કચ્છમાં ર.૮પ લાખ કાર્ડધારકોને ત્રણ માસમાં ૧.૮પ કરોડ કિલો ઘઉં અને ૮૪ લાખ કિલો ચોખાનું વિતરણ

એપ્રીલથી જૂન મહિના દરમ્યાન અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુુટુંબોને પુરવઠા વિભાગ દ્વારા અપાયું અનાજ : પુરવઠા વિભાગની આંકડાકીય માહિતી સામે ગ્રાઉન્ડ લેવલે થતા વિતરણમાં શંકા – કુશંકા

ભુજ : રાજય સરકાર દ્વારા દર મહિને રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીને સસ્તા દરે અનાજનું વિતરણ કરવામાં આવે છે. કચ્છમાં પણ દર મહિને સસ્તા અનાજની દુકાનો પર લાભાર્થીઓ રાશનનો લાભ લઈ રહ્યા છે. જિલ્લામાં કુલ્લ ર,૮પ,૦૧૭ કાર્ડધારકો દર મહિને વ્યાજબી ભાવની દુકાનેથી ઘઉં અને ચોખા મેળવે છે. જિલ્લામાં દર મહિને કેટલું અનાજ વિતરણ થાય છે તે જાણવા કચ્છઉદયની ટીમે પ્રયાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, વિતેલા ત્રણ મહિનામાં જિલ્લામાં ૧.૮પ કરોડ કિલો ઘઉં અને ૮૪ લાખ કિલો ચોખાનું વિતરણ રેશનીંગની દુકાનો પરથી થયું છે. જો કે પુરવઠા વિભાગે આપેલી આંકડાકીય માહિતી સામે ગ્રાઉન્ડ લેવલ વિતરણ થતા અનાજમાં અનેક શંકા – કુશંકા અને પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં કુલ્લ ૬૬પ જેટલી વ્યાજબી દુકાનો આવેલી છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ર૦૧૩ હેઠળ જિલ્લામાં જૂન ર૦ર૧ની સ્થિતિએ અંત્યોદય એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતા કુલ્લ ર૬૬૦૯ કાર્ડ અને તેની જન સંખ્યા ૯૭૯૪૯ છે. જ્યારે અગ્રતા ધરાવતા એટલે કે એનએફએસએના રપ૮૪૦૮ કાર્ડધારકો જેની સંખ્યા ૧ર૪૯૬૦૦ છે. સરકાર દ્વારા દર મહિને જે અનાજનો વિતરણ કરવામાં આવે છે. જેના પેટે વ્યાજબી ભાવ લેવામાં આવે છે. અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ ર૦ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, પાંચ કિલો બાજરી અને એક કિલો તુવેરદાળ મળે છે. જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં, ૧.પ કિલો ચોખા, ૧.પ કિલો બાજરી અને ૧ કિલો તુવેરદાળ અપાય છે. આ અનાજ વિતરણમાં ઘઉં બે રૂપિયે કિલો, ચોખા ત્રણ રૂપિયે કિલો, બાજરી એક રૂપિયે કિલો અને તુવેરદાળ ૬૧ રૂપિયે કિલો વિતરણ કરવામાં આવે છે. પરંતુ અમુક દુકાનોમાં તુવેરદાળનો જથ્થો હોતો જ નથી. ઘણા સ્થળોએ તો કાર્ડ ધારકને અનાજ ન મળ્યું હોય તો પણ સરકારી ચોપડે અનાજ આપી દેવાયું તેની વિગતો દર્શાવી કોષ્ટક પૂર્ણ કરવામાં આવતા હોય છે.ભુજમાં ચેકીંગ દરમ્યાન આ પ્રકારના કિસ્સા સામે પણ આવી ચુકયા છે. દર મહિને એનએફએસએ અંતર્ગત અનાજનું વિતરણ તો થાય છે. પરંતુ મે મહિનાથી પ્રધાનમંત્રીની જાહેરાત અન્વયે વધારાના નિઃશુલ્ક અનાજનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. જેથી લાભાર્થીઓને જેટલું અનાજ દર મહિને મળતું હતું તે હવે બમણું મળી રહ્યું છે જેનો લાભ દિવાળી સુધી મળવાનું છે.

સડેલા ઘઉંનું વિતરણ ગરીબ વર્ગની મશ્કરી સમાન…!

સરકારી ઘઉંની રોટલી બનાવી પુરવઠા અધિકારી – નેતાઓને ખવડાવો તો ગુણવત્તાની ખબર પડે..!

ભુજ : સરકાર દ્વારા રાહત દરે જે અનાજ વિતરણ કરવામાં આવે છે તેની ગુણવત્તા મુદ્દે સતત સવાલો ઉઠતા હોય છે. અવારનવાર ફરિયાદો થઈ છે, છતાં ભીનું સંકેલાઈ જાય છે. રેશનીંગની દુકાનેથી વિતરણ થતા ઘઉંના જથ્થામાં ઘણીવાર કાંકરીઓ, ઘઉં કરતા કચરો વધારે હોય છે, તો ઘણી વખત સડી ગયેલા ઘઉં ધાબડી દેવાય છે. ઘણી વખત જાગૃતો દ્વારા વીડિયો બનાવી લોકો સમક્ષ રજૂ કરાય છે છતાં સરકારની આંખ ઉઘડતી નથી. નાછૂટકે ઘણા પરિવારો સરકારી ઘઉં આરોગી પણ લે છે જે તેમની મજબૂરી છે.ઘણા પરિવારો સરકારી ઘઉં સાથે બજારમાંથી ખરીદાયેલા ઘઉં મીકસ કરીને લોટ બનાવે છે. તો એક વર્ગ એવો છે કે, પોતાના હક્કનું સરકારી અનાજ લઈ જરૂરીયાત મંદને આપી દે છે. અમુક લોકો આ અનાજ પ્પંખીઓને ચણ અથવા તો ઢોર – ઢાંખરને પણ ખવડાવી દે છે. મોટા મોટા સમારોહ અને મીટીંગો બાદ લંચ અને ડીનરમાં ફાઈવ સ્ટાર હોટલનું ખાણું સરકારી પૈસે આરોગતા અધિકારીઓ અને નેતાઓને સરકારી ઘઉંની રોટલી બનાવીને ખવડાવી જોઈએ ત્યારે તેમને ગુણવતાની ભાન પડશે, તેવો આક્રોશ પણ ભોગગ્રસ્તો ઠાલવી રહ્યા છે.