કચ્છમાં સતત પાંચમાં દિવસે કરા સાથે પડ્યો વરસાદ

ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થયું માવઠુ : અંજાર શહેર તેમજ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ

ભચાઉ : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં થયેલા હવામાનના પલટાને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં વિવિધ તાલુકાઓમાં છેલ્લા 5 દિવસથી ભારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ અને કરા પડી રહ્યા છે. તેની વચ્ચે આજે બપોર બાદ  ભચાઉ શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ કરા સાથે ખાબક્યો હતો. ભચાઉ શહેર ઉપરાંત તાલુકાના વોંધ, સામખિયાળી, મોરગર સહિતના ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે પણ ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો ભીંજાયા હતા. પવનના ભારે સુસવાટા સાથે ખાબકેલા વરસાદને કારણે કેટલાક ગામોમાં તો રીતસરના ચોમાસાની જેમ પાણી વહી નિકળ્યા હતા. તો ટપોટપ પડતા કરાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સફેદ રણ જેવી ચાદર જોવા મળી હતી. ગાડીઓ પર પડતા કરાના વરસાદને કારણે જાણે ઢોલ ધ્રબુકતા હોય તેવો તાલ સર્જાયો હતો. ભચાઉ શહેર અને તાલુકાના ગામોમાં થયેલા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતા ફેલાઈ હતી. તો અંજાર શહેર અને કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અંજારમાં પણ કરા સાથે વરસેલા વરસાદને કારણે માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા.. આ તરફ ભુજ તાલુકાના ખેંગારપર, લોડાઈ, ધ્રંગ સહિતના વિસ્તારમાં બપોર બાદ પલટાયેલા વાતાવરણને પગલે કરા સાથે વરસાદ વરસ્યો હતો. જોરદાર ઝાપટાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહી નિકળ્યા હતા. કચ્છમાં ઠેર ઠેર થયેલા કરા સાથેના વરસાદને કારણે કરાના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કચ્છમાં બપોર બાદ થયેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન ખાતાએ અગાઉ જણાવ્યું હતું તે મુજબ થન્ડરસ્ટ્રોમની અસરને કારણે વરસાદ વરસ્યો હતો. હજુ આગામી 3 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ કચ્છ સૌરાષ્ટ્રમાં જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.