કચ્છમાં વર્ષાંતે ગ્રામ્ય સુકાનીઓની ચૂંટણીનો જંગ

ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં અંદાજે ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતોની વર્તમાન બોડીની મુદ્દત થાય છે પૂર્ણ : કચ્છની ૬૩ર ગ્રામ પંચાયતો પૈકી અંદાજે ૪પ૦ ગ્રામ પંચાયતોની યોજાઈ શકે છે ચૂંટણી : ચૂંટણી જંગ માટે કોરોનાની સ્થિતિ પર છે અંતિમ મદાર : ગ્રામ્ય પંથકમાં વરસાદની હેલી વચ્ચે રાજકીય ગરમાવો

ભુજ : કોરોનાની બીજી લહેરમાંથી લોકો બહાર આવ્યા છે ત્યારે જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. સરકારી નિયંત્રણો પણ હળવા થઈ રહ્યા છે ત્યારે હવે ફરી રાજ્યમાં ચૂંટણીનો જંગ જામે તેવા એધાણ દેખાઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ગાયબ થયેલા ‘સરકારી’ કોરોનાએ ચૂંટણી બાદ માર્કેટમાં એન્ટ્રી કરતા જનજીવન પર ભારે અસર પડી હતી. કારણ કે, એક તરફ જીવન-મરણ વચ્ચેના ઝોલા બીજી તરફ લોકડાઉનના કારણે આર્થિક તંગીનો લોકોએ સામનો કર્યો હતો. હાલમાં જ્યારે કોરોના હળવો થયો છે ત્યારે ફરી રાજકારણનો મુદ્દો ગરમાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આંતરિક સળવળાટ તેજ બન્ય છે.આ અંગેની વિગતો મુજબ પંચાયતી રાજના ત્રણ માળખા છે.જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. તાજેતરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ હતી. જેથી હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં એક અંદાજ પ્રમાણે ૧૪ હજાર જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાં અંદાજે ૧૦,૩૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે. કચ્છ જિલ્લો ગામડાઓથી વરેલો જિલ્લો છે. ગામડામાંથી તાલુકા અને તાલુકામાંથી જિલ્લાની રચના થઈ છે. કચ્છમાં કુલ ૬૩ર જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે. આ પંચાયતોમાં કુલ ૯૦૦ જેટલા ગામડાઓ અને વાંઢો આવેલી છે. મોટા ભાગની ગ્રામ પંચાયતોના સુકાનીઓની મુદ્દત પૂર્ણ થઈ રહી છે ત્યારે આગામી ડિસેમ્બર મહિનામાં રાજ્યની સાથે કચ્છમાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાના સંજોગો જોવા મળી રહ્યા છે.
હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણી પણ સ્થગીત રાખી દેવાઈ છે. જાહેર અને રાજકીય કાર્યક્રમો બંધ છે. લગ્ન પ્રસંગમાં પ૦ વ્યક્તિને મંજૂરી છે. આવા સમયે ચૂંટણીના કોઈ અણસાર જોવા મળતા નથી, પરંતુ જો ત્રીજી લહેર ન આવે અને કોરોના કાબૂમાં રહે તો જ ચૂંટણી યોજાઈ શકે છે. વર્તમાનની જેમ રાબેતા મુજબની સ્થિતિ લાંબા સમય સુધી રહે તો જ ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્યથા સ્થાનિક સ્વરાજ્યની જેમ મુદ્દતમાં આંશિક વધારો પણ થઈ શકે છે.આ બાબતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશ છાંગાએ જણાવ્યું કે, જિલ્લામાં કુલ ૬૩ર ગ્રામ પંચાયતો આવેલી છે. જે પૈકી ૪પ૦ જેટલા ગ્રામ પંચાયતોની વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થતી હોવાથી ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે. જોકે, કોવિડની સ્થિતિના કારણે ચૂંટણી યોજવી કે કેમ તેનો અંતિમ નિર્ણય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા લેવાશે.