કચ્છમાં શિયાળાના આગમનના એંધાણ : સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ

0
17

સૂર્યાસ્ત પણ વહેલો થવા લાગ્યોઃ જો કે હજી એક દોઢ મહિનો મિશ્ર સીઝનનો અનુભવ થશે : માટલાનું પાણી પણ થવા લાગ્યું ઠંડું : નવેમ્બર આરંભથી ઠંડીનું જોર વધશે

ભુજ : કચ્છમાંથી ચોમાસુ વિદાય લેવા ભણી આગળ ધપી રહ્યો છે. મેઘરાજાએ મહેર ઉતારી છે. જળાશયોમાં પાણી હિલોળા લઇ રહ્યા છે. લોકોના હૈયા પણ હરખાઈ રહ્યા છે. છેલ્લા દસેક દિવસથી કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધા સાથે નેઋત્વ ચોમાસુ પરત ખેંચાયો છે. દરમિયાન વહેલી સવારે સામાન્ય ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જો કે બપોરે તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ પહોંચી જતો હોવાના કારણે ગરમીનો અહેસાસ થાય છે.આ અંગેની વિગતો મુજબ રાજયમાં હવે ચોમાસુ વિદાય લેવાનો છે. વરસાદનું જોર સતત ઘટી રહ્યું છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જો ક બપોર ગરમી અનુભવાય રહી છે. મોડી રાત્રે વાતાવરણ ઠંડુ બની જાય છે, જેના કારણે માટલા સહિતના વાસણોમાં રહેલું પાણી પણ ઠંડક પકડી રહ્યો છે. સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. સુર્યાસ્ત પણ વહેલો થવા માંડયો છે. સાંજે ૭ વાગ્યા આસપાસ સુર્યાસ્ત થઇ જાય છે. શિયાળાના આગમનના એંધાણ વર્તાય રહ્યા છે જો કે હજી એક થી દોઢ મહિનો મીશ્ર ઋતુનો અનુભવ થશે સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે બપોરના સમયે ગરમી અનુભવાશે. નવેમ્બર માસના આરંભ અર્થાત દિવાળી બાદ શિયાળો જમાવટ કરશે અને ઠંડીનું જોર વધશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાંથી નેઋત્વ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચુકી છે, પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ વરસવા સાથે હજુ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. પાંચ ઓકટોબર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે તેવી આગાહીના પગલે કચ્છમાં પુનઃ વાતાવરણમાં પલ્ટો આવશે કે કેમ તે જોવાનું રહ્યું