જાગૃતતાના અભાવે અને અજ્ઞાનતાના લીધે ખેડૂતો તલાટી પાસે વાવેતર લખાવતા ન હોવાથી ઓફિસોમાંથી જ લીટા તાણી લગાવી દેવાય છે અંદાજ : સાચા વાવેતરના આંકડાથી ભવિષ્યમાં ઉત્પાદનનો અંદાજ સાચો આવી શકે, વેપારીઓ વેપારની ગોઠવણ કરી શકે અને ખેડૂતો પણ કયારેક ખોટા આંકડાથી થતાં નુકશાનથી બચી શકે છે : સરકાર કૃષિક્ષેત્રે નવા કાયદાના અમલીકરણ માટે જમીન-આસમાન એક કરી રહી છે પરંતુ દેશમાં કેટલા પાકની કેટલી વાવણી થઈ છે તે મુદ્દે કોષો દુર

(બ્યુરો દ્વારા)ભુજ : ખેતી પ્રધાન દેશ ભારતમાં આજે ટેકનોલોજીના વિકાસ વચ્ચે પણ અનેકક્ષેત્રે માત્ર અંદાજો અને અનુમાનોથી ગણીત કરી લેવાય છે. ભારતનું હવામાન ખાતું વરસાદની આગાહીમાં જે અન્ય દેશોની ટેકનોલોજીને આગળ ધરી અનુમાનો જારી કરી દે છે તેવું જ ચિત્ર દરેક સીઝનમાં ખેતીના વાવેતરના આંકડામાં અપનાવી દેવામાં આવે છે. હાલ ચોમાસાની સીઝન ચાલુમાં છે. કચ્છ સહિત રાજ્યભરમાં વાવેતરના આંકડા સરકાર દ્વારા અવારનવાર જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ ખેડૂતોમાં જાગૃતતાનો અભાવ અને અજ્ઞાન હોવાથી જે તે ગામના તલાટી પાસે વાવેતરનું વિસ્તાર લખાવતા ન હોવાથી તલાટી – અધિકારીઓ દ્વારા ઓફિસોમાંથી જ વાવેતરના આંકડા અનુમાન લગાવી પુરા કરી લેવાય છે જે આંકડા વાવેતરની વાસ્તવિકતાથી કોષો દૂર હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ સહિત દરેક જિલ્લામાં ખેતીવાડી અધિકારી, જંતુનાશક દવાના અધિકારી, ગામ દીઠ ગ્રામસેવક સહિત અનેક વિભાગો કૃષિક્ષેત્રની દેખરેખ માટે સરકાર દ્વારા નિયુક્ત કરાયા છે. હા, એમાં અમુક લોકો ચાર્જમાં હોય, અમુક જગ્યાઓએ સ્ટાફની ઘટ હોય પરંતુ જયાં સરકારી તંત્ર ૧૦૦ ટકા ભરાયેલો હોય ત્યારે પણ ખેતી ઉપજનું સાચો આંકડો જાહેર થતો નથી જે કૃષિ પ્રધાન દેશ ભારતની કમનસીબી છે.આ અંગેની વિગતો મુજબ વાવેતરના આંકડા અને અંદાજીત ઉત્પાદનમાં કાયમ સાચા- ખોટા આંકડાની બબાલ ઉભી થતી હોય છે. જો કે એક સૌ ટચની વાત કરીએ તો કોઈ ખેતરે જઈ, કૃષિ અધિકારીએ ખેડૂતને પુછીને વાવેતરના આંકડા લખ્યા હોય, એવું કયાંક ભાગ્યે જ જોવા મળ્યું હશે. મોટાભાગના આંકડાનો તાલ-મેલ ઓફિસોમાં જ બેસીને થતો હોવાની ફરિયાદો કાયમ ઉઠતી હોય છે. તો પણ એટલું સારૂ છે કે દરેક સિઝન વાવેતરના આંકડા રાજ્ય સરકારનું કૃષિ ખાતું અપડેટ કરતું રહે છે.એક વેપારીએ કહ્યું હતું કે ખુદ ખેડૂતોએ એનું વાવેતર પૂર્ણ થયા પછી નિશ્ચિત તારીખ દરમિયાન તલાટીમંત્રીને બે નકલમાં જે તે કરેલ વાવેતરની લખી આપવું, એક નકલમાં સહી અને સિક્કો લગાવી પાછી લઈ લેવી અને બીજી નકલ સરકારી દફતરે રહે.જો આમ કરવામાં આવે તો સાચા વાવેતરનો અંદાજ મેળવી શકાશે. સાચા વાવેતરના આંકડાથી ભવિષ્યમાં ઉત્પાદનનો અંદાજ સાચો આવી શકે, વેપારીઓ વેપારની ગોઠવણ કરી શકે અને ખેડૂતો પણ કયારેક ખોટા આંકડાથી થતાં નુકશાનથી બચી શકે છે. ટેકાની ખરીદીના રજીસ્ટ્રેશન વખતે પાછી લીધેલી નકલ જ વાવેતરનો દાખલો બની જશે.સરકારે આ બાબતનું ફિકસ ફોરમેટ એકદમ સરળ રીતે ગુજરાતીમાં તૈયાર કરી આપવું જોઈએ. આ પધ્ધતિ પર કામ કરવામાં આવે તો ઘણી બબાલો હળવી પડી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો દ્વારા નિગમમાંથી રાહત દરે ખરીદાતા બિયારણ અને છુટક બજારમાંથી ખરીદાતા બિયારણો પરથી સરકાર વાવેતરના આંકડા તારવી વાવેતરનું વિસ્તાર અને કયા પાકની કેટલા હેકટરમાં વાવણી કરવામાં આવી છે તેનું અંદાજ લગાવાય છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં મોંઘાદાટ બિયારણના ભાવમાંથી છુટકારો મેળવવા નાનો અને સિંમાત ખેડૂત પોતાની ખેતપેદાશોમાંથી સારી ગુણવતાનું બિયારણ અલગ તારવી તેની વાવણી કરી લે છે, જેથી સરકાર અને છુટક બજારમાંથી ખરીદાતા બિયારણ પરથી જ વાવણીનું અંદાજ લગાવાય છે જે વાસ્તવિકતાથી યોજનો દૂર છે

ગૌચર-પડતર જમીનો પર કેટલું વાવેતર ?
ભુજ : પાછલા થોડા વર્ષોથી ખેડૂતો દ્વારા હજારો હેકટર ગૌચર અને પડતર જમીનો પણ ખેડી નાખી ખેતી કરવામાં આવી રહી છે. જે ખેતપેદાશોની ઉપજના અનુમાનમાં આવી પેદાશો મોટો તફાવત સર્જી રહી છે. જેથી માત્ર સરકારી આંકડા અન્વયે ખેતપેદાશોના વાવેતર અને ઉત્પાદનના આંકડા પરથી બજારમાં ભાવની વધઘટ નક્કી થતી હોય છે પણ સાચો વાવેતર અને ઉત્પાદનનો આંક સિધ્ધ થઈ શકતો ન હોવાથી સાચા ખેડૂતોને ખેત પેદાશોના ભાવમાં મોટી નુકશાની વેઠવાનો વારો આવે છે. સરકારી જમીન અને ગૌચરની બાજુમાં અમુક જમીન ધારકો પોતાની માલિકીની જમીન ઉપરાંત જમીન ખેડી નાખી વાવેતર કરી નાખે છે, તેનો આંકડો પણ બહુ મોટો છે. હાલ ભુજ તાલુકાના બન્ની વિસ્તાર, સુમરાસર, લોરિયા, નખત્રાણા તાલુકાના મોટા ગામડાઓ, લખપતમાં જંગલ ખાતાની જગ્યાઓ, માંડવી, મુંદરા, અંજાર સહિત, વાગડ પંથકમાં પણ આ જ પદ્ધતિથી વાવેતર કરવામાં આવી રહ્યું છે.