કચ્છમાં સચરાચર વરસાદ ન થતા ચિંતાના ‘વાદળો’ ઘેરાયા

જિલ્લાના અનેક ગામો હજુય વાવણીલાયક વરસાદ વિહોણા : ખેડૂતોના ઘરમાં ખરીફ બીજ પડયા રહ્યા : જગતના તાતની આભ ભણી મીટ : અસહ્ય ઉકળાટ અને બફારાના વચ્ચે અમુક વિસ્તારોમાં ભાદરવાના ‘ભૂસાકા’ જોવા મળ્યા હવે કચ્છમાં મેઘરાજા અનરાધાર હેત વરસાવે તેવી આશ

(બ્યુરો દ્વારા)ભુજ : વરસાદનો ધોરી માસ ગણાતો અષાઢ મહિનો બેસી ગયો છતાં કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની ખાધ રહી ગઈ છે. આ વર્ષે ચોમાસાનો પ્રારંભ ખેડૂતો માટે ચિંતાજનક રહ્યો છે. અમુક વિસ્તારોમાં એક પખવાડિયા પહેલા વાવણી લાયક વરસાદ પડયો હતો, ત્યાર બાદ લાંબો બ્રેક આવતા ઉગેલી મોલાતા મુરજાવા લાગી છે. જો કે, કચ્છી નવાવર્ષ અષાઢીબીજનો શુકન સાચવ્યા બાદ શરૂ થયેલી વરસાદી હેલી અમુક વિસ્તારમાં વરસ્યા બાદ સંતાકુકડીનો ખેલ રમી રહી હોવાથી અમુક વિસ્તારોમા ભાદરવાના ભૂસાકા થઈ રહ્યા છે. તો અનેક વિસ્તારો હજુય પણ વરસાદ ઝંખી રહ્યા છે ત્યારે કચ્છમાં સચરાચર વરસાદ ન વરસતા ચિંતાના વાદળો ઘેરાયા છે.આ અંગેની વિગતો મુજબ પાછલા બે ચોમાસા સારા વીત્યા બાદ ચાલુ સાલે પણ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેઠ મહિનાની શરૂઆત સાથે જ કચ્છમાં પૂર્વ કચ્છ સહિતના અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ પડયો હતો. જો કે, પશ્ચિમ કચ્છના મોટા ભાગના ગામડાઓ વરસાદથી વંચિત રહ્યા હતા. ચોમાસાના પ્રારંભે મેઘરાજાએ સટાસટી બોલાવતા આ વર્ષે ચોમાસું વહેલું બેસી જાય તેવી આશ જાગી હતી. જો કે, શરૂઆત વરસાદ બાદ મેઘરાજાએ રૂસણા લીધા હોય તેમ મોં ફેરવી લીધું હતું. હાલ અષાઢ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા કચ્છ પર પોતાની અમીદ્રષ્ટિ વરસાવી રહ્યા છે. કચ્છમાં વરસાદની તાલુકા વાઈઝ વાત કરીએ તો જિલ્લા મથક ભુજમાં અત્યાર સુધી સીઝનનો ૧૮પ એમએમ વરસાદ નોંધાઈ ચુકયો છે. જો કે, વરસાદની માત્રા શહેરી વિસ્તારમાં જ વધારે નોંધાઈ છે. તાલુકાના ગામડાઓમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. મુંદરામાં ૧૭૬ એમએમ, નખત્રાણામાં ૧પ૬ એમએમ, ગાંધીધામમાં ૧૧૯ એમએમ, જ્યારે અબડાસામાં ર૬, ભચાઉમાં ૬૩, માંડવીમાં ૬૯, રાપરમાં ૪૯, લખપતમાં ૩૭ એમએમ વરસાદ નોંધાયો છે. કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં એક સામટો વરસાદ વરસવાને બદલે ત્રુટક ત્રુટક વરસાદ નોંધાતા વાવણીમાં મોટી ખાધ વર્તાઈ રહી છે. જિલ્લાના અનેક ગામડાઓમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ જ વરસતા ખેડૂતોને ખરીફ પાકનું બિયારણ ઘરમાં સાચવવાનો વારો આવ્યો છે. આ વખતું વરસાદ સરકારી ચોપડે જયાં નોંધાતું હોય ત્યાં પડી આજુબાજુના ગામડાઓની બાદબાકી કરી દીધી હોય તેવી સુચક ટકોર ખેડૂતો કરી રહ્યા છે. સરકારી આંકડા પાંચ ઈંચ નોંધાશે એટલે જે તે તાલુકામાંથી દુષ્કાળને દેશવટો આપ્યાના કાગળીયા પુરા કરી દેવાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જેઠ માસ કોરો કટ પસાર થયા બાદ અષાઢ માસની શરૂઆતથી શરૂ થયેલી મેઘહેલી મનમુકીને વરસતી ન હોઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું છે. જો કે, પાછલા થોડા વર્ષોથી કચ્છમાં પાછોતરો વરસાદ સંજીવનીરૂપ સાબિત થતો હોય છે. પાછલા બે વર્ષોથી શ્રાવણ અને ભાદરવા માસમાં કચ્છમાં સચરાચર વરસાદ વરસતો હોવાથી ખેડૂતો પાછોતરા સારા વરસાદની આશ સેવીને બેઠા છે. હજુ પણ અષાઢ મહિનો ઘણો ખરો બાકી છે અને હવામાન વિભાગ દ્વારા પણ સારા વરસાદની આગાહી કરાઈ છે તેની સાથોસાથ અમુક વિસ્તારોમાં ભાદરવાના ભૂસાકા વરસી જતા ત્રુટક ત્રુટક વિસ્તારો વાવણી લાયક બનતા જાય છે પરંતુ હજુ તળાવો, ડેમોમાં નવા નીર આવે અને નદી-નાળા છલકાય એવી સ્થિતિ સર્જાઈ રહી નથી ત્યારે કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસે તેવી આશ સેવાઈ રહી છે.