનું બાળક અન્યોની સરખામણીએ પાછળ ન રહે તેવા કારણે પોતાના બાળકને ખાનગી શાળા અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ તો અપાવી દે છે, પરંતુ બાદમાં ફીના ભારણથી મધ્યમ વર્ગ પીસાઈ જાય છે. કોવિડની સ્થિતિમાં મોટા ભાગના વાલીઓએ આ પરિસ્થિતિનો સામનો કર્યો છે. તેમજ પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષણના નામે ઓનલાઈન તાયફા અને ગમ્મતો કરાવી વાલીઓ પાસેથી બેફામ ફી વસુલાતી હોવાથી વાલીઓ પણ હવે સમજદાર થઈ ગયા છે, જેથી પોતાના બાળકમાં જ્ઞાનનું સિંચન કરવા માટે સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. લોકોની માનસિકતા બદલાઈ છે, તે જ સારા ભવિષ્યની નિશાની છે.
આ અંગેની વિગતો મુજબ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. જેથી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા તેના અંતિમ પડાવમાં છે. ધો. ૧ થી ૧ર સુધીના વર્ગોમાં ઓનલાઈન શિક્ષણ પણ શરૂ થઈ ગયું છે. બાળક પાંચ વર્ષનું થયા બાદ વાલીઓએ બાળકની નોંધણી ધો. ૧માં કરાવી છે. વેકેશન દરમ્યાન જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ગ્રામ પંચાયત કક્ષાએ કચેરીમાં નોંધાયેલા જન્મ – મરણના દાખલા, આંગણવાડી કેન્દ્રમાંથી વિગતો તેમજ શહેરી વિસ્તારમાં પણ શિક્ષકો દ્વારા આસપાસના વિસ્તારમાં સર્વે કરી ધો.૧માં પ્રવેશની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરાઈ હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પોતાના નાના – ભાઈ બહેન જે ધો. ૧ માં પ્રવેશની લાયકાત ધરાવે છે તેઓને પણ જાણ કરાઈ હતી. સર્વે પ્રમાણે જિલ્લામાં ર૪ હજાર બાળકોને પાંચ વર્ષ પૂર્ણ થતા ધો. ૧ માં પ્રવેશની લાયકાત ધરાવતા હતા. જે પૈકી અત્યાર સુધી ૧૯ હજાર બાળકોએ તો સરકારી શાળામાં પ્રવેશ પણ મેળવી લીધો છે. કોવિડની બીજી લહેરમાં પ્રતિબંધો આવતા ઘણા ખેત મજૂરો વતન ભણી દોડી ગયા હતા, તો કેટલાક લોકો ધંધાર્થે અન્યત્ર રહેવા ચાલી ગયા છે. તો અન્ય બાળકોએ પ્રાઈવેટ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જો કે હજુ પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે પણ એક વાત સત્ય છે કે, વાલીઓમાં ખાનગી શાળાનો મોહ કોરોનાએ છોડાવી દીધો છે, જેથી સરકારી શાળાઓનો દબદબો વધ્યો છે. જિલ્લામાં ર૪૦૦૦ બાળકો પૈકી ૧૯૦૦૦ બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવે તે જિલ્લાના શિક્ષણ જગત માટે પણ ગૌરવની વાત છે. સરકારી શાળામાં પ્રવેશ વધવા પાછળ ઘણા પરિબળો કારણભૂત છે. જેમાં પાછલા વર્ષોમાં સરકારી શાળામાં શિક્ષણનું વધેલું સ્તર, શિક્ષકોની થતી નિમણૂંકો, ગમ્મત સાથે જ્ઞાન આપી બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધારાતી રૂચી તેમજ નિઃશુલ્ક અને ગુણવત્તા યુકત શિક્ષણના કારણે સરકારી શાળાઓની છબી મજબુત બની છે.આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિએ કહ્યું કે, ધો. ૧માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા ર૪ હજાર પૈકી ૧૯ હજાર બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવી લીધું છે. પ્રવેશની પ્રક્રિયા જુલાઈ સુધી ચાલુ રહેશે. હજુ પણ જે બાળકો પ્રવેશથી વંચિત રહ્યા હોય તેઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી લે તે માટે અનુરોધ કર્યો હતો. તો નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોરે કહ્યું કે, કચ્છમાં પ્રાઈવેટ શાળાઓ કરતા સરકારી શાળામાં બાળકોના પ્રવેશનો રેશીયો વધી રહ્યો છે. વર્ષ ર૦૧૮માં સરકારી શાળામાં પ્રવેશ બાબતે રાજયમાં કચ્છ જિલ્લો છઠ્ઠા ક્રમાંકે અને વર્ષ ર૦૧૯માં ત્રીજા ક્રમાંક આવતા એવોર્ડ પણ મળ્યો હતો. ગત વર્ષે કોવિડના કારણે જાહેર કાર્યક્રમો બંધ હોવાથી એવોર્ડની કામગીરી બંધ રહી હતી. જો કે સરકારી શાળામાં પ્રવેશનો રેશીયો વધતો હોવાનું કહ્યું હતું.

શિક્ષણને કમાણીનો ધીકતો ધંધો બનાવનાર ખાનગી શાળા સંચાલકોના ‘બુરેદિન’!

ભુજ : દર વર્ષે ફી વધારાની માંગણી કરી વાલીઓને ખંખેરનારા ખાનગી શાળા સંચાલકોના દહાડા હવે ભરાઈ રહ્યા છે. કારણ કે, વાલીઓને ખાનગી શાળાનો વિકલ્પ સરકારી શાળારૂપે મળી જતા પ્રાઈવેટ સ્કૂલોના ધો. ૧માં નવા પ્રવેશ માટે સુપડા સાફ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય સંજોગોમાં અડધા છાત્ર સરકારી શાળામાં જયારે અડધા છાત્ર પ્રાઈવેટ શાળામાં ધો. ૧માં પ્રવેશ લેતા હોય છે પરંતુ આ વર્ષે તો રેકોર્ડ તુટતા ર૪ હજાર પૈકી ૧૯ છાત્રોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યા છે, જેથી શિક્ષણને કમાણીનો ધીકતો ધંધો બનાવનારા ખાનગી શાળા સંચાલકોના બુરેદિન શરૂ થઈ ગયા છે. કોરોના મહામારીના લીધે અનેક પરિવારો આર્થિક ભીંસમાં સપડાયા છે, અને તેમાં પણ શાળાઓ બંધ ઓનલાઈના શિક્ષણના કારણે વાલીઓને ફી ભરવામાં ઘણી હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે હવે વાલીઓ સજાગ બનતા પ્રાઈવેટ સ્કૂલોના વળતા પાણી થયા છે.

ખાનગી શાળાઓ આરટીઈ પ્રવેશ માટે જ સિમિત રહી!

ભુજ : સરકારે આરટીઈ પ્રવેશ યોજના અમલી બનાવી છે. આ એકટ અંતર્ગત ધો. ૧ માં પ્રવેશની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં નિઃશુલ્ક શિક્ષણ મળે છે. ઘણા વાલીઓ બાળકને ખાનગી શાળામાં ભણાવવા માંગે છે પરંતુ ફી ભરવા અસમર્થ હોય છે ત્યારે આ એકટ અંતર્ગત ગરીબ – મધ્યમ વર્ગના બાળકોને પ્રાઈવેટ શાળામાં નિઃશુલ્ક શિક્ષણ મળે છે. આરટીઈ અંતર્ગત ખાનગી શાળા આવા બાળકોના પ્રવેશ માટે ઈન્કાર પણ કરી શકે નહીં. જો કે ચાલુ સાલે કચ્છમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે, ખાનગી શાળાઓ માત્ર આરટીઈ અંતર્ગતના પ્રવેશ માટે જ સિમિત રહી છે. જિલ્લામાં ખાનગી શાળાઓનો રાફડો હોવા છતાં ધો. ૧માં નવા એડમીશનો આંગળીના વેઢે ગણાય તેટલા જ થયા છે.
આ અવસર ફરી પાછો નહીં આવે…!ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં પાછલા થોડા વર્ષોમાં ખાનગી સ્કૂલોનો દબદબો એટલો વધ્યો હતો કે, સરકારી શાળામાં પ્રવેશ માટે સરકારને પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો યોજવાનો વારો આવ્યો હતો. ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાને કારણે આ જિલ્લામાં ઘણી શાળાઓને મર્જ કરવાની તો અનેક સ્કુલોનો સંકેલો કરવાની નોબત આવી હતી. જો કે, દરેક ક્ષેત્રે પરિવર્તનનો પવન હંમેશા ફુંકાતો જ હોય છે તે રીતે પાછલા થોડા વર્ષોમાં સરકારી શાળામાં પણ પરિવર્તનનો વાવટો ફુંકાયો છે. જિલ્લામાં સરકારી શાળામાં એડમીશન વધ્યા છે, ત્યારે શિક્ષણ વિભાગ માટે અમુલ્ય અવસર આવ્યો છે. આ અવસરને ઝડપી શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં માળખાકીય સવલતો જેવી કે, શિક્ષકોની ઘટ્ટ ત્વરીત પૂર્ણ કરાવાય, ટેકનોલોજીના યુગમાં અંતરિયાળ વિસ્તારોની શાળામાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો વ્યાપ વધારાય, શાળાઓમાં શિક્ષકોની નિયમિત હાજરી ઉપરાંત પાણી, લાઈટ, ઓરડા, બેન્ચીસ સહિતની માળખાકીય સવલતો વધુ સુદ્રઢ બનાવવામાં આવે તે પણ જરૂરી છે.