કચ્છમાં રેમડેસીવીર- ઓક્સિજન સંદર્ભે તંત્રની તપાસથી ફફડાટ

પુરતા પ્રમાણમાં જથ્થો જળવાઈ રહે તે માટે સપ્લાયરોને કરાઈ તાકીદ : કાળા બજારી કરનારાઓ હવે આવશે સાણસામાં

ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર કચ્છ માટે પણ ઘાતક સાબિત થઈ રહી હોઈ જિલ્લામાં પોઝિટીવ કેેસનો આંક ઉચકાઈ રહ્યો છે. ક્રીટીકલ દર્દીઓ પણ વધી રહ્યા હોઈ રેમડેસીવીર ઈન્જેકશન તેમજ ઓક્સિજનની માંગ પણ વધી છે, ત્યારે કયાંય પણ કાળા બજારી ન થાય તે માટે તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરાતા ફફડાટ ફેલાયો છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છમાં કોરોનાનું સંક્રમણ શહેરોની સાથો સાથ ગ્રામ્ય પંથકોમાં પહોંચી ગયું હોઈ પોઝિટીવ કેસનો આંક સતત ઉચકાતો જઈ રહ્યો છે. હોસ્પિટલો પણ દર્દીઓની ભીડથી ઉભરાઈ રહ્યા છે. દર્દીઓની વધી રહેલી સંખ્યાની સાથોસાથ રેમડેસીવીર ઈન્જેકશન અને ઓક્સિજનની માંગ પણ ઉંચકાઈ છે. જિલ્લામાં રેમડેસીવીર ઈન્જેકશનની તંગી છે. ઓક્સિજનની સ્થિતિ હાલે નોર્મલ છે, પરંતુ આવનારા દિવસોમાં પણ કોઈ કટોકટી સમાન સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરાતા વધુ કિંમત વસૂલનારા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લામાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલની મંજુરી પ્રક્રિયા ઝડપી બનાવાય તે જરૂરી બન્યું છે. વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચેકિંગથી નોન કોવિડ હોસ્પિટલના જવાબદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.