કચ્છમાં રોગચાળાની ‘સજા’ના ડાકલાં વાગવા લાગતાં નવી ચિંતા જન્મી

  • જન્માષ્ટમીની રજામાં મજા માણી લીધા બાદ હવે

સરકારે ગળું ફાડી ફાડીને કરેલી અપીલની કોઈ જ અસર ન દેખાઈ, માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સના નિયમો નેવે મુકાયા : મોટી સંખ્યામાં લોકો તરોતાજા થઈને ફરવા ઉપડ્યાતા : રજાને કારણે કરેલા ઉજાગરાએ પણ અનેકની તબિયત બગાડી નાખી : લોકોએ રજાઓનો બિન્દાસ્ત આનંદ ઉઠાવ્યોઃ ડેંગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ સહિતના રોગ પણ ‘ઉપાડો’
લેવા લાગ્યા : કોરોના સ્પ્રીંગની જેમ ન ઉછળે તે જોવું પણ જરૂરી

(બ્યુરો દ્વારા) ભુજ : કચ્છીજનો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા તે જન્માષ્ટમીના તહેવારો જે ઝડપે આવ્યા એટલી જ ઝડપે પૂર્ણ પણ થઈ ગયા છે. જો કે આ વખતની જન્માષ્ટમી હરવા-ફરવાના શોખીનો માટે ખાસ બની ગઈ હતી કેમ કે આ લોકો છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે બહાર જઈ શક્યા નહોતા. જોગાનુજોગ જન્માષ્ટમી પહેલાં જ કોરોનાની બીજી લહેર શાંત પડી જતાં ‘દોડવું હતુંને ઢાળ મળી ગયો’ની જેમ મોટી સંખ્યામાં બહાર ફરવા નીકળી પડ્યા હતા. એકંદરે મોટી સંખ્યામાં લોકોએ જન્માષ્ટમીની ‘રજા’ માણી લીધા બાદ હવે રોગચાળાની ‘સજા’ના ડાકલાં વાગવા લાગતાં નવી ચિંતા જન્મી ગઈ છે.જન્માષ્ટમીની રજા શનિવારથી જ પડી ગઈ હોવાને કારણે લોકોએ ત્રિદિવસીય ‘મિનિ વેકેશન’ માણવાનો પ્લાન બનાવી લીધો હતો અને તે પ્રમાણે તરોતાજા થઈને ફરવા પણ ઉપડી ગયા હતા. તહેવારો ટાંકણે જ વરસાદનું પણ આગમન થતા બેવડી ઋતુને બદલે ત્રેવડી ઋતુ એક સાથે અનુભવાઈ રહી છે. દિવસના ભાગે ગરમી, વરસાદી ઝાપટા અને વહેલી પરોઢે ફુલગુલાબી ઠંડીના લીધે રોગચાડાએ ભરડો લીધો છે. બીજી બાજુ હરી-ફરીને હવે પરત આવી ગયા બાદ હવે શરદી-ઉધરસ અને તાવનો રોગચાળો લઈને આવતાં હોવાને કારણે વાયરલ ઈન્ફેક્શનના મોટી સંખ્યામાં કેસો મળવાનું શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત બે-ત્રણ અને ચાર દિવસની રજાને કારણે દિવસે સૂવા અને રાત્રે જાગવા ટેવાયેલા લોકોએ ઉજાગરા કર્યા હોવાને કારણે તેમની તબિયત બગડવા લાગી છે અને અત્યારે હોસ્પિટલો તેમજ ખાનગી ક્લિનિકો ઉપર છીંક-ઉધરસ ખાતાં દર્દીઓ જોવા મળી રહ્યા છે.બીજી બાજુ કોરોના ઘટવા લાગતાં સરકાર દ્વારા હરવા-ફરવા માટે અનેક છૂટછાટો આપવામાં આવી હતી. સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાની પણ ગળું ફાડી ફાડીને અપીલ કરવામાં આવી હતી પરંતુ લોકોએ રજાઓનો આનંદ બિન્દાસ્ત માણ્યો હોવાને કારણે આ રોગનો વિસ્ફોટ થવાની શક્યતાઓ તો સેવાઈ જ રહી છે સાથે સાથે ડેંગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ સહિતના રોગે પણ ઉપાડો લીધો છે.દરમિયાન હજુ પણ અનેક લોકો શનિવાર અથવા રવિવારે ફરતા હોવાને કારણે રોગચાળાની માત્રા અને તાસીર બન્નેમાં ફેરફાર થવાની સંભાવના નિષ્ણાત ડૉક્ટરો સેવી રહ્યા છે. સૌથી મોટી ચિંતા એ છે કે છેલ્લા બે-એક મહિનાથી ધરબાઈને બેસી ગયેલો કોરોના રજાઓમાં લોકોએ માણેલી મજાને કારણે સ્પ્રીંગની જેમ ઉછળી ન જાય…! જો આમ થશે તો સ્થિતિ બગડતાં ક્ષણભરનો વિલંબ નહીં લાગે અને રજાઓમાં લોકોએ ભૂલેલા નિયમોનું માઠું પરિણામ અત્યારે અનેક રાજ્યો ભોગવી પણ રહ્યા છે. ખાસ કરીને જિલ્લાના શહેરી તેમજ બહાર આવેલી હોટેલો, રેસ્ટોરન્ટો અને ઢાબાઓમાં ગણ્યા ગણાય નહીં એટલા માણસો ભોજન માટે પહોંચી ગયા હતા. તો અનેક લોકો જિલ્લા બહાર પણ ફરવા ગયા હતા જેથી રોગચાળો અને લોકો વચ્ચેનું અંતર બહુ ઢુકડું થઈ ગયાનું પ્રબુદ્ધ લોકો માની રહ્યા છે.