કચ્છમાં રો-રો ફેરી સર્વિસના ઉજળા સંજોગોઃ કંડલાની ફાજલ જમીનમાં સેવા કરાય શરૂ

૧૬ નંબરની બર્થની બાજુમાં રો-રો માટે અલાયદી બર્થ ઉભી કરવી શકાય,તુણાની ફાજલ જમીનનો ઉપયોગ પણ થાય અને નુકસાની વિના વિસ્તારનો થાય વિકાસ : પ્રબુદ્ધવર્ગનો મત

ગાંધીધામ : કેન્દ્ર સરકાર અને નીતિનભાઈ ગડકરી દરીયાઈ વેપાર-વાણિજય તથા પરિવહનને વેગ આપવાની દીશામાં આધુનિક ઢબે રોડમેપ બનાવી અને આગળ વધી રહ્યા છે જેમાં માર્ગ પર અકસ્માતો ઘટવા, ખર્ચા ઘટાડવા સહિતના હેતુસર રો-રો ફેરી સર્વીસને પણ મહત્વ આપી રહ્યા છે ત્યારે વિશાળ દરીયાઈ ક્ષેત્ર ધરાવતા કચ્છ જિલ્લામાં પણ આવી રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાના ઉજળા સંજોગો છે. જરૂર છે તો જવાબદારોના દ્રષ્ટીકોણ અને ઈચ્છાશકિતની. જો આમ થાય તો અર્થતંત્રને પણ નવો પ્રાણ મળી શકે તેવી સંભાવનાઓ પણ નકારી ન શકાય.હાલ રાજ્યમાં ઘોઘા- દહેજ રો- રો ફેરી કાર્યરત છે. દરિયાઈ માર્ગે પરિવહન અને માલની આયાત નિકાસ માટે રો- રો ફેરી સાચા અર્થમાં કારગત સાબિત થઈ રહી છે. કચ્છમાં મુખ્ય બે બંદરો અને વિશાળ દરિયા કિનારો આવેલો છે. આવા સંજોગોમાં કચ્છમાં રો – રો ફેરી સેવાના ઉજળા સંજોગો છે. પરંતુ આ સેવા શરૂ કરવા ઉત્સાહનો દોરી સંચાર જોવા મળતો નથી. જાણકારોના જણાવ્યા પ્રમાણે કંડલામાં રો- રો ફેરી સેવા આરામથી શરૂ થઈ શકે તેમ છે. હાલમાં કંડલા પોર્ટ પર ૧૬ નંબર સુધી બર્થ આવેલી છે. તેની બાજુમાં તુણા સુધી કંડલા પોર્ટની જમીન ખાલી પડી છે. જો ૧૬ નંબરની બાજુમાં રો – રો ફેરી માટે બર્થ ઉભી કરાય તો રો- રો ફેરી સેવા શરૂ થાય તેમજ તુણાની જે જમીન ફાજલ પડી છે, તેનો પણ સદ્દઉપયોગ થાય. આ વિસ્તારમાં લોકોની અવર જવર ન હોવાથી કોઈને પણ નુકસાન થાય તેમ નથી તેમજ તુણાનો પાછલો રસ્તો વાહન વ્યવહારથી કનેકટ થશે. જેથી વાહનોની અવર જવર પણ વધવા પામશે. કંડલામાં આ સ્થળે રો- રો ફેરી સેવા શરૂ થાય તો અનેક લાભ મળી શકે તેમ છે. ત્યારે ઈચ્છા શક્તિ અપનાવી જવાબદારો આ દિશામાં કામ કરે તે જરૂરી છે.