કચ્છમાં રેમડીસીવીર ઈન્જેકશનની ધૂમ કાળાબજારી

કોરોના પોઝિટીવ દર્દીને બ્લડ કાઉન્ટ વધારવા અને ઓક્સિજન લેવલ મેન્ટેન કરવા ફરજીયાત છ ડોઝ લેવા પડે : રપ૦૦થી ૩૦૦૦ ની કિંમતનું ઈન્જેક્શન પપ૦૦થી ૮૦૦૦માં વેચાતું હોવાનો ઘટસ્ફોટ : અછતનો લાભ લઈ અમુક મેડિકલ સ્ટોર દ્વારા દર્દીઓ પાસેથી ખંખેરાય છે નાણા : અંધારામાં રહેલું વહીવટી તંત્ર કયારે જાગશે ? ભુજ વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ અંગે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રા ત્યજે

ભુજ : છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ સાથે ભારત દેશને કોવિડ-૧૯એ ભરડામાં લીધો છે. તેવા સમયમાં રોજ હજારોની સંખ્યામાં લોકો ગુજરાત રાજ્યમાં કોરોના દર્દથી સંક્રમીત થાય છે. હાલ કોવિડ-૧૯ના સમયમાં સમગ્ર દેશના લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે તેવા સમયમાં કયાંક કોરોના દર્દનો ભય બતાવી અમુક લોકો લૂંટફાટ પણ ચલાવી રહ્યા છે. કોવિડ-૧૯ સમયમાં વાત કરીએ ભુજ શહેરની તો એક બાજુ કોરોના વોરિયર્સ દિવસ-રાત જોયા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે તો બીજી બાજુ ઘણા લોકો કોરોના બિમારીના ડરનો ફાયદો દર્દીઓ પાસેથી ઉઠાવી રહ્યા છે. જાગૃત નાગરીક અધિકાર મંચના જણાવ્યા પ્રમાણે કોવિડ-૧૯ના દર્દીઓમાંથી ઘણા દર્દીઓને બ્લડના કાઉન્ટ તથા ઓક્સિજન લેવલ વધારવા માટે ‘‘રેમડીસીવીર ઈન્જેકશન’’ ના ૬ ડોઝ આપવાના હોય છે. હાલ આ ઈન્જેકશનની સમગ્ર કચ્છમાં અછત છે. રેમડીસીવીર ઈન્જેકશનની અછત અદાણી સંચાલીત જી.કે. જનરલ હોસ્પિટલમાં પણ જોવા મળે છે. તેવા સમયમાં આ ઈન્જેકશનની કચ્છ તથા ભુજ શહેરમાં મોટાપાયે કાળા બજારી થઈ રહી હોવાનો આક્ષેપ કરાયો છે. રેમડીસીવીર ઈન્જેકશન રીટેલ મેડિકલ શોપમાં વેચાણ માટે પહેલા ઘણા નિયમો લાગુ હતા, પરંતુ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમોનું પાલન થતું નથી. મંચ દ્વારા ભુજ તથા કચ્છના અમુક મેડિકલ સ્ટોરમાં રેમડીસીવીર ઈન્જેકશન ખરીદવા ગયા તો પહેલા તો મેડિકલ સ્ટોરવાળા જણાવતા કે અછત છે માલ આવતો નથી પછી ગરજ પ્રમાણે જણાવ્યું કે, મળી તો જશે પરંતુ હાલ ર જેટલા ડોઝના ભાવ વધુ થાશે. આ અંગે મંચના સભ્યો દ્વારા આ ઈન્જેકશનના હોલસેલ ભાવની તપાસ કરી ત્યારે ખબર પડી કે કોવિડ-૧૯ના દર્દીઓના ખિસ્સા કેવી રીતે ખંખેરવામાં આવી રહ્યા છે. રેમડીસીવીર ઈન્જેકશનના હોલસેલ ભાવ રપ૦૦થી ૩૦૦૦ રૂપિયા છે, પરંતુ મેડિકલ સ્ટોરવાળા અછતનો ફાયદો ઉપાડી પપ૦૦થી ૮૦૦૦ રૂપિયા દર્દીઓ પાસેથી ખંખેરી નાખે છે. કોરોના પોઝીટીવ થયેલા દર્દીઓને બ્લડ કાંઉન્ટ તથા ઓક્સિજન લેવલને મેન્ટેન કરવા ફરજિયાત આ ઈન્જેકશનના ડોઝ લેવા પડે છે, પરંતુ આવા સમય માનવતા બતાવવાની જગ્યાએ અમુક મેડિકલ સ્ટોરવાળા નફો ખંખેરવામાં જ માનતા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.મંચ દ્વારા માંગણી કરાઈ છે કે, જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરી કચ્છના મેડિકલ સ્ટોરો પર આ વિશે યોગ્ય તપાસ કરવામાં આવે અને જે પણ મેડિકલ સ્ટોરના વ્યાપારીઓ કાળા બજારી કરતા હોય તેની સામે પગલા લેવામાં આવે. આરોગ્ય વિભાગને પણ આ બાબતે સચોટ પગલા લેવા જોઈએ જેથી કોરોના પોઝીટીવના ભોગ બનેલા દર્દીઓ છેતરાય નહીં તે જરૂરી છે.