કચ્છમાં રેમડેસિવીર ઈન્જેક્શનની તંગી : કોરોનાના ક્રિટીકલ દર્દીઓ પરેશાન

Syringe, medical injection in hand, palm or fingers. Medicine plastic vaccination equipment with needle. Nurse or doctor. Liquid drug or narcotic. Health care in hospital.; Shutterstock ID 319466393

સરકારી કોવિડ હોસ્પિટલોમાં તો જથ્થો પહોંચી રહ્યો છે પરંતુ બજારમાં અપુરતા જથ્થાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા વ્હાલાઓમાં દોડધામ

(બ્યુરો દ્વારા) ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક સાબિત થઈ રહી હોઈ પોઝિટીવ દર્દીઓનો આંક વઘવાની સાથોસાથ મૃત્યુઆંકમાં પણ ઉછાળો આવી રહ્યો છે. દેશના અન્ય રાજ્યોની સાથોસાથ ગુજરાતમાં પણ સ્થિતિ દિન પ્રતિદિન વિકટ બનતી જઈ રહી હોઈ મહાનગરોમાં તો હોસ્પિટલોમાં દર્દીઓની ભીડના લીધે હાઉસફુલના પાટિયા ઝુલી રહ્યા છે. કોરોના વાયરસ ઘાતક સાબિત થઈ રહ્યો હોઈ રેમડેસિવિર ઈન્જેક્શનની માંગમાં પણ એકાએક ઉછાળો આવતા રાજયના મહાનગરોમાં તો ઈન્જેક્શન લેવા માટે હોસ્પિટલની બહાર કિલોમીટર લાંબી લાઈનો લાગેલી દેખાઈ રહી છે. કચ્છમાં આ ઈન્જેકશનની તંગી હોઈ કોરોનાના ક્રિટીકલ દર્દીઓ પરેશાન બન્યા છે. સિવિલ સર્જન ડો. કશ્યપ બુચનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, સરકારી તેમજ કોરોના માટે સરકાર દ્વારા અન્ડર ટેકીંગ થયેલ હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપવા માટે અમે બંધાયેલા છે. ગઈકાલે જ ૬૦૦ જેટલા ઈન્જેક્શનો કચ્છમાં આવ્યા છે. અમારા દ્વારા ૭ થી ૮ હજાર જેટલા ઈન્જેક્શનો ફાળવવા માટે માંગણી કરાઈ છે. જો કે, બે ત્રણ દિવસે પ૦૦ થી ૬૦૦ જેટલા ઈન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવે છે. અમારી કક્ષાએથી જીએમએસસીએલ એટલે કે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને મેઈલ દ્વારા ડિમાન્ડ કરવામાં આવે છે. જયાંથી મંજૂરી મળ્યા બાદ નરોડા વેરહાઉસ ખાતેથી મળતા હોઈ સ્થાનીકેથી ટીમ ત્યાં જઈ ઈન્જેક્શનનો જથ્થો લઈ આવે છે. જી. કે. જનરલ ઉપરાંત માંડવી, અંજાર, ગાંધીધામની સરકારી હોસ્પિટલ તેમજ કોરોના માટે સરકાર દ્વારા અન્ડર ટેકીંગ થયેલી હોસ્પિટલોમાં જથ્થો ફાળવવામાં આવે છે. કચ્છ કેમીસ્ટ કાઉન્સીલના કિરીટભાઈ પલણનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, ગત સપ્તાહે ટેબલેટ તેમજ ઈન્જેક્શનની ભારે તંગી હતી. જો કે, બે ત્રણ દિવસથી સ્થિતિમાં સુધારો આવ્યો છે. ટેબલેટ હવે પુરતા પ્રમાણમાં છે પરંતુ ઈન્જેક્શનની તો હજુય તંગી છે. ભુજના સંદર્ભમાં તેમણે કહ્યું કે, શહેરમાં ૩૦૦ થી ૪૦૦ જેટલા ઈન્જેક્શનોની દૈનિક જરૂરીયાત છે તેની સામે ૩૦ થી ૪૦ જેટલા ઈન્જેકશનો જ મળી રહે છે. આઠ કંપનીઓ રેમડેસિવિર બનાવે છે. પરંતુ તે માટેનું રો મટેરીયલ એક જ કંપની બનાવતી હોઈ તંગી સર્જાઈ છે. આવતા સપ્તાહથી ઈન્જેક્શનનો સપ્લાય વધે તેમ હોઈ તે બાદ સ્થિતિ થાળે પડે તેવી સંભાવનાઓ છે.

રેમડેસિવીર મુદ્દે સંકલનનો અભાવ :૧ દર્દીને છના બદલે દૈનિક જથ્થો આપો
ગાંધીધામ : રેમડેસિવીર ઈન્જેકશનનો જથો આવી રહ્યો છે, સરકાર સમાતર રીતે પુરો કરવા મથી રહી છે પણ સંકલનનો અભાવ અને આડેધડ વિતરણના લીધે આ અછત દેખાતી હોવાનુ સામે આવી રહ્યુ છે. હકીકતમાં એક દર્દીને છ ડોઝની જરૂરીયાત હોય છે, તો એકસાથે આપી દેવાના બદલે દૈનિક જથ્થા પુરા કરવમાં આવે તો સાચા જરૂરીયાત લોકો સુધી આ ઈન્જેકશન સમયસર ઉપલબ્ધ બની શકે તેમ છે.