કચ્છમાં સંભવતઃ સોના-ચાંદીની દુકાનો અખાત્રીજ પહેલાં ખુલશે

 


ભુજ અને ગાંધીધામમાં સોના-ચાંદીના વેપારીઓને સરકાર વેપાર કરવાની છૂટ આપશે કે નહીં તે બાબતે દ્વિધા

ભુજ : અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં નવા વેપાર-ધંધા, ઉદ્યોગ અને શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. હજારો લગ્નોના આયોજન થાય સાથે અખાત્રીજને દિવસે સોના-ચાંદી બજારમાં પણ સોનાની ધૂમ ખરીદી થતી હોય છે. અખાત્રીજ માથે આવી ગઈ છે, પરંતુ અખાત્રીજે જ્વેલર્સ પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે કે કેમ ? તેને લઈને સૌ દ્વિધામાં છે. વર્ષ દરમિયાન જ્વેલર્સ જે ધંધો કરતા હોય તેનો ર૦ ટકા ધંધો તો માત્ર અખાત્રીજે થતો હોય છે. જેને લઈને અખાત્રીજ માટે માત્ર કચ્છ જ નહીં, પરંતુ દેશભરમાં જ્વેલર્સ સોના-ચાંદીના દાગીના સહિતનો સ્ટોક કરી દેતા હોય છે. જોકે, ચાલુ વર્ષે કોરોનાની પરિસ્થિતિને કારણે આવી કોઈ જ તૈયારી થઈ શકી નથી. ગત વર્ષે પણ લોકડાઉનને જ્વેલર્સ બંધ રહેતા એક રૂપિયાનું પણ સોનું વેચી શક્યા નહોતા.કોરોનાને પગલે કચ્છના જ્વેલર્સ એસોસિએશને સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કર્યો છે અને સરકારની જાહેરાતને પગલે ૧રમી મે સુધી ભુજ-ગાંધીધામ શહેરના તમામ જ્વેલર્સ બંધ રહેશે. ૧રમી મે પછી સરકાર વેપાર-ધંધા અને દુકાનો ખોલવા માટેની મંજૂરી આપે છે કે કેમ ? તે બાબતને લઈને સૌ કોઈ દ્વિધામાં છે. ૧૪મી મેના રોજ અખાત્રીજ છે, પણ અખાત્રીજના દિવસે દુકાનો ખુલશે કે કેમ તે બાબતને લઈને શહેરના જ્વેલર્સ અવઢવમાં છે.
આ અંગે સોના-ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલ સોનીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર અન્ય શહેરોની સાથોસાથ ગાંધીધામ અને ભુજ શહેરનો શું નિર્ણય લે છે તે પછી મહામંડળની બેઠકમાં દુકાનો ખોલવા બાબતે નિર્ણય લેવાશે. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા સંભવતઃ સોના-ચાંદીની દુકાનો ખુલશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.