કચ્છમાં વિજય રૂપાણી અને યોગી આદિત્યનાથ ૯ સભાઓ ગજાવશે

ગુજરાત ગૌરવ યાત્રાના કચ્છના બે દિવસીય કાર્યક્રમોની વિસ્તાર પુર્વકની માહિતી આપવા જિલ્લા ભાજપે યોજી પત્રકાર પરિષદ

ભુજ : ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે. ત્યારે મતદારોને રીઝવવા માટે ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે. અને આગામી ૧૩ અને ૧૪ ઓક્ટોબરમાં કચ્છમાં ગૌરવ વિકાસ યાત્રા નિકળશે. જે માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૧૩મી ઓકટોબરે સવારે  રાપરથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. અને સવારે દેના બેન્ક ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં યોજાનાર બે દિવસીય ગુજરાત ગૌરવ યાત્રામાં પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય મંત્રી હંસરાજ આહિરે ઉપસ્થિત રહેશે. જ્યારે બીજા દિવસે પશ્ચિમ કચ્છમાં યોજાનાર સભાઓ અને સ્વાગતમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય શિપીંગમંત્રી મનસુખ માંડવીયા સહિતના રાજકિય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. બે દિવસ દરમિયાન પુર્વ અને પશ્ચિમ કચ્છમાં ૬ વિધાનસભા સીટ પર ૯ જેટલી સભાઓ યોજાશે. જ્યારે ૧૩ જગ્યાએ ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. પ્રથમ દિવસે રાપર, સામખિયાળી, ગાંધીધામ, અંજાર અને ભુજમાં તબક્કાવાર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા દિવસે ૧૪મી ઓક્ટોબરે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય શિપીંગ મંત્રી મનસુખ માંડવીયા ૩ જેટલી સભાઓ સંબોધશે. જેમાં પ્રથમ સભા નખત્રાણા મનજીબાપાના વંડામાં યોજાશે. જ્યારે બીજી સભા ગઢશીશા હાઈસ્કુલમાં યોજાવાની છે. જ્યારે સાંજે સાડા પાંચ વાગ્યે માંડવી જી.ટી. હાઈસ્કુલ પાસે આવેલ તળાવ સામે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત ગૌરવ યાત્રાનું મુંદરાના શાસ્ત્રી મેદાનમાં સમાપન થશે. અને ત્યાં પણ યોગી આદિત્યનાથ સભા સંબોધશે.  આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સંસદીય સચિવ વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજી હુંબલ, અનિરૂદ્ધ દવે, મીડિયા કન્વિનર ઘનશ્યામ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.