કચ્છમાં શિક્ષકો અને ડોકટરોની ઘટ નિવારવા કરાશે પ્રયાસ : લક્ષ્મણસિંહ સોઢા

જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની સામાન્ય સભામાં સર્વાનુમતે વિધિવત નિયુક્તિ : રરમી જુલાઈએ નવા હોદ્દેદારો સંભાળશે ચાર્જ

ભુજ : કચ્છ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ- ઉપપ્રમુખની વિધિવત વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ સોઢા તેમજ ઉપપ્રમુખ તરીકે નિયતીબેન પોકારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોએ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુદ્રઢ કામગીરી કરવાનો કોલ આપ્યો હતો. જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આજે કલેકટર રેમ્યા મોહન તેમજ ડીઆરડીએના નિયામક પી.આર. જોષીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં કૌશલ્યાબેન માધાપરિયાનો અઢી વર્ષ સુધીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ સોઢા તેમજ ઉપપ્રમુખ તરીકે નિયતીબેન પોકારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વરણી બાદ નવનિયુક્ત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અસરકારક કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને અતરિયાળ કચ્છ જિલ્લામાં શિક્ષકો અને તબીબોની ખાલી પડેલી જગ્યાઓ ભરાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ તેમજ આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ લોકોને સારી રીતે મળે તેની પ્રાથમિકતા રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. તો અગાઉ કૌશલ્યાબેન માધાપરિયાના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન જે રીતે વિકાસકામો વિગવાન બન્યા હતા તેવી જ રીતે દરેક ક્ષેત્રોમાં સમતોલ વિકાસકામો આગળ વધારવાની નેમ નિયુક્ત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ વ્યક્ત કરી હતી. ઉપાધ્યક્ષા તરીકે નિયતીબેન પોકારે પોતાની વરણી બાદ ભાજપ સરકાર દ્વારા ચાલી આવતી અવિરત વિકાસયાત્રાને આગળ ધપાવવા કોલ આપ્યો હતો, તેમજ તેમની વરણી બાદ પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. નવ નિયુક્ત પ્રમુખ – ઉપપ્રમુખને જિલ્લા પંચાયતના ભાજપ – કોંગ્રેસના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. તો આગામી રરમી જુલાઈએ શુક્રવારના નવ નિયુક્ત પ્રમુખ – ઉપપ્રમુખ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળશે. જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં માંડવી- મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રીઓ વલમજી હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, કંકુબેન ચાવડા, અશોક હાથી, જોરવરસિંહ રાઠોડ, બળવંતસિંહ વાઘેલા, દેવરાજ ગઢવી, કાનજીભાઈ કાપડી સહિત રાપર ક્ષત્રિય સમાજના આગેવાનો, વેપારી મંડળના સભ્યો, ઝુરા કેમ્પના સભ્યોએ ખાસ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાન્ય સભામાં કૌશલ્યાબેન માધાપરિયા, ભીમજી જોધાણી, અરવિંદ પિંડોરિયા, નરેશ મહેશ્વરી, છાયાબેન ગઢવી, મનીષાબેન કેશવાણી, પાર્વતીબેન મોતા, નવીન જરૂ, ભાવનાબેન જાડેજા, રસિલાબેન બારી, હરિભાઈ જાટિયા, વિપક્ષીનેતા વી.કે. હુંબલ, કિશોરસિંહ જાડેજા, તકીશા બાવા, રામેશ્વરીબેન ખટારિયા, હઠુભા સોઢા સહિતના સભ્યોએ ઉપસ્થિત રહીને નવ નિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.